ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શન: અસ્તિત્વની આગ – ભારતીબેન ગોહિલ; રસાસ્વાદ – આરતી આંત્રોલિયા

આ શ્રેણી સર્જન મિત્રોની માઇક્રોફિક્શનને ખોલી સર્જનના જ અન્ય મિત્રો દ્વારા એનો આસ્વાદ અથવા વિવેચન કરાવવાની અમે કરેલી મથામણનું પરિણામ છે. માઇક્રોફિક્શનમાં ઘણું એવું હોય છે જે વાચકે પોતે વિચારવાનું કે વિસ્તારવાનું રહે છે, એનો પ્રાયોગિક પ્રયત્ન સર્જક જ વાચક બની કરી બતાવે એ હેતુથી આ ટાસ્ક કરેલો અને એના પરિણામે ઘણાં સુંદર વિવેચન અથવા રસાસ્વાદ મળ્યા એ સર્વે વાચકમિત્રો સાથે વહેંચી રહ્યાં છીએ. એ અંતર્ગત પ્રસ્તુત છે ભારતીબેન ગોહિલની માઇક્રોફિક્શન ‘અસ્તિત્વની આગ’ નો આરતીબેન આંત્રોલિયાની કલમે આસ્વાદ.

‘કાળો કેર વર્તાવ્યો છે કુદરતે’ એમ બબડતી કાંગારુમાએ પોતાના બચ્ચાને પંપાળી વ્હાલ કર્યું. ફરી પાછો ભય ભીતરના વ્હાલ પર હાવી થયો.

ચારે તરફ આગનું તાંડવ. વિકરાળ જ્વાળાઓ જંગલને જડબામાં ખેંચવા ઉતાવળી થઈ હતી. જીવમાત્રનો ફડફડાટ, તડફડાટ, મરણચીસો વાતાવરણને ભયાનક બનાવી રહ્યા હતા.

ત્યાં એક ભૂખ્યું ડાંસ પક્ષી બાજુમાં આવી ચડ્યું.

“કેવી દશા…..” બોલી પંપાળવા ગઈ. પક્ષીએ ગુસ્સે થઈ સામી ચાંચ મારી. અરેરે આવું?

“સાચે જ! બધું વિરુદ્ધમાં જતું હોય ત્યારે ક્રોધ નજીક આવતો હોય છે.”

કાંગારુમા દુઃખી હતી. તેની પીડા પોતાનાં અસ્તિત્વની ન હતી પણ બચ્ચું હજુ પેટને જ પૂરું વિશ્વ માને છે. એને આ અદ્ભુત દુનિયા ક્યારેય જોવા નહીં મળે. એની હતી.

ભારે હૈયે પક્ષીને વાત કરી. બચ્ચાને છેલ્લો હાથ ફેરવ્યો. “લે ઊડ. આને નવી દુનિયા બતાવજે.” કહી સોંપી દીધું.

પક્ષી તો બચ્ચું લઈને ઊડ્યું.

શું નિયતિ હશે? બચ્ચું જીવી જશે કે પછી પેલાં પક્ષીના અસ્તિત્વ કાજે તેનો કોળિયો થઈ જશે?
કાંગારુમા રાખ થતાં સુધી વિચારતી રહી.


નવીન વિષય વસ્તુ.

શરૂઆતથી જ ભયનો માહોલ ઊભો કરવામાં લેખિકા સફળ રહ્યા છે. પહેલો સંવાદ જ મા દ્વારા ભયભીત અવસ્થામાં બોલાયેલ છે એટલે ફરી ભય હાવી થયો તે સંવાદનું પુનરાવર્તન કરવાની જરૂર નથી લાગતી.

બીજા ફકરામાં બાજુમાં આવી પડેલા ભૂખ્યા પક્ષીની હાલત જોઈને કાંગારું મા તેને માથે હાથ ફેરવીને વ્હાલ કરવા જાય છે, કારણકે તે મા છે. એટલે તરત દ્રવી ઉઠે છે.

પક્ષી ભૂખ્યું ડાંસ છે એ જો માને ખબર છે તો તેને પોતાનું બચ્ચું કેવી રીતે સોંપે? વિચાર પણ ન કરાય કારણકે વાત દીવા જેવી સ્પષ્ટ છે કે તે તેને ખાઈ જશે.

છતાં પણ બીજો કોઈ વિકલ્પ ન રહેતા મા તેને પોતાનું બચ્ચુ સોંપે છે કારણકે લાખો નિરાશામાં એક અમર આશા છુપાઇ છે.

એક ટકો પણ બચ્ચાનું નસીબ જોર કરતું હશે તો તે બચી પણ જાય નહીંતર આમેય આ જંગલની આગમાં તો મરવાનું જ છે.

એટલે અંતમાં છેલ્લા શ્વાસ સુધી આશા રાખે જ કે બચ્ચું બચી જાય. પણ વાચકને અંત દીવા જેવો સ્પષ્ટ દેખાય છે.
માની વિવશતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ.

Leave a comment

Your email address will not be published.

4 thoughts on “માઇક્રોફિક્શન: અસ્તિત્વની આગ – ભારતીબેન ગોહિલ; રસાસ્વાદ – આરતી આંત્રોલિયા”