“લક્ષ્મી ચાંદલો કરવાં આવતી હોય તો એને ઠોકર ન મારવી જોઈએ એવું મારું માનવુ છે. તને તો ખબર જ છે હું કેવી નોકરી કરતો હતો..!”

“અરે પપ્પા! તમે એકને એક વાત કેટલીવાર કહેશો..?” ગુસ્સામાં મયંકે રાજેશભાઈને ત્યાં જ બોલતા અટકાવી દીધા. એમની વાત સાંભળી રહેલા પ્રિયાંશુએ કહ્યું, “દાદા મને એ વાત કહોને..”

“તો સાંભળ” એમ કહીને રાજેશભાઈએ માંડીને વાત કરી, “મારા મિત્રની ઓળખાણથી ઘણી મુશ્કેલીઓ પછી મને એક નોકરી મળી હતી, આપણાં ઘરથી ઘણે દૂર હોવાથી સાઈકલ લઈને હું ઓફિસ જતો, બે કલાકે હું ઓફિસ પહોંચતો, કોઈ કારણસર પહોંચતા મોડું થાય તો તમારાં સ્કૂલ ટીચરની જેમ અમારે પણ સાહેબ વધારાનું કામ આપીને અમને સજા કરતાં.”

તરત જ વચ્ચે બોલીને પ્રિયાંશુએ પૂછ્યું, ”પછી શું થયું દાદા આગળ કહોને..”

“આમને આમ તારા દાદા એ ત્યાં ત્રીસ વર્ષ નોકરી કરી..”

“હેં દાદા એવું.. ?”

“બીજો કોઈ છૂટકો જ ન હતો બેટા, કેમકે ત્યારે ઘરમાં કમાનાર હું એકલો જ હતો.”

ત્યાં બેસીને લેપટોપમાં ગડમથલ કરી રહેલા મયંકે આ બધી વાત સાંભળી, હજી પણ કશું ગુમાવ્યું નથી એમ વિચારીને તેણે બાજુમાં પડેલા કાગળ લઈ એ જ મિનિટે બાઈક નવી મંઝિલ તરફ ભગાડી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *