ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શન: દાદા-દાદીની વાત – સરલા સુતરિયા; વિવેચન – કિરણ પિયુષ શાહ

આ શ્રેણી સર્જન મિત્રોની માઇક્રોફિક્શનને ખોલી સર્જનના જ અન્ય મિત્રો દ્વારા એનો આસ્વાદ અથવા વિવેચન કરાવવાની અમે કરેલી મથામણનું પરિણામ છે. માઇક્રોફિક્શનમાં ઘણું એવું હોય છે જે વાચકે પોતે વિચારવાનું કે વિસ્તારવાનું રહે છે, એનો પ્રાયોગિક પ્રયત્ન સર્જક જ વાચક બની કરી બતાવે એ હેતુથી આ ટાસ્ક કરેલો અને એના પરિણામે ઘણાં સુંદર વિવેચન અથવા રસાસ્વાદ મળ્યા એ સર્વે વાચકમિત્રો સાથે વહેંચી રહ્યાં છીએ. એ અંતર્ગત પ્રસ્તુત છે સરલા સુતરિયાની માઇક્રોફિક્શન ‘દાદા-દાદીની વાત’ નો કિરણ પિયુષ શાહની કલમે આસ્વાદ.

દાદા-દાદીની વાત – સરલા સુતરિયા

ખોળામાં બેસીને દાદીના હોઠને ખૂણે ફૂટી રહેલી મૂછોને નજાકતથી આંગળી અડાડતાં અડાડતાં અંશુએ કહ્યું, હે દાદી, તમે અત્યાર સુધી ક્યાં હતાં? તમને વારતા કહેતા આવડે?

દાદીનું માથું હકારમાં હલ્યું ના હલ્યું ત્યાં તો એ બોલી પડ્યો, “દાદી, વારતા કહોને!”

દાદીએ શરૂઆત કરી, “એક દાદી એમના દીકરા-વહુ અને પૌત્ર સાથે રહેતા હતાં.”

“પછી દાદી?”

“કર્ણાવતી એક્ષપ્રેસના સેકન્ડ ક્લાસમાં મુસાફરી કરતા દાદી ખુશખુશાલ લાગતાં હતાં. બાજુમાં બેઠેલા દાદા સાથે જાતભાતની વાતો કરતાં, નાસ્તો કરતાં સફર ચાલી રહી હતી. આગલા સ્ટેશને ગાડી રોકાઈ અને ફર્સ્ટ ક્લાસ કંપાર્ટમેન્ટમાંથી દાદીનો દીકરો એમને મળવા આવ્યો ને પાણીની બોટલ આપી જતો રહ્યો ત્યારે એમની વાતચીતમાંથી ખબર પડી કે, દાદીને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવા માટેની આ સફર હતી. બાજુમાં બેઠેલા દાદાની આંખમાં ભીનાશ તરવરી. એમણે ભીની આંખે દાદી સામે જોયું. દાદીના સૌમ્ય ચહેરા પર સાદગી અને આંખમાં શોકનો ભાવ કળાતો હતો. દાદાએ હિંમતથી દાદીને કહ્યું, “તમે મારી સાથે રહેશો? હું મારી પત્ની, પુત્ર-પુત્રવધૂ ગુમાવી ચૂક્યો છું.”

આટલું કહીને દાદી સુનમુન થઈ ગયા. ત્યાંજ અંશુ બોલી ઉઠ્યો,
“દાદી પછી શું થયું? એ દાદી દાદા સાથે ગયાં?”

દાદી ભીની આંખે સામી ભીંતે ટિંગાતા દાદાના ફોટા સામે જોઈ રહ્યાં.


સરલાબેનની વાર્તા દાદા- દાદીની વાતોમાં માનવીય સંવેદનાથી ભરપૂર છે. દાદી પૌત્રને વાર્તા કહેવા જાય ત્યારે પૌત્રનું દાદાની વાત કરો કહી દાદાની વારતા સાંભળવા આગ્રહ રાખે છે..

દાદી વાર્તામાં દાદાની સાથે જાણે પોતાની વાત કહેતા હોય તેમ વાર્તા માંડી. પોતાનો દીકરો તો તેને વૃધ્ધાવસ્થામાં વૃધ્ધાશ્રમ મોકલી રહ્યો હતો..ત્યારે દાદા -દાદીને પોતાની સાથે આવવા પ્રસ્તાવ મૂકે છે. દાદી પણ સમાજનો વિચાર કર્યા વિના દાદા સાથે જતી રહી..

આજ દાદાનો પૌત્ર જ વાર્તા સાંભળતા દાદીને સવાલ કરે છૈ કે દાદી એ દાદા સાથે ગઈ કે નહીં..? ત્યારે આસું સાથે દાદીનું દાદાની તસ્વીર સામે જોવું એ વેદના ભરી દે છે.

આ વાર્તા નો એક અર્થ એવો પણ નિકળે કે દાદી કયાંય નથી જતી અને પોતાના પૌત્રને વાર્તા કરતા પતિની તસ્વીર જોઈ આંખોમાં પાણી તરી આવે છે.

એક પરફેકટ માઇક્રોફિકશન. મને જે સમજાયું તેના કરતા સરલાબેનનો દ્રષ્ટિકોણ અલગ પણ હોઈ શકે.

Leave a comment

Your email address will not be published.

One thought on “માઇક્રોફિક્શન: દાદા-દાદીની વાત – સરલા સુતરિયા; વિવેચન – કિરણ પિયુષ શાહ”