ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

પીયૂષ જોટાનિયાની માઇક્રોફિક્શનનું વિશ્લેષણ – ડો. નિલય પંડ્યા

ભૂતકાળ અને ભવિષ્ય : પીયૂષ જોટાનિયા

નાઇટબારના સ્પેશિયલ રૂમમાં જેમ્સ પૂરી તૈયારીથી બેસી ગયો. થોડીવાર પછી લાલ શોર્ટ ડ્રેસમાં લજ્જા આવી. બંને ટેબલ ઉપર સામસામા ગોઠવાઈ ગયાં. તેણે પોતાના માટે વ્હીસ્કી અને લજ્જા માટે રેડ વાઇનનો ઓર્ડર આપ્યો. તેને લજ્જાનો લાલ ડ્રેસ થોડો જાણીતો લાગ્યો. પણ તે ડ્રેસને બદલે ડ્રેસની અંદર નજર કરવા લાગ્યો.

“આ કવરમાં તમારા બધાં જ દુશ્મનોની ટોટલ ઇન્ફર્મેશન છે, મિ.જેમ્સ” લજ્જાએ ટેબલ પર કવર ફેંકીને સિગરેટ સળગાવી.

“વૅલ ડન જાસૂસ લજ્જા. મને વિશ્વાસ હતો કે તમે આ કામ સારી રીતે કરી શકશો.” જેમ્સ ઉત્સાહમાં કવર ખોલીને જોવા લાગ્યો.

“બધા ફોટા નીરખીને જોઈ લેજો. તમારા જાણીતા ચહેરા જ નીકળશે. એમાંથી કેટલાંક તમારો ભૂતકાળ અને કેટલાક તમારું ભવિષ્ય હશે.”

ફોટા જોઈને જેમ્સને પરસેવો વળી ગયો. કેટલાંક બિઝનેસ રાઇવલ, કેટલાંક સંબંધીઓ અને કેટલાંક બિઝનેસ પાર્ટનર પણ હતાં.

“આ બધા હરામીઓએ મને પરેશાન કરી દીધો છે. બિઝનેસમાં કેટલું નુકશાન કર્યું છે. મને મેન્ટલી ડિસ્ટર્બ કરી દીધો છે.” એટલું બોલીને તે વ્હીસ્કીનો આખો ગ્લાસ ગટગટાવી ગયો.

“રીલેક્સ મિ.જેમ્સ, આ તો ટ્રેઇલર છે. છતાં પણ કહું છું કે આમાંનાં કોઈએ તમને નુકશાન નથી કર્યું.” લજ્જાએ ઝટકો આપ્યો.

“વ્હૉટ નોનસેન્સ. આ બધાં નથી? તો પછી કોણ છે?”

જેમ્સ અધીરાઈથી આગળનાં ફોટા જોવા લાગ્યો. એક વિકૃત ચહેરાનો ફોટો જોઈ તે અટકી ગયો.

“લીલા મહેતા?” થોડીવાર પછી તે હસવા લાગ્યો.

“હા, એ જ લીલા મહેતા, જેને તમે એક ગોડાઉનમાં સળગાવીને ભાગી ગયા હતા. દેશ છોડીને અહીં જેમ્સ બની બેઠા છો, મિ.જૈમિન.”

જેમ્સને ફ્લેશબેક થવા લાગી. જાણીતો લાલ ડ્રેસ આંખમાં બળતરા કરવા લાગ્યો. જેમ્સે સાવચેત થઈને તરત જ લજ્જા સામે રીવોલ્વર તાકી.

“રીલેક્સ મિ.જેમ્સ. મેં હમણાં જ કીધું કે આમાંથી કેટલાક તમારો ભૂતકાળ અને ભવિષ્ય બંને છે.”

જેમ્સ કંઇક સમજે તે પહેલાં જ સ્પેશિયલ રૂમની બધી લાઇટો ચાલુ થઈ ગઈ અને વેઇટરોએ તેને ઘેરી લીધો.

વિશ્લેષણ:

આ વાર્તાની વાત કરીએ તો,

વર્ણન અને વાર્તાનો પ્રવાહ સામાન્ય જ છે એમાં કંઈ નવીનતા નથી. છતાં આ વાર્તાનું કન્ટેન્ટ અને વિષયનું નાવીન્ય એને અમુક ઊંચાઈઓ સુધી લઈ જાય છે.

પહેલા ફકરાની વાત કરીએ તો આ ફકરો સીધોસટ અને રિપોર્ટીંગ જેવો અમુક અંશે લાગે છે. જો કે નાઇટબારનો સ્પેશ્યલ રૂમ એ લૉકેશનને થોડું ગ્લૅમરસ બનાવે છે એટલે ચાલી જાય છે અને પહેલા ફકરામાં વાર્તા ફસાઈ જતી નથી. બાકી સામાન્ય રીતે થોડી ઍક્શનપૅક્ડ શરૂઆત હોય તો મજા આવે!

પણ બીજી લાઇનમાં તેને લજ્જાનો લાલ ડ્રૅસ જાણીતો લાગ્યો આ વાત કંઈક અલગ અહેસાસ કરાવે છે અને પહેલા ફકરાની થોડી ઘણી ક્ષતિઓને ભૂંસી નાંખે છે! બન્ને પાત્રોને છોડીને વાત આખી ડ્રૅસ ઉપર ફૉકસ થાય ત્યારે શરૂઆતમાં જ કંઈક નાવીન્ય અનુભવાય છે જે વાચકને વાર્તામાં આગળ વધવા માટે પકડી રાખે છે. જો કે આની તરત પછીનું વાક્ય ખાસ બરાબર ન લાગ્યું. એ વાક્ય કદાચ જેમ્સની મૅન્ટાલીટી બતાવવા માટે હોય પણ અહીં ખાસ જામતુ નથી! ખાસ વાત એ કે અહીં નાવીન્યસભર વાત સાથે વાર્તા મધ્યભાગમાં પ્રવેશે છે જેને શરૂઆતની સફળતા ગણી શકાય.

વાર્તાનો મધ્યભાગ આખો ઊંચકનીચક ચાલે છે પણ કેટલાંક નોંધપાત્ર મુદ્દાઓ કહીએ તો,

૧. ક્યાંય કોઈ પાત્ર અજ્ઞાત નથી રહેતું આથી વાચકનું ધ્યાન વાર્તાનાં ઊંચકનીચક પર કેન્દ્રિત થઈ શકે છે.

૨. ક્યાંય કોઈ નવું પાત્ર કે નવું મેજર સસ્પેન્સ નથી ઊમેરાતું જે વાર્તાના પ્રવાહને અવરોધે.

૩. વાત ખૂબ જ સામાન્ય અને જાણીતી છે. આથી સડસડાટ તો નથી વંચાઈ જતી પણ છતાં ક્યાંય વાચકની ગતિ અવરોધાતી નથી લાગતી. વળી, આ જ સામાન્ય અને જાણીતી વાત ક્લાઇમેક્સ માટે સદ્ધર બૅક્ગ્રાઉન્ડ બનાવે છે! અને

૪. મધ્યભાગને અંતે ફરી એક ઝટકો કે આ કોઈએ નુકશાન નથી પહોંચાડ્યું. આ વાક્ય વાચકને સામાન્ય ગતિમાંથી ફરી જાગૃત કરી દે છે અને અચાનક જ વાર્તાનો પ્રવાહ જ પલટાઈ જાય છે! છતાં મહત્ત્વની વાત, ક્યાંય કનૅક્શન તૂટતું નથી લાગતું અને છેલ્લે સુધી આ બદલાયેલી ગતિ જળવાઈ રહે છે!

અંત માટે એટલું જ કહીશ કે,

અંતનું વાક્ય બરાબર નથી લાગતું. એ વાર્તા અધૂરી હોવાનો અહેસાસ કરાવે છે. જો કે આમ સમજાઈ જાય એવું જ છે અને વાર્તા અધૂરી નથી જ પણ વાચકને આવો અહેસાસ પણ ન થાય એ જરૂરી છે. વાર્તાના ક્લાઇમૅક્સમાં જે સસ્પેન્સ આવે છે એની આજુબાજુમાં થોડી નજર કરશો તો ખૂબ સરસ સસ્પેન્સ સિવાયનો જ અધ્યાહાર મળી આવશે જે માઇક્રોફિક્શનની દૃષ્ટિએ મજબૂત પાસુ કહી શકાય.

આ વાર્તામાં અધ્યાહારના મને મળેલા વિકલ્પો એટલે નથી કહેતો કારણ કે આપણે જાતે એ શોધવાની મહેનત કરીશું તો જ આપણા લેખનમાં લાવતા આવડશે. સીધા કોઈ બતાવી દે તો ખાસ મદદરૂપ નહીં થાય!

ઘણી બાબતો ખૂબ સામાન્ય હોવા છતાં વાચક તરીકે આ વાર્તા વાંચીને બસ મજા આવેલી!

Leave a comment

Your email address will not be published.

2 thoughts on “પીયૂષ જોટાનિયાની માઇક્રોફિક્શનનું વિશ્લેષણ – ડો. નિલય પંડ્યા”