ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

અભિસાર – ભારતીબેન ગોહિલ

અનંત વિસ્તરેલ આભ અને બરફાચ્છાદિત પર્વતોની હારમાળા જોઈ રહેલ યુગનો હાથ દાઢી પર ફરી વળ્યો. અણગમા સાથે બબડ્યો, “બેજાન ને બરછટ!” તેને યજ્ઞા સાથેની મુલાકાત યાદ આવી. તે બોલેલી.

“દાઢી? ઓહ નો! આઈ લવ કલીન શેવ!”

બીજે દિવસે યુગ ક્લીન શેવમાં હાજર. “યજ્ઞા, પ્લીઝ હવે તો…”

યજ્ઞા પગથી માથા સુધી તોફાની નજર ફેરવી, હાસ્ય સાથે બોલેલી, “અરે! પ્લેન શર્ટ? નો.. આઈ લવ ચેક્સ.. ઓનલી ચેકસ.”

યજ્ઞા પાછળ રીતસર પાગલ યુગ પોતાની પસંદ છોડી સદંતર બદલાયેલો. દાઢી, શર્ટ, પેન્ટ, શૂઝ, ગોગલ્સ, ઘડિયાળ, હેટ અરે પરફ્યુમ પણ યજ્ઞાની પસંદનું!

વિચાર્યું. હવે તો યજ્ઞા ફિદા ન થાય તો જ નવાઈ. “યજ્ઞા, હવે….”

ફરી એક નજર યુગ પર. તે બેચેનીથી રાહ જોઈ રહેલો પ્રતિભાવની. વળી તે ખડખડાટ હસી પડેલી

“મારી પસંદ? ઠીક છે.. પણ તારીય શાનદાર હતી હો.”

યુગ ધીરજ ખોઈ બેઠેલો. તેને ખેંચી. પ્રેમ, ઉત્સાહ, આવેશ, લાગણી, વહાલ બધું જ ન્યોછાવર કરી દીધું. સાથે હસ્યાં, સાથે ફર્યાં, સાથે રમ્યાં. યુગ-યજ્ઞા જાણે સમગ્ર સૃષ્ટિમાં પ્રેમના પ્રતીક બન્યાં. યુગ અભિસાર તો યજ્ઞા અભિસારિકા! પ્રકૃતિ પણ આ અનોખા યુગલત્વને આવકારતી હોય તેમ ખીલી ઊઠેલી!   સૂર્યકિરણોએ દિવસોને સુવર્ણમય બનાવેલા ને ચાંદનીએ રજતમય!

એક દિવસ અચાનક બરફનું તાંડવ થયું.

“કાલે ચોક્કસ મળીશ.” કહીને ગયેલ યજ્ઞા દિવસો સુધી ન આવી. એક ખડખડાટ હાસ્યથી શરૂ થયેલ સંબંધ આંસુ સાથે પૂર્ણ કરી યુગ પાછો ફર્યો. પણ વર્ષમાં બે વાર હજુ નવી આશા સાથે આવે. આજે પણ…દાઢી પર હાથ ફેરવતો…

“ઓ મિસ્ટર… કોઈ છોકરી… અહીંથી…” યુગ ફાટી આંખે તેને જોતો રહ્યો.

ક્લીન શેવ, ચેકસ શર્ટ, શૂઝ, ઘડિયાળ, પરફ્યુમ બધું જ યજ્ઞાની પસંદ જેવું! ને પછી તે ખખડાટ હસવા લાગ્યો. યજ્ઞા જેવું જ!

ધ્રુજતા અવાજે યુગ એટલું જ બોલી શક્યો, “તું ફરી એકવાર હસને. પહેલા જેવું જ!”

Leave a comment

Your email address will not be published.

%d bloggers like this: