ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

લીના વછરાજાનીની માઇક્રોફિક્શનનો આસ્વાદ – ભારતીબેન ગોહિલ

અહલ્યા – લીના વછરાજાની

કવિતનો પ્રેમભર્યો મેસેજ મોબાઇલ પર ઝળકતા કાજલના મોં પર રતુંબડી ઝાંય હજી ફરી ન ફરી ત્યાં સુનૈનનો ભારે અવાજ સંભળાયો,

“અહલ્યા, કેટલી વાર કહ્યું કે જરા સ્માર્ટ બન. મારી સાથે રહીનેય સમજણ ન આવી.”

“પણ મને અજીબ કપડાં-ઘરેણાં પહેરીને બહુ ફાવતું નથી.”

“જેવું દેશી નામ એવી જ દેશી તું રહી.”

રોજબરોજના રૂક્ષ વ્યવહારના પરિણામે મમ્મીમાં આવતી જતી ઉદાસીની સાક્ષી કાજલે લગ્ન પછી વિદાય વખતે સજળ નેત્રે પપ્પાના કાનમાં કહ્યું, “અહલ્યાને પથ્થરમાં પરિવર્તિત થતી અટકાવજો.”

આસ્વાદ

“તમારા માટે વાર્તા એટલે શું?” એવો પ્રશ્ન અંકિત દેસાઈને પૂછવામાં આવેલો. જવાબમાં એમણે એક સુંદર વાત કહેલી કે “સાંપ્રતની કેટલીક ક્ષણોને પકડવાનો અને એ સંવેદનોને ભાવક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો એટલે વાર્તા!”

આમ જોઈએ તો સર્જકે વાર્તાની વ્યાખ્યા બે ઘટના દ્વારા મૂકી છે. એક ક્ષણોને પકડવી અને બીજી સંવેદનાને ભાવક સુધી પહોંચાડવી. કોઈપણ સર્જક માટે આ બંને કામ પડકારજનક છે. પહેલા તો કેવી ક્ષણો પકડવી એવી મથામણ અને એ પકડાયેલી ક્ષણોને ભાવક સુધી કયા માધ્યમથી પહોંચાડવી એ બીજી. મને લાગે છે કે વાર્તા જેટલી નાની એટલો પડકાર અઘરો. દરેક શબ્દ એની જગ્યાએ એવી રીતે બંધ બેસતો કે વાચકની આંખનો સ્પર્શ પામે અને સાચે જ સંવેદના ઝણઝણી ઊઠે!

અહીં આવી જ એક ઉદાહરણરૂપ માઈક્રોફિક્શન લઈને આવ્યા છે લીનાબેન વછરાજાની. બોલકું શીર્ષક ‘અહલ્યા’ અને શબ્દો માત્ર ૭૪!

વાર્તામાં પ્રવેશતાં જ “કવિતનો પ્રેમભર્યો મેસેજ મોબાઈલ પર ઝળક્તા કાજલના મોં પર રતુંબડી ઝાંય હજી ફરી ન ફરી ત્યાં સુનૈનનો ભારે અવાજ સંભળાયો.” વાંચવા મળે.નહીં કોઈ પૂર્વભૂમિકા નહીં વિશેષ પરિચય છતાં જેના મેસેજથી મોં પર રતુંબડી જાય ફરી વળે એ તો પ્રિયપાત્ર જ હોઈ શકે! અહીં ભાવક તરત જ એ પાત્ર વિશે કલ્પના કરી લે છે પણ આ સંવાદની અસરકારકતા જુઓ. ઝાંય હજુ ફરી ન ફરી ત્યાં સુનૈનનો ભારે અવાજ સંભળાય છે. એક સ્થિતિની કલ્પનામાંથી ભાવક ફટાફટ બીજી સ્થિતિમાં આવી જાય છે અને અવાજ પણ “ભારે” વિશેષણ લઈને આવ્યો છે અને એ  વાચકોને જાણે એલર્ટ કરે છે અને પછી કહે છે, “અહલ્યા કેટલી વાર કહ્યું કે જરા સ્માર્ટ બન. મારી સાથે રહીને સમજણ ન આવી.”

અહીં ભાવક પુરુષના અહમનો સ્પર્શ પામે છે. સર્જકને કહેવું નથી પડ્યું કે પુરુષ અહંવાદી છે. વાચક એ અર્થ પામી જ જાય છે. પ્રત્યુત્તર પણ સાંભળવા જેવો,

“પણ મને અજીબ કપડાં-ઘરેણાં પહેરીને બહુ ફાવતું નથી.” અહીં એક સ્ત્રી તરીકે એની પાસે પોતાની પસંદ-નાપસંદ, ગમો-અણગમો, ઇચ્છા-અનિચ્છા બધું છે.છતાં ટૂંકમાં જ કહે છે. ફાવતું નથી!

અને જ્યારે પુરુષની મરજી ચાલતી નથી ત્યારે તે “જેવું દેશી નામ એવી જ દેશી તું રહી.” કહી રીતસર એનાં નામનું, એનાં સંસ્કારનું અને એક આદર્શ નારીનું રીતસર અપમાન કરે છે. છતાં સ્ત્રી સામનો કરવાને બદલે શરણાગતિ સ્વીકારતી જણાય છે. આ એક પરિવાર માત્રની વાત નથી..આપણા સમાજની બહુધા પરિવારમાં બનતી એક પ્રતીકરૂપ ઘટના દેખાઈ આવે છે. 

છેલ્લે વાર્તા પરાકાષ્ઠાએ પહોંચે છે. દીકરી કાજલ મમ્મીનું સતત થતું અપમાન અને તેના કારણે રુક્ષ થતી જતી મમ્મીની પીડાનો બોજ લઈ સાસરે જવા તૈયાર તો થાય છે પણ વિદાય વખતે સજળ નેત્રે પપ્પાને કહે છે, “અહલ્યાને પથ્થરમાં પરિવર્તિત થતી અટકાવજો!”

સાસરે જતી દીકરી પપ્પાની પાસે પોતાના માટે નહીં પણ માનાં નવજીવન માટે લાગણીપૂર્વક માગણી કરતી અનુભવાય છે. 

વાર્તા આમ તો અહીં પૂરી થાય છે, પણ ખરી રીતે જુઓ તો પૂરી થતી નથી. દીકરીના ગયા પછી શું એક વધુ અહલ્યા પથ્થર બની કે એક દીકરીની માંગણીથી પિતાનું હૃદય પીગળ્યું?માએ પિતાની મરજી મુજબ રહેવાનું સ્વીકાર્યું કે પોતાની મર્યાદા જાળવી રાખી?  જેવા અનેક પ્રશ્નો ભાવકો માટે છોડતી જાય છે.

સંવેદનાના જળપ્રવાહમાં એકવાર તણાયા પછી વાર્તા “ખાધું પીધું ને રાજ કર્યું” કહીને નહીં પણ પછી શું?ના પ્રશ્નથી ભાવક આ યાત્રામાં જોડાતો જાય છે અને ભાવકની આ યાત્રા જ માઇક્રોફિક્શનની સાફલ્યગાથા બને છે!

આવી ભાવવાહી માઇક્રોફિક્શનના સર્જક લીનાબેન વછરાજાની અભિનંદનના અધિકારી છે જ!

Leave a comment

Your email address will not be published.

2 thoughts on “લીના વછરાજાનીની માઇક્રોફિક્શનનો આસ્વાદ – ભારતીબેન ગોહિલ”