સર્જન માઈક્રોફિક્શન સામયિક અંક છ : શૃંગાર વિશેષાંક

પ્રસ્તુત છે ‘સર્જન’ માઈક્રોફિક્શન સામયિકનો છઠ્ઠો અંક. ‘શૃંગાર વિશેષાંક’ એવા આ અંકમાં આપ માણી શક્શો
– રાજુલ ભાનુશાલીની કલમે આપણા સાહિત્ય અને સમાજમાં શૃંગારના લેખાજોખા,
– સ્વાતિ નાયકની કલમે શૃંગારસભર લેખ ‘છલકે રસ વસંત’ અને સુંંદર માઈક્રોફિક્શન.
– ડૉ. રાજેશ વણકરની કલમે શૃંગારરસનુંં આચમન
– સર્જન સભ્ય ભારતીબેન ગોહિલની કલમે શૃંગારની ‘સર્જન’યાત્રા
– ધવલ સોનીની કલમે શૃંગારની સંસ્કૃતિ
અને સાથે સર્જન સભ્યોની અનેક શૃંગારસભર માઈક્રોફિક્શન તો ખરી જ!

તો ડાઊનલોડ કરો સર્જન સામયિકનો નવો અંક.. સર્જન સામયિક ડાઉનલોડ પેજ પરથી..

માઈક્રોફિક્શન વાર્તાઓથી શોર્ટ ફિલ્મ તરફ – મેહુલ બૂચ

માઈક્રોફિક્શન વાર્તાઓથી શોર્ટ ફિલ્મ તરફ..

કર્મે અભિનેતા હોવાના નાતે શબ્દો સાથે મારો બહુ જૂનો નાતો, અને આ શબ્દોથી સર્જાતા કવિતા, ગઝલ, વાર્તા, ટૂંકી વાર્તા, નવલિકા, નવલકથા, નિબંધ, પ્રવાસ વર્ણન જેવા વિવિધ સર્જનો મેં મનભરીને વાંચ્યા. પણ મારી આ વાચનયાત્રામાં અક્ષરનાદ નામના આ મુકામે એક કમાલનો વળાંક આવ્યો અને હું આવી પહોંચ્યો સાવ ઓછા શબ્દોથી સર્જાતા માઈક્રોફિક્શન નામના એક અનંત અને અત્યંત અર્થસભર વિશ્વમાં..

માઇક્રોફિક્શન.. વધુમાં વધુ ૫૫ શબ્દોમાં આખેઆખી વાર્તાને સમાવી લેતો આ સાહિત્ય પ્રકાર વાંચવાની મને બહુ મજા પડી ગઈ. અંગ્રેજી ભાષાની સરખામણીએ ગુજરાતી સાહિત્યમાં કદાચ માઇક્રોફિક્શનની હજી આ શરૂઆત છે, પરંતુ અક્ષરનાદના સથવારે ઘણી માઇક્રોફિક્શન વાંચ્યા પછી એક વાતની ખાત્રી થઈ ગઈ કે ગુજરાતી સાહિત્યમાં આ વાર્તાપ્રકારનું એક આગવું અને અનોખું સ્થાન નિશ્ચિત છે.

આંગળીના વેઢાથીય નાના મેમરીકાર્ડમાં ૬૪ જીબીનો ડેટા સ્ટૉર કરવા ટેવાયેલી ૪G ની ઝડપ સાથે હોડમાં ઉતરેલી, વ્હોટ્સપ વિના ગૂંગળાઈ જતી આજની પેઢીમાં આપણા સાહિત્યને ધબકતું રાખવા માઇક્રોફિક્શન નામનો આ વાર્તાપ્રકાર બહુ મહત્વની ભૂમિકા ભજવી શકે એવી મને ખાત્રી છે. દ્રશ્ય – શ્રાવ્ય માધ્યમથી મારો નાતો બહુ નજીકનો રહ્યો છે એટલે જ આ માઇક્રોફિક્શનના પ્રકારને શોર્ટ ફિલ્મમાં મઢી લેવાની ઈચ્છા હું રોકી નથી શક્તો. કારણ કે મેં વાંચેલી મોટાભાગની માઈક્રોફિક્શન વાર્તાઓમાં એક શોર્ટફિલ્મ માટેની તૈયાર સચોટ પટકથા મને સતત દેખાઈ છે અને બહુ નજીકના ભવિષ્યમાં કેટલીક માઈક્રોફિક્શન વાર્તાઓની શોર્ટફિલ્મ બનાવવાના પ્રયત્નોની શરૂઆત પણ થઈ ચૂકી છે. કેટલાક સર્જકો અને વિવેચકોના નાકનાં ટેરવાં માઇક્રોફિક્શનના નામથી ચડી જતાં હોય તો પૂરા સન્માન સાથે તેમના મંતવ્યની અવગણના કરી માઇક્રોફિક્શનની દિશામાં વધુ ને વધુ આગળ વધવામાં જ આપણું હિત છે.

માઇક્રોફિક્શનની દિશામાં અક્ષરનાદે કરેલા સતત પ્રયત્નોને અને સાવ ઓછા શબ્દોમાં બહુ મોટી વાત કહી જતા એ તમામ સર્જકોને મારા સો સો સલામ છે અને એક જ ઈચ્છા છે કે આવનારા વર્ષોમાં આપણી ગુજરાતી ભાષાની ઓછામાં ઓછી દસ માઈક્રોફિક્શન વાર્તાઓ ભારત અને પરદેશના શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થાય.

– મેહુલ બૂચ
(હિન્દી – ગુજરાતી ફિલ્મો, ધારાવાહિક શ્રેણીઓ તથા ગુજરાતી નાટકોના અભિનેતા)

સર્જન સામયિક અંક 3 માંથી સાભાર..

જમનામા.. – નીલમ દોશી

“જો ચિંતા નહીં કરવાની… હમણાં તારા બચુલિયા આવી જશે હોં… મોટા થયા તો બહાર તો જાય કે નહીં? કંઇ તારા ખોળામાં જ થોડા જિંદગી આખી પડ્યા રહે..? એને પણ બહારની દુનિયા જોવી હોય કે નહીં?” જમનામા પોતાની પાળેલી બિલાડીને સધિયારો આપતા હતાં. પણ આજે તો એ પોતે વ્યાકુળ થઇ ગયા હતા. સવારથી ગયેલા બચ્ચા સાંજ થવા છતાં ઘેર પાછા ફર્યા નહોતા. જમનામા વ્યાકુળ થઇને અંદર બહાર આંટા મારતાં રહ્યા. એકવાર તો શેરીના નાકા સુધી જોઇ આવ્યા. ચારે તરફ આંટા મારતી, રઘવાયી થયેલી બિલાડીના મ્યાઉં મ્યાઉં અવાજે જમનામા વધારે વ્યગ્ર બનતા રહ્યાં.

આખી રાત તે સૂઈ ન શક્યા. જરાક અવાજ થાય અને ઊઠીને જોઇ લે કે બચ્ચા આવ્યા?

છેક સવારે બચ્ચા દેખાયા. બિલાડી બચ્ચાને જોઇ મ્યાઉં મ્યાઉં કરવા લાગી પરંતુ જમનામાનો ગુસ્સો આજે કાબૂમાં ન રહ્યો,

“સાલાઓ, માને હેરાન કરો છો? રાહ જોવડાવો છો? હજુ તો આવડા થયા છો ત્યાં? મોટા થઇને શું કરશો? તમારી પાછળ તમારી માએ રાત દિવસના ઉજાગરા કર્યા છે એની ખબર છે?”
કેટલુંય બબડતા આજે જીવનભરનો ગુસ્સો ઉતારતા હોય તેમ કોઇ સાનભાન વિના બચ્ચાને સાવરણીથી ઝૂડવા માંડ્યા. જમનામા બિલાડીના બચ્ચાઓને કહેતા હતા કે પછી?

થોડીવારે થાક્યા ત્યારે જમનામાએ મોટેથી ઠૂઠવો મૂકયો….

– નીલમ દોશી

કામ દામ દંડ ભેદ – સંજય ગુંદલાવકર

“મારા પપ્પાના પેન્શનની ફાઇલ પાસ કરાવી આપો.”

“ઠીક છે રાજુલા, રાત્રે મારી ઘરે આવીને ફાઇલ લઈ જા.”

* * *

“રાજી… ફાઇલ જોઈતી હોય તો પાસે આવ.”

“ફાઇલ તો બતાવો.”

“આ રહી”

“નામ તો બતાવો. મારા પપ્પાની છે કે?”

“નખરાં નહીં. મારો હાથ ઊપડી જશે.”

“હાથ ઉપાડતાં પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે..”

“ઓય, ચલ બહાર નીકળ, સાલી…” ને દરવાજો ખોલતા જ

“એન્ટિકરપ્શન બ્યુરો” ની ટીમ…

“થેન્કયુ રાજુલા”

– સંજય ગુંદલાવકર

રૂપિયા – મીનાક્ષી વખારિયા

“એય….. હાળા હહરીના…. જા હાલતો થા હાલતો!”

“આલને ‘લી… આ સેલ્લી વાર, પસે નૈ માગું…”

“કૈ’દીધુંને એકવાર, નૈ આલું….”

“નૈ ચ્યમની આલે?”

“નૈ આલુ…. જા, તારાથી થાય ઈ કરી લે.” બોલતાં બોલતાં રાજીએ ઓઢણાના છેડે મારેલી ગાંઠ ફરી તપાસી ને કમરે ખોસી દીધી. પૈસા માટે રઘવાયા થયેલા રવજીએ તેને મારવા હાથ ઉપાડ્યો… પણ વ્યર્થ. રાજીએ ચપળતા દાખવીને હાથ પકડી લીધો ને કસીને મરડતાં બોલી ઉઠી, “હાથ ઉપાડતાં પહેલાં વિચારી લેજે… રાજી આ વખતે ઉધાર નહીં રાખે, ને નૈ તને ફદિયાં મળે, હારી પેઠ હમજી લેજે…. સા…. નપાણિયા..”

– મીનાક્ષી વખારિયા

રોકડું ઉધાર – પરીક્ષિત જોશી

“આગળનો ઉધાર ચુકવવાની તો હેસિયત નથી ને પાછા આવ્યા બીજો ઉપાડ લેવા… રાજીયા, એ બે બદામનો દુકાનદાર મને, મને, સંભળાવી ગયો આજે.. આવું… તેં હજી આગળનું ઉધાર ચૂકવ્યું નથી… પૈસા તો મેં તને પૂરા ગણીને દીધા’તા કાલે.. બોલ, મારા પીટ્યા..”

“રાજી, નથી ચૂકવાયા. એક બીજા કામમાં વપરાઈ ગયા એ.”

“વપરાઈ ગયા એટલે? ઉધાર ચૂકવવાથી જરૂરી કયું કામ હતું તારે બીજું? ઝટ કે, નહીંતો મારાથી ભૂંડી કોઇ નથી..”

“અરે ગાંડી, ઉધાર જ ચૂકવ્યું છે… આપણું નહીં મારું.”

“એટલે…”

“એટલે દુકાનદારનું નહીં, પરવાનેદારનું…”

“પાછો ઢીંચી આવ્યો… લોહી પાણી એક કરી લાવું છું પગાર… ને તું બાટલી પોટલીમાં વેડફી નાખે છે..”

“અરે, રાજી, નારાજ ન થા. તું મારી, હું તારો. તારી પગાર મારો, મારો ઉધાર તારો…”

“લવારી ન કર. અને હા.. હાથ ઉપાડતાં પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે..”

“રાજી, ઉધાર તું તો શું હવે પેલો દુકાનદાર ય નહીં રાખે… રાખશે તો માત્ર મારો પરવાનેદાર.”

“હટ ભૂંડા, તેય પાંડવ જેવું પોત પ્રકાશ્યું… પાંચાલીને ઉધાર મૂકી…”

– પરીક્ષિત જોશી

સફર – જીજ્ઞેશ અધ્યારૂ

“ભલે તેં બનાવ્યું, પણ તારું આ ટાઈમ મશીન ભયાનક વસ્તુ છે, ભવિષ્ય જાણવું મનુષ્ય માટે અભિશ્રાપ છે.”

“ભૂતકાળમાં જઈને મેં ભૂલ સુધારી લીધી છે, હવે જોવું છે કે ભવિષ્યમાં એ મળશે કે..”

“તકલીફ એ જ છે કે તું વર્તમાનમાં જીવી જ નથી શક્તો, પ્રયત્ન, ધીરજ અને ખંતને બદલે..”

“ભલે એમ, એના વગર કોઈ પણ વાતનો કોઈ અર્થ નથી, જીવનનો પણ નહીં.. એ એક વ્યક્તિને તો..”

“પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે? નહીં મળે તો શું કરીશ? ફરી ભૂતકાળ બદલીશ?”

“હા, જ્યાં સુધી એ ન મળે ત્યાં સુધી.. સમય મારા વશમાં છે..”

ટાઈમ મશીનમાં એ ગોઠવાયો, મશીન શરૂ થયું,

અને એક ભયાનક વિસ્ફોટ થયો… એ ન ભવિષ્યમાં હતો, ન ભૂતકાળમાં, ન વર્તમાનમાં.

– જીજ્ઞેશ અધ્યારૂ

દ્રષ્ટા – સોનિયા ઠક્કર

ઈન્દ્રપ્રસ્થનો અંધકાર વધુ ને વધુ ઘેરો થઈ રહ્યો હતો. થોડી વાર પહેલા જોયેલું ભવિષ્ય તેને હચમચાવી ગયું.

કદાચ કંઈક ભૂલ થતી હોય એમ સમજી તે ફરી એ જ ઘટના જોવા મથી રહ્યો.

દર્પણનું પ્રતિબિંબ તેને કહી રહ્યું હતું, ‘તું તારા પરિવારનું સુખ ઇચ્છે છે, પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાતરી છે ?’

યાજ્ઞસેનીએ ઊંઘમાં પડખું બદલ્યું.

– સોનિયા ઠક્કર

સ્વીકાર – જલ્પા જૈન

વાત ભવિષ્યની છે પપ્પા!

‘પૂજા… પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે દીકરી?’

‘ભલે ન મળે, પણ હું જો કોઈને વરીશ, તો સત્ય છુપાવ્યા વગર જ.’

* * *

‘શું થયું બેટા સાક્ષર? કેમ અચાનક ઊભો થઇને ભાગ્યો ત્યાંથી? આટલી સુંદર, સુશીલ અને તને ગમતી છોકરી હોવા છતાં? એવી તે શું વાત થઇ તારી ને પૂજા વચ્ચે?’

સાક્ષર થોથવાતા અવાજે બોલ્યો, ‘માં… પૂજા સાથે પણ આપણી સાક્ષી જેવું જ બન્યું છે.’

અને માં દિકરા બંનેની નજર સમક્ષ નરાધમોનો ભોગ બનેલી અને આત્મહત્યાને વરેલી પોતીકી સાક્ષી આવીને ઊભી રહી. હૃદય જાણે એક થડકારો ચૂકી ગયું. ‘દિકરા મને તારા ઉપર પૂરો ભરોસો છે..’

સાક્ષરે તરત જ ગાડી પૂજાના ઘર તરફ જવા પાછી વાળી.

– જલ્પા જૈન

મનભેદ – જીજ્ઞેશ અધ્યારૂ

‘મૂશળધાર વરસાદે એ ગાડરિયો આનંદમગ્ન થઈ પોતાના ઘેટાં બકરાંની સામે જોઈને ગીત ગાવા લાગ્યો, ગાડર જાણે તેનું ગીત સમજતા હોય તેમ તેની તરફ દોડ્યા અને પોતાના નવજાત પુત્રને પિતા વ્હાલ કરે એમ એ ગાડરિયો પોતાના બકરાંને વ્હાલ કરવા લાગ્યો.’

રસ્તાની નીચે નદીના પાણીને પસાર થવા બનાવાયેલ કોરાકટ્ટ ગરનાળામાં બેસીને સૂકી ભેળ ખાધા પછી બચેલ કાગળમાં લખેલ આ ફકરાને તે વાંચી રહ્યો. શ્રાવણ પૂરો થવામાં હતો. તેના ધણમાં ફક્ત બે મુડદાલ બકરાં જ બચ્યા હતાં, જે ગરનાળામાં તેની પાસે જ પેલો કાગળ મેળવવાની રાહમાં બેઠા હતાં. એ બકરાંઓને જોઈ રહ્યો.

બકરાંઓના મનમાં શું રંધાઈ રહ્યું હતું એ તો રામ જાણે પણ તેના મનમાં આજે રાત્રે બકરાને રાંધવાની વાતની રંધાઈ રહી હતી.

– જીજ્ઞેશ અધ્યારૂ