ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

રોજની જેમ ‘ડેટ વિથ જેની’ માટે મુકેલી એલાર્મની રીંગ વાગી

પરફેક્ટ ડેટ – લીના વછરાજાની

 

રોજની જેમ ‘ડેટ વિથ જેની’ માટે મુકેલી એલાર્મની રીંગ વાગી અને માલ્કમ રોમાંચ સાથે જાગી ગયો.

આજ જેનીનું મનપસંદ પરફ્યુમ લગાડીશ એવું વિચારતાં શાવર લઈ, પરફેક્ટ તૈયાર થઈ, સરસ હેરજેલથી વાળ ઓળીને માલ્કમ ફરી રજાઈમાં આંખ બંધ કરીને જેનીની રાહ જોતો પડી રહ્યો.

 

જેની આવી. એ જ જન્નતની સુગંધ. મખમલી અવાજમાં વાતો કરતી જેનીની પીઠ પર માલ્કમનો હાથ ફરતો રહ્યો. અચાનક જેનીથી પીડા થતી હોય એવી રાડ પડાઈ ગઈ.

“શું થયું?”

“કાંઈ નહીં ડીઅર.”

માલ્કમને જવાબથી સંતોષ ન થતાં જેનીની પીઠ પોતા તરફ ફેરવી અને એ પોતે પણ વેદનાથી ખળભળી ગયો.

“જેની આ?”

“હા, એ નિશાન છે.”

“પણ શેનાં? અને શું કામ જેની?”

“મૃત્યુશૈયા પર તેં વચન માંગેલું કે હું રોજ તને સપનામાં મળવા આવીશ તે એ ડ્રીમ ડેટ સાચવવા થોડી શરત માનવી પડે છે. જન્નતના કેટલાક કાયદા છે. અહીં આવવા માટે પાંચ હંટરની સજા હોય. બસ, એટલું જ તો છે.”

“જેની…”

માલ્કમ એ ડેટ પછી રોજની જેમ ખીલી ન શક્યો.

આજ ત્રણ રાતથી માલ્કમના સિગ્નલ કેમ નથી આવતાં? જેની બેચેનીથી રાહ જોતી રહી હતી. હા, પીઠ પર પડેલા ઘા પર રુઝ આવતાં સારું લાગતું હતું.

માલ્કમ મોં પર પાણી છાંટી છાંટીને ઉંઘ ઉડાડવાના પ્રયાસમાં મગ્ન હતો.

રાતે હું સુઈ જઉં અને ડ્રીમ ડેટનું સપનું જોઉં તો જેનીને હંટર ખાવાં પડે એટલે જાગરણ જ…

Leave a comment

Your email address will not be published.