ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

આગમન (માઈક્રોફિક્શન) – લીના વછરાજાની

પંડિતે યજમાનને કહ્યું, “ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી બહુ પુણ્ય મળશે.”

ગંગાએ અદ્ધર શ્વાસે કહ્યું, “અરર! આ ચામડીના રોગવાળો હમણાં ખાબકશે.”

યમૂનાએ રોતલ અવાજે કહ્યું, “હા બેના, લાલચુ પંડિત દક્ષિણાના લોભમાં આપણો કાયમ દુરુપયોગ કરે છે.”

સરસ્વતિ તો આંસુ આંસુ જ હતી.

એ રાતે ગંગાએ પોતાને ગંગાસાગરના વહેણમાં ઘસી ઘસીને નવડાવી.

સાગર મંદસ્મિતે ઉછાળા મારતો રહ્યો, “ગંગાએ પોતાનો પ્રવાહ મારા ખારા પ્રવાહમાં ભેળવી મને અલૌકિક ઉંચાઈ અપાવી છે.”

કેટલાય દિવસોથી લોકોમાં એક ડર બેસતો જતો હતો. ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા ગયેલા લોકો પાછા નથી આવતા. દરિયાના મોજાં જેવાં મોજાં નદીમાં આજ સુધી જોયાં નથી. એમાં લોકો છેતરાઈ જાય, ખેંચાઈ જાય છે.

“હાશ! કેટલાય દિવસોથી આપણામાં માણસ નામે ગંદકી પધરાવાઈ નથી. બહુ ચોખ્ખું લાગે છે નહીં!” ત્રણેય બહેનપણીઓ મોજમાં હતી.

જબરદસ્તીથી લવાયેલી રોજ અશુધ્ધ થતી ગંગા, યમુના સરસ્વતિને માથે હાથ ફેરવીને વૃદ્ધ કલીબાઈએ ઊંડા શ્વાસ સાથે વાર્તાનું સમાપન કર્યું, “બસ, સાગરના આગમનની વાર છે.”

– લીના વછરાજાની

(Photo & Rangoli by Ankur & Mayurika Banker for Sarjan)

Leave a comment

Your email address will not be published.

2 thoughts on “આગમન (માઈક્રોફિક્શન) – લીના વછરાજાની”