ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

About Us

બદલાવ અવશ્યંભાવી છે. સમયની સાથે બધુંય સતત બદલાતું રહે છે. બીજમાંથી છોડ થાય છે, છોડમાંથી વૃક્ષ ને એમાંથી બીજ..  સર્જન અને વિસર્જનનું એક આખું સંસારચક્ર ચાલ્યા કરે છે. કદાચ એ બદલાવની ઝડપ ક્યારેક વધી જાય અને કેટલાક એની સાથે કદમતાલ ન મિલાવી શકે, પણ એથી બદલાવ અટકતો નથી. પોતાના સગવડીયા બંધિયારપણામાંથી બહાર આવીને એ બદલાવ સ્વીકારવાનું કદાચ આપણે પસંદ કરતા નથી, તો સામે કેટલાક એવા પણ છે જે આ નાવિન્યને વાંછે છે, એ માટે પરસેવો પાડે છે. ગ્રીક લેખક નિકોસ કઝાન્તઝાકિસ કહે છે, “આપણે હકીકત બદલી શક્તા નથી એટલે એ દ્રષ્ટિ બદલીએ જે હકીકતને જુએ છે.” જાણીતા લેખક રોબિન શર્મા કહે છે, “નાવિન્ય શરૂઆતમાં મુશ્કેલ હોય છે, મધ્યમાં મૂંઝવણભર્યું હોય છે, પણ અંતમાં અદ્રુત બનીને ઉભરે છે.” ભાષા અને સાહિત્યના પ્રકારોમાં નાવિન્યનો પ્રવેશ એક અનોખો બદલાવ છે. એ સતત થતો જ રહ્યો છે. હાઈકુથી લઈને ગઝલ સુધી – ગુજરાતી સાહિત્ય અનેક રીતે સમૃદ્ધ થયું છે. વાચકોની પસંદ સમયાંતરે બદલાય છે, વાર્તા સ્વરૂપમાં આ જ નાવિન્ય અને તાજગી લઈને આવે છે માઈક્રોફિક્શન કે ફ્લેશ ફિક્શન. ખૂબ ટૂંકાણમાં વાર્તાકથનનો આગવો અને અનોખો પ્રકાર. ગુજરાતીમાં માઈક્રોફિક્શનની શરૂઆત અને શિસ્તબદ્ધ માળખાકીય સર્જન પદ્ધતિ વિકસાવવા અને વિસ્તારવા માટે ‘સર્જન’ વોટ્સએપ ગ્રૂપ અને સામયિક સતત પ્રયત્નશીલ છે.

અમારો હેતુ

  • માઈક્રોફિક્શન વાર્તાસ્વરૂપને ગુજરાતી સાહિત્યના અગ્ર વાર્તાસ્વરૂપો સાથે લાવવું અને સ્વીકૃત બનાવવું.
  • માઈક્રોફિક્શનના સ્વરૂપને, એની શિસ્ત, માળખાને અને મર્યાદાઓને પ્રસ્થાપિત કરવી.
  • નવોદિતોને માઈક્રોફિક્શન સર્જન માટે પ્રોત્સાહન, માર્ગદર્શન અને પ્રસિદ્ધ કરવા મંચ આપવો.
  • પ્રસ્થાપિત ગુજરાતી વાર્તાસર્જકો પાસેથી માઈક્રોફિક્શનના ક્ષેત્રને વધુ ખેડવા માટેનું માર્ગદર્શન મેળવવું.
  • વાચકોને ગુણવત્તાસભર અને મજેદાર માઈક્રોફિક્શન ઉપલબ્ધ કરાવવી.

અમારી વાત

માઈક્રોફિક્શનને ગુજરાતી ભાષા સાહિત્યમાં પ્રચલિત કરવા અને પ્રસ્થાપિત કરવા મે ૨૦૧૬માં શરૂ કરાયેલા વોટ્સએપ ગ્રૂપ ‘સર્જન’ના એડમિન ગ્રૂપના મિત્રોની કટીબદ્ધતા, ‘સર્જન’ માઈક્રો ફિક્શનના પ્રચાર, પ્રસાર અને પ્રકાશનથી કંઇક અલગ કરવા, કંઇક અનુપમ, આહલાદક, અને અવિસ્મરણીય આપવા અને સર્વેથી કંઇક અલગ પીરસવાની ઘેલછા અમને આ વેબસાઈટ અને હવે મોબાઈલ એપ્લિકેશન સુધી લઈ આવી છે. . જે ફેબ્રુઆરી ૨૦૧૭માં લોન્ચ થશે. આ અનોખી ટોળકીના સર્જનમય સભ્યો..

સર્જન સંપાદન ટીમ

જીજ્ઞેશ અધ્યારૂ

અક્ષરનાદ.કોમ અને રીડગુજરાતી.કોમના સંપાદક, લેખક, વ્યવસાયે જીઓટેકનીકલ એન્જીનીયર અને મરીન કન્સ્ટ્રક્શન મેનેજર, માઈક્રોફિક્શન ઉપરાંત ટૂંકી વાર્તા, પ્રવાસ વર્ણનો અને ટેકનિકલ લેખ લખ્યા છે. સ્વભાવે સંપાદક, માઈક્રોફિક્શનને ગુજરાતી ભાષા સાહિત્યમાં તેનું યોગ્ય સ્થાન અપાવવાનો ધ્યેય લઈને નીકળેલ સાહિત્યપ્રેમી.

 

 

નીલમ દોશી

ખૂબ જાણીતા લેખિકા, ૨૨થી વધુ વાર્તા, નવલકથા, નાટક, નિબંધ અને સાહિત્ય લેખનના પુસ્તકો, અનેક વર્તમાનપત્રોમાં કૉલમ લખે છે. ગુજરાતી સાહિત્ય વિશ્વનું ખૂબ જાણીતુ નામ.. નવોદિતો માટે સતત ઉષ્માભરી હૂંફ અને પ્રેમ આપીને આંગળી પકડીને સાહિત્ય વિશ્વમાં દોરવાનું કામ તેઓ સતત કરતાં રહ્યાં છે. ભાવુક અને લાગણીશીલ વ્યક્તિત્વ.

 

 

હાર્દિક યાજ્ઞિક

દૂરદર્શન અને અન્ય ગુજરાતી ચેનલ પર ન્યૂઝ રીડર તરીકે કામ કરનાર ખૂબ સરસ ઑરેટર, મનમોજી વાર્તાકાર, કાવ્યસર્જક, નાટક અને ફિલ્મો લખનાર એક અદના સર્જક.. વોટ્સએપ પર ધૂમ મચાવનાર તેમની અનેક માઈક્રોફિક્શન વાર્તાઓ ૨૦૧૦થી લખવાની શરૂઆત કરી.. અત્યંત સર્જનશીલ અને સહજ સ્વભાવ તેમની ખાસિયત છે.

 

 

 

ધવલ સોની

સાહિત્ય વિશ્વમાં નોંધપાત્ર યોગદાન કરવાની ઈચ્છા, માતૃભાષા અભિયાન અને પુસ્તક પરબ જેવી અનેક સાહિત્યિક સંસ્થાઓ સાથે જોડાયેલા, વોટ્સએપ મેગેઝીન શ્રીશબ્દના એડિટર, અલગ વિચારસરણી સાથેના નાવિન્યસભર માઈક્રોફિક્શનના લેખક અને સ્વભાવે સંપાદક, વ્યવસાય ટી.સી.એસમાં અને શોખ સાહિત્યમાં..

 

 

સંજય ગુંદલાવકર

મુંબઈ વિશ્વવિદ્યાલયથી વાણિજ્ય સ્નાતક, વોલ્વો બસ સર્વિસમાં મેનેજમેન્ટ રિપ્રઝેન્ટેટિવ, ૧૯૯૦ – ૨૦૦૦ના સમયમાં અનેક વર્તમાનપત્રોમાં કાવ્યો અને ટૂંકી વાર્તાઓ પ્રસિદ્ધ થયાં, મજેદાર, વિચારતા કરી દે તેવી આઉટ ઑફ ધ બૉક્સ માઈક્રોફિક્શનના લેખક અને સ્વભાવે તથા કામે ગ્રૂપ એડમિનિસ્ટ્રેટર..

 

 

સોનીયા ઠક્કર 

ગુજરાતી વિષય સાથે એમ.એ, બી.એડ થઈને ભરૂચની સરકારી શાળામાં શિક્ષિકાની ફરજ બજાવે છે. સાહિત્યની ઉંડી સમજ અને સતત વાંચવાની, શીખવાની અને વહેંચવાની તેમની ખેવના ઉડીને આંખે વળગે એવી છે. જોડણી, ટાઈપિંગ અને પ્રૂફની ચોકસાઈપૂર્વકની સમજ તેમની વિશેષતા છે.  ખૂબ ઉંડાણપૂર્વકની માઈક્રોફિક્શન વાર્તાઓ લખે છે.

 

 

મિત્તલ પટેલ 

મુંબઈના રહેવાસી, બી.એસસી માઈક્રોબાયોલોજી પછી મેડિકલ લેબ ટેકનોલોજીમાં માસ્ટર્સ કર્યું. ‘માઈક્રો’ – બાયોલોજી હોય કે ફિક્શન, વિચારીને અને ઉંડાણપૂર્વક સર્જન કરે છે. વાંચવાના અને લખવાના બાળપણના શોખ અને સર્જનની યાત્રા સાથે શરૂઆતથી સંકળાયા, ચોટદાર અને આઉટ ઑફ બોક્સ  વાર્તાલેખન તેમની વિશેષતા છે.

 

 

રાજુલ ભાનુશાલી 

સાહિત્યના બધા પ્રકારમાં તેમણે હાથ અજમાવ્યો છે, ગુજરાતી શાળાઓ માટે કાર્યરત મુંબઈ ગુજરાતી સંગઠન સાથે સંકળાયેલા છે. બે સહિયારા ગઝલસંગ્રહ અને ચાર સંપાદનોમાં તેમની કૃતિઓ સ્થાન પામી છે. માઈક્રોફિક્શનનું લાઘવ તેમને આકર્ષે છે. સરળતા સાથે પોતાની વાત વાચકો સુધી પહોંચાડવાને પડકાર જોડણી અને વાક્યરચનાની સમજ સાથે ખૂબ સરસ રીતે ઉપાડી લે છે.

 

 

જલ્પા જૈન 

અભ્યાસ C.S, LLB અને સાથે સાથે શાસ્ત્રીય સંગીતની પણ વિદ્યાર્થી, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સુગમસંગીત ખૂબ જ પ્રિય છે. ‘સર્જન’ થકી જ કલમ પકડી અને તેના દ્વારા જ માઈક્રોફિક્શન વાર્તા લખતાં શીખ્યાં, સરસ અને અલગ પ્રકારની નાવિન્યસભર માઈક્રોફિક્શન વાર્તાઓ લખે છે.

 

 

મીનાક્ષી વખારિયા 

મુંબઈમાં જ જન્મ અને ઉછેર, ગુજરાતી માધ્યમમાં અભ્યાસની સાથે વાંચનની ભૂખ સંતોષાતી રહી. મુંબઈની અનેક સાહિત્યિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. લેખિની, સ્ત્રી સામયિક, અભિષેક, વિચારયાત્રા, સર્જનહાર વગેરેમાં તેમની રચનાઓ પ્રસિદ્ધ થઈ છે. ઉંડાણ અને લાગણી સાથેની સુંદર અર્થસભર માઈક્રોફિક્શન તેઓ લખે છે.

 

 

દિવ્યેશ સોડવડીયા 

સૂરતના રહેવાસી, હાલ ઓએનજીસીમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે કાર્યરત, ગુજરાતી ટૂંકી વાર્તાઓ અને માઈક્રોફિક્શનમાં હાથ અજમાવી રહ્યાં છે. સર્જન વોટ્સએપ ગ્રૂપના પ્રોએક્ટિવ સભ્ય, માઈક્રોફિક્શન લેખકની સાથે સાથે એક અદના ભાવક અને વાચક.

 

 

મીરા જોશી

નિલય પંડ્યા

સરલા સુતરીયા

સંકેત વર્મા

આલોક ચટ્ટ

જીજ્ઞેશ કાનાબાર