ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

જળના વિવિધ પડછાયામાં મને માત્ર તું જ દેખાય છે

ટેક – ભારતીબેન ગોહિલ

સત્યેન….તમને અવારનવાર ચાંદનીમાં લટાર મારતા જોઉં છું. લોકો પ્રકાશના પૂજારી હોય છે તમે તો અંધારાના ભક્ત! રાત થાય ને તમારા માટે સૂરજ ઊગે!

એમાંયે પાણીમાં પડતાં ચંદ્રકિરણો જોતાં કલાકો સુધી બેઠા રહો. પત્નીના નાતે ઈર્ષાભાવ જાગે. પણ મને યાદ છે તમે કહેલું,”દિવ્યા! જળના વિવિધ પડછાયામાં મને માત્ર તું જ દેખાય છે. ક્યારેક લાંબા હાથ કરી મને આગોશમાં લેવા ઈચ્છતી, ક્યારેક હળવેથી આવીને ખુલ્લી પીઠ પર ચુંબન કરતી…. ક્યારેક નશીલી આંખો દ્વારા મિલનનું ખુલ્લું આમંત્રણ આપતી…. તો ક્યારેક મારી છાતી પરના કાળા ભમ્મર વાળમાં નાજુક આંગળીઓ ફેરવતી!”

આટલા વર્ષો સંસાર ભોગવ્યા પછી સવા વરસનો સન્યાસ બહુ તકલીફ આપે છે ને? પણ……

સત્યેન…ખરું કહું? મને ઈચ્છાઓ જ્યારે નાગની જેમ વીંટળાઈ વળે છે ત્યારે ધબ્બ કરતી તમારા પ્રિય જળમાં મારી જાતને નાખી દઉં….બસ પછી તન-મન શીતળ…શીતળ!

ઓહ! હવે થોડો જ સમય. મને શ્રદ્ધા છે….આપણે બચાવેલી શરીરસંબંધની તાકાત ઈશ્વર આપણા સુકેતુમાં જરૂર ભરી દેશે!

સાંભળો છો? આજે સુકેતુ મેડિકલ ટેસ્ટ દેવા જઈ રહ્યો છે. સારા રીપોર્ટ માટે શુભકામના પાઠવીશું ને?

Leave a comment

Your email address will not be published.