જોતજોતામાં તો 'સર્જન'માં જોડાયાને લગભગ બે વર્ષ જેવો સમય પસાર થઈ ગયો. ખરું કહું તો અહીં જોડાયા પછી મારાં મૌલિક લેખનને એક સાચી દિશા મળી છે. આમ જોઈએ તો આ ગ્રુપ માઈક્રોફિક્શન સ્ટોરીનું. પણ માઈક્રો- ફિક્શન સ્ટોરી ઉપરાંત તેમાં ઉત્તમ સાહિત્ય, સાહિત્યના વિવિધ પ્રકાર, સાહિત્યક્ષેત્રે વિશ્વમાં ચાલી રહેલ પ્રવાહ, સાહિત્ય સ્પર્ધાઓ, સોશ્યલ મીડિયા અને સાહિત્ય વિગેરે અનેક બાબતોની ચર્ચાઓ થતી રહે છે જેથી સૌના જ્ઞાનમાં વધારો થતો રહે છે.
અહીં જોડાયા પહેલા એવું સાંભળવામાં આવતું કે અત્યારે લોકોમાં વાંચન ઓછું થતું જાય છે, સાહિત્યનું ખેડાણ ઓછું થતું જાય છે, સાચી જોડણી પ્રત્યે નવી પેઢી ગંભીર નથી અને આ બધાંથી આપણી લાડલી ગુજરાતી માતૃભાષા ધીમે ધીમે મૃતપાય થતી જાય છે... આવું તો ઘણું બધું.