ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

અલૌકિક (લઘુકથા) – સરલા સુતરિયા

ચારધામ યાત્રાએથી આવીને મહંતજી સીધા જ ગોવિંદના કમરામાં ગયા ત્યારે સાંજ ઢળવા આવી હતી. ગોવિંદ ત્યાં હતો નહીં પણ કમરામાં કોઈ અલૌકિક વાતાવરણ રચાયું હતું. દિવ્ય સુગંધીથી કમરો મહેંક મહેંક થઈ રહ્યો હતો. ગોવિંદ રોજ સવારે કમરાના ઉંબર પર પારિજાતકના ફુલોનો સાથિયો કરતો, જે સાંજ પડવા આવી તોયે એકદમ તાજો જ લાગતો હતો. અહો આશ્ચર્યમ્! “આ કમરામાં કશુંક બન્યું છે.” મહંતજી બબડ્યા. કશીક દિવ્ય અનુભૂતિ એમને થઈ રહી.

એમણે ગોવિંદની શોધ આદરી. ગૌશાળામાં ગયા ત્યાં ગાયોનું તેજસ્વી સ્વરૂપ જોઈ આભા થઈ ગયા. ગાયોના દૂધથી ફાટ ફાટ થતા આઉ, ધરાયેલા વાછરડાં અને ઘીના મટકાઓમાંથી ફોરમતી સોડમથી એમને પ્રસન્નતા વ્યાપી રહી. અહીં પણ ગોવિંદ ન હતો.

‘મુખ્ય મંદિરમાં જ હશે એ’ એવું વિચારતા તેઓ મંદિર પરિસરમાં પ્રવેશ્યા. પ્રભુ-પંચાયતનના સ્વરૂપમાંથી જાણે તેજના કિરણો સ્ફૂરતાં હતાં. પ્રભુ સાથે કાલીઘેલી વાતો કરતો ગોવિંદ આરતીની તૈયારીમાં લીન હતો. મહંતજી એની એકાગ્રતામાં ખલેલ પહોંચાડ્યા વગર શાંતિથી પાછળ બેસી ગયા ને ગોવિંદનો સ્વર સ્પષ્ટ સંભળાય એમ હળવેથી નજીક સર્યા. સંધ્યા આરતીને હજુ વાર હતી.

“રામજી! હવે ગમે ત્યારે ગુરુજી આવી જશે. મેં કંઈ હિસાબ રાખ્યો નથી. મને એ આવડતું પણ નથી. એ બધું તું જોઈ લેજે હો મારા વ્હાલા!” ને જાણે મૂર્તિએ પ્રત્યુત્તર આપ્યો હોય એમ ગોવિંદ બોલ્યો, “તો ઠીક મારા વ્હાલા, મૈયાની મહેનત અને છોટે ભૈયાની ગૌસેવાના પૈસાનોય હિસાબ કરજે ને દૂધ અને ઘીના વેચાણના તો એકે એક પૈસાનો હિસાબ બરાબર કરજે, નહીં તો ગુરુજી ગુસ્સો કરશે.”

વાત સાંભળતા મહંતજી સ્તબ્ધ થઈને પોતાના શિષ્યની પાત્રતા સમજવા મથી રહ્યા.

– સરલા સુતરિયા

(Photo in Rangoli – Microsarjan Coverpage by Bhagwati Panchmatiya)

Leave a comment

Your email address will not be published.

One thought on “અલૌકિક (લઘુકથા) – સરલા સુતરિયા”

%d bloggers like this: