ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

‘સર્જન’ ચર્ચામાં ઝેનકથાનો અર્થવિસ્તાર

સર્જન ગૃપ દ્વારા માઇક્રોફિક્શન વાર્તાલેખનની સાથે સાથે સમયાંતરે આ વાર્તાઓના મૂળ જ્યાં દટાયેલા છે એવી ઝેનકથાઓ લઈને સર્જનસભ્યો દ્વારા પિષ્ટપેષણ કરવાનો અને એ રીતે આ વાર્તાઓની નજીક પહોંચવાનો, તેમાં ઊંડાં ઉતરવાનો અને આ વાર્તાઓમાં છુપાયેલી વિવિધ અર્થછાયાઓ સમજવાનો સ્તુત્ય પ્રયાસ કરવાનો ઉપક્રમ યોજવામાં આવે છે.

આવો, માણીએ આવા એક ઉપક્રમ દરમિયાન રજૂ થયેલ ઝેનકથા અને તેના પર થયેલ ચર્ચાના તાંતણાં. 

વાર્તાનું શીર્ષક છેકાબૂમાં રાખો..”

એક ઘોડો ખૂબ ઝડપથી દોડતો અચાનક રસ્તા પર દેખાયો. એવું લાગતું હતું કે એના સવારને કોઈ મહત્વપૂર્ણ જગ્યાએ જવું હશે. 

બીજો માણસ, જે રસ્તાની બાજુમાં ઊભો હતો, તેણે બૂમ પાડી, “તમે ક્યાં જઈ રહ્યા છો?”

ઘોડા પરના માણસે જવાબ આપ્યો, “મને ખબર નથી! ઘોડાને પૂછો!”

ભારતીબેન ગોહિલ: લક્ષ્યનિર્ધારણ એ સફળતાનું પ્રથમ પગથિયું છે અને લક્ષ્ય નક્કી કર્યા પછી બરાબર તેને કેન્દ્રમાં રાખીને પ્રયત્નો કરવામાં આવે તો તે જરૂર સિદ્ધ થાય છે. શ્રેષ્ઠ ઉદાહરણ અર્જુનનું છે. લક્ષ્ય પર જ નજર. બીજું કશું ન દેખાય! અહીં કોઈ જાતના ધ્યેય વગર દોડતા માણસની વાત છે. ઘોડો મતલબ સમય. સમય ભાગ્યો જાય છે. ક્યાં મંઝિલ છે એ ખબર વગર જ.

જિજ્ઞેશ અધ્યારૂ: બિલકુલ, ધ્યેય વગરના માણસની જ વાત છે, પણ ઝેનકથાઓ પ્રશ્ન નથી પૂછતી અથવા તો ફક્ત પ્રશ્ન નથી પૂછતી, એનો જવાબ પ્રશ્નમાં જ હોય છે..

શ્રદ્ધા ભટ્ટ: શીર્ષક જુઓ ને! કાબૂમાં રાખો. કોણ કોને કાબૂ કરે? મન શરીરને કે શરીર મનને? એ જ અવઢવમાં અટવાયેલા આપણે બધાં ભાગ્યાં કરીએ છીએ. રોકાતું કોઈ નથી. પૂછવાવાળા પૂછેય ખરાં પણ શરીર મનને ને મન શરીરને આગળ કરે.

જિજ્ઞેશ અધ્યારૂ: આ એક ટૂંકી પરંતુ ખૂબ જાણીતી ઝેનવાર્તા છે જેની પાછળ એક અર્થગંભીર વાત છે. ઘોડો અહીં આપણી આદતની શક્તિનું પ્રતીક છે. વાર્તા જે રીતે આપણે સામાન્ય રીતે જીવીએ છીએ તે પરિસ્થિતિ બતાવે છે, આપણી જૂની ટેવની દયા પર, જે આપણે મહદંશે ઇરાદાપૂર્વકની ક્રિયાઓ દ્વારા નહીં, પરંતુ આજુબાજુની સાહજીક પ્રકૃતિ અને મનની સહજ પ્રવૃત્તિ દ્વારા કરીએ છીએ.

જિજ્ઞેશ અધ્યારૂ: ઘોડો આપણને ખેંચે છે, આપણને લઈને અહીં અને ત્યાં દોડે છે અને બધે જ ઉતાવળ કરે છે અને જાણવા છતાં આપણને એનું કારણ ખબર નથી. સમયાંતરે જો તમે પોતાની જાતને પૂછવાનું બંધ કરી દીધું છે કે તમે આટલી બધી ભાગદોડ કેમ કરી રહ્યાં છો ક્યારેક તમને સહજ જવાબ મળી શકે છે, પરંતુ તે સાચો નહીં હોય, સગવડીયો હશે કારણ કે તમે એ જવાબથી જ ટેવાયેલા છો, આપણે આમ જ જીવી જઈએ છીએ. જીવી નાખીએ છીએ.

સુષ્મા શેઠ: જીવનમાં લક્ષ્ય વગર દોડે રાખવું. માણસને કયાં જવું છે તે ખબર નથી. બેકાબૂ મનની દોડ છે જેને સ્વ એટલે કે આત્માએ કાબૂમાં લાવવાનો છે. પૂછનાર ગુરુ અથવા પરમાત્મા હોઈ શકે.

જિજ્ઞેશ અધ્યારૂ: પરંતુ આપણે જેટલું આદત કે ઇચ્છાઓરૂપી ઘોડાને દોડાવીએ છીએ એની સરખામણીએ આપણે ક્યાંય પહોંચતા નથી. આપણે શીખવું જોઈશે કે શાસન કેવી રીતે પાછું લેવું અને ઘોડો એ જાણે એ જરૂરી છે કે બોસ કોણ છે.

મિનાક્ષી વખારિયા: ચંચળ મનના ઇચ્છાઓરૂપી ઘોડા બેફામ બની દોડતા હોય અને અચાનક મગજના કાબૂમાં ન રહે. મગજ દિશાશૂન્ય છે. એને ખબર નથી ઇચ્છાઓના ઘોડા કઈ તરફ દોડી રહ્યા છે. તાત્પર્ય મગજે મન પર લગામ ખેંચવી જ પડે. દિલથી નહીં, દિમાગથી વિચારવું પડે.

મયુરીકા લેઉવા: અચાનક શબ્દનું પ્રયોજન એ હોઈ શકે કે અત્યાર સુધી આવું ચાલ્યા કરતું હતું અને અચાનક કોઈ એક દિવ્ય ક્ષણે ભાન થાય છે. 

અહીં ઘોડો પ્રતીક છે. ઘણી બધી બાબતોનું. ઘોડો એટલે વ્યક્તિનું જીવન, ઘોડો એટલે વિચારો, ઘોડો એટલે કોઈ અગત્યનું કાર્ય, ઘોડો એટલે વૃત્તિઓ, ઘોડો એટલે નીતિઓ, ઘોડો એટલે ઈરાદા, ઘોડો એટલે ઈચ્છાઓ… 

ખરેખર તો આ બધાંની એક નિશ્ચિત દિશા કે મંઝિલ હોવી જોઈએ. અથવા તો એક નિશ્ચિત પથરેખા તો હોવી જ જોઈએ. પણ તેનો ચાલક એટલે વ્યક્તિ આ બધાં પ્રત્યે સભાન નથી હોતો. એ બધાં જેમ ચલાવે એમ એ ચાલે છે.

અચાનક એનો માંહ્યલો જાગ્રત થાય છે અને તેને પ્રશ્ન પૂછી બેસે છે કે તું ક્યાં જાય છે? અને એને ભાન થાય છે કે હકીકતમાં તો હું ક્યાંય નથી જતો. આ બધાં લઈ જાય ત્યાં જઉં છું. જીવન એની મેળે વહ્યાં કરે છે.

જિજ્ઞેશ અધ્યારૂ: એ ક્ષણ જ્યારે અચાનક આપણે આપણી જાતને પ્રશ્ન પૂછી શકીએ એને ઝેનમાં બોધિસત્વ પ્રાપ્ત થયું એમ કહે છે. પ્રશ્ન પૂછવો અગત્યનો છે પણ પ્રશ્ન પૂછવાનો અર્થ છે રોજ જે કરી રહ્યાં છીએ એનું પ્રયોજન સમજવું, જાતને પૂછવું કે જે કરી રહ્યાં છીએ એ ક્યાં લઈ જશે. મારા હિસાબે એ અર્થ પણ હોઈ શકે.

રંજન જોષી: મને એવું સમજાયું કે આત્માએ સમયાંતરે જાગૃત રહીને સ્વયંને પૂછવું જોઈએ કે તે ક્યાં જાય છે? માત્ર ઘોડારૂપી મન લઈ જાય ત્યાં એ જવાબ હોય તો હજુ આપણે સુષુપ્ત જ છીએ. જાગૃત થવાની જરૂર છે.

ગોપાલ ખેતાણી: આપણે ત્યાં કહેવત છે ને કે મન માંકડું છે. મનના વિચારો ગમે તેમ દોડે. મન પર કાબૂ રાખી શકે તે મહાન બની શકે. પણ સામાન્ય માણસના વિચારોની ગતિ અસીમ હોય છે અને તે ક્યાં દોડે છે તે તો મન જ જણાવી શકે.

ભારતીબેન ગોહિલ: અહિ સ્વાભિમાનની વાત પણ જોડાય છે. ઘોડો માત્ર એક સાધન તરીકે ગણીએ તો માણસને પોતાને ખબર હોવી જોઈએ કે સાધનની મદદ વડે તે ક્યાં જવા ઈચ્છે છે. જ્યારે અહીં તો એને પૂછવાની વાત કરી છે. પોતાની જાતનું ગૌરવ, આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા વગેરેને અહીં સ્થાન નથી. એવું અનુભવાય છે.

મયુરીકા લેઉવા: તદુઉપરાંત માણસને ઘોડો લઈ જાય ત્યાં જાય છે એટલે માણસ કે અસવાર પોતે બેફિકર છે, લાપરવાહ છે, કાં તો એને ઘોડો જે સફર કરાવે છે એમાં રસ નથી, ઉમંગ નથી એવું પણ ફલિત થાય છે.

જિજ્ઞેશ અધ્યારૂ: ખરું, મેં એમ વિચાર્યું કે મને ખબર નથી! ઘોડાને પૂછો! એ વાક્યની સહજતા જોવી જોઈએ. એ કટાક્ષમાં ન કહેવાયું હોય તો? તો એ માણસ દયાને પાત્ર થઈ જાય, નસીબને કે ઇશ્વરને ભરોસે જીવ્યે જાય છે. પણ જો એ કટાક્ષમાં કહેવાયું હોય તો? ઘોડો જવાબ આપી શકવાનો નથી અને હું કહેવાનો નથી. કદાચ કોઈ ઋષિને એનું ભવિષ્યનું આયોજન પૂછવા જેવું.

મયુરીકા લેઉવા: આવું ચાલ્યા કરતું હતું. પણ. અચાનક… 

એને કોઈ (એનું સ્વ) પ્રશ્ન પૂછે છે ત્યારે એને ક્લિક થાય છે, ભાન થાય છે કે ખરેખર મારે ક્યાં જવું છે? ક્યાં જવાનું છે? ક્યાં જવું જોઈએ? આ પ્રશ્ન પૂછવાની ક્ષણ ઘોડા દ્વારા કરાવાતી સફરનો (જીવનનો) ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ શકે છે.

ભારતીબેન ગોહિલ: અહીં એક વિકલ્પ એ પણ મળે છે કે માણસ પરંપરા, રૂઢિ, સંસ્કૃતિ વગેરેને ૧૦૦% સમર્પિત થઈ જાય છે. પોતાની આવડત કે સુખને મહત્વ આપવાને બદલે રૂઢિને જ વળગી રહે છે અને પોતાની આગવી કેડી કંડારવાને બદલે આગે સે ચલી આતી હૈ -વાત સ્વીકારી લે છે. પોતાના ગુણો, આવડતો, કૌશલ્યો સુષુપ્ત અવસ્થામાં રહી જાય છે. પરંપરા સૌની સુખાકારી માટે હોય છે. એને કાબૂમાં રાખવી જરૂરી છે.

સંજય ગુંદલાવકર: ઘોડેસવારના ઍંગલથી આ કથા જોઈએ: ‘મને ખબર નથી! ઘોડાને પૂછો!’ ખરી ઝેનકથા અહીંથી શરૂ થઈ છે. કશેક પહોંચવાની, પામવાની હોડમાં ઘોડેસવાર એવી ઝડપથી એટલો આગળ નીકળી આવ્યો કે એને ખ્યાલ જનથી કે એ ક્યાં જઈ રહ્યો છે? કેમ જઈ રહ્યો છે? 

ઉદાહરણાર્થે એક સંવાદ લો: 

“કહું છું કે આ છોકરાઓ, ઘર તરફ પણ ધ્યાન તો આપો.”

“હા.પણ આ બધી દોડધામ તમારા માટે સ્તો છે.”

Leave a comment

Your email address will not be published.

One thought on “‘સર્જન’ ચર્ચામાં ઝેનકથાનો અર્થવિસ્તાર”

%d bloggers like this: