ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

કહાની – ભારતીબેન ગોહિલ, આસ્વાદઃ મયુરિકા લેઉવા-બેંકર

વાર્તાનું શિર્ષક – કહાની
લેખકઃ ભારતીબેન ગોહિલ
આસ્વાદઃ મયુરિકા લેઉવા-બેંકર 

નિત્યક્રમ મુજબ પોતાની કલમને વંદન કરી જીવનદાસ પ્રાર્થના કરવા લાગ્યા. “હે પ્રભુ! મારું સર્જન રાગ-દ્વેષ, રૂપ-કુરૂપ, શંકા-કુશંકા, ભેદભાવ, મત્સર વગેરેથી સદાયે દૂર રહે તેવી કૃપા કરજે!”

એક દિવસ બારીમાંથી કહાનીએ ડોકું કાઢ્યું. બોલી, “સાહેબ! તમે રોજરોજ કેટલીયે વારતા કહો છો, ક્યારેક મારીયે વારતા કહો ને રાજકુંવરી જેવા લાડ મને પણ…..!”

જીવનદાસે ઊંચું જોયું. ચશ્માની દાંડી સરખી કરી. બોલનારના વાળ બિલકુલ અસ્તવ્યસ્ત. બિંદી કપાળમાં ક્યાંય ઊંચે અને કાજલ તો આંખોની બહાર રેલાયેલું. રંગ તો એવો કે અંધારામાં દેખાય પણ નહીં. બોલી ત્યારે ફૂ..ઉઉઉ.. કરતું થૂંક સીધું જ જીવનલાલના મોં પર!

“ગોબરી સાવ..” બબડતા બબડતા તેણે ફટાક કરતી બારી બંધ કરી દીધી અને નજર બારણાં તરફ દોડાવી.

~ આસ્વાદ ~

પ્રસ્તુત માઇક્રોફિક્શન વાર્તામાં લેખક દ્વારા જે વાત રજૂ થઈ છે એ તો મજાની છે જ અને સરેરાશ વાચકને સરળતાથી તેનો મર્મ ખ્યાલ આવે તેમ છે. પરંતુ વાર્તામાં જે વાત અભિધામાં કહેવાઈ છે એટલે કે જે સીધેસીધું કહેવાયું છે એ ઉપરાંત એની સમાંતરે બીજો અર્થ લઈને ચાલતી વાર્તા એટલે કે વ્યંજના પણ અહીં મળે છે. આ લાક્ષણિકતા પ્રસ્તુત માઇક્રોફિક્શનને એક અલગ સ્તર મૂકે છે. 

લેખક પ્રભુને પ્રાર્થના કરે છે કે મારી કલમ ભેદભાવથી પર હોય. અહીં ભેદભાવ એટલે કોઈ વિષય પ્રત્યે અન્યાય ન થવો. માત્ર સમાજને ગમે એવું, પરંપરાને વેગ આપે એવું લખવું એ સત્ય સાથે, પરિસ્થિતિ સાથે અન્યાય થયો ગણાય. અહીં પ્રભુને થતી પ્રાર્થના ખરેખર તો પોતાના મનને આ બાબતે સભાન કરવાનો પ્રયત્ન છે. 

લેખકને ક્યારેક ને ક્યારેક મનની કોઈ બારીમાંથી આવા અછૂતા વિષયો, ઘટનાઓ ટકોરાં મારે છે. એટલું જ નહીં, લેખકને મહેણું પણ મારે છે કે માત્ર રાજકુંવરીને લાડ ન લડાવો. એટલે કે, જે વિષયો, બાબતો, ઘટનાઓ, સમાજજીવનના એવા પાસાં કે જે સુંદર હોય, સૌને ગમે, સર્વસ્વીકાર્ય હોય એની વાર્તા જ ન કહો. જેના થકી વાહવાહી મળે, માત્ર એની જ વાર્તા જનોને ન કહો. મારી વાર્તા પણ કહો. 

લેખક આ કહાની તરફ નજર કરે છે તો એ બિલકુલ અસ્તવ્યસ્ત, બિંદી કપાળમાં ઊંચે ગયેલી, કાજલ રેલાઈ ગયેલું અને અંધારામાં દેખાય પણ નહીં એવા રંગની. એટલે કે, ગરીબ, શોષિત, પીડિત વર્ગ, સ્ત્રીઓની વ્યથા, તેમના પ્રશ્નો, સમાજજીવનની કાળી બાજુ વગેરે તેમને દેખાયાં. 

એ કહાનીમાંથી ફૂ…ઉઉઉ કરતું થૂંક ઉડ્યું – મતલબ આવા વિષયો પર લખવાથી પ્રશંસાના પુષ્પગુચ્છ મળવાને બદલે ઘોર આલોચનાનું થૂંક લેખક પર ઉડી શકે છે. 

આવું વિચારતાં જ તેઓ કહાનીને ‘ગોબરી’ કહીને મોં ફેરવી લે છે અને ફટાક કરતા મનની એ બારી બંધ કરી દે છે અને નજર બારણાં તરફ દોડાવે છે કે જ્યાંથી તેમને હંમેશાંની જેમ વધુ ઉજાસ આપતા “સારા” વિષયો મળે છે. 

અહીં અંતનું વાક્ય ઘણા વિકલ્પો છોડી જાય છે. ઘણી શક્યતાઓ આ વિકલ્પોમાંથી ખૂલે છે. શું બારણાં તરફ જોવાથી ‘કહાની’થી તેમનો છૂટકારો થઈ જશે? કે પછી બારીમાં છોડેલી કહાની બારણાં દ્વારા વધુ મોટા સ્વરૂપે મળશે? કે પછી બારણે કોઈ નવી જ કહાની દસ્તક દેશે? કે પછી નિત્યક્રમ મુજબ જેમ લેખનકાર્ય ચાલે છે તેમ જ ચાલશે? 

અહીં, પ્રથમ વાક્ય પર પાછા ફરીએ તો સ્પષ્ટ થાય છે કે લેખક નિત્યક્રમ મુજબ પ્રભુને પોતાની કલમ ભેદભાવથી પર રહે એ માટે પ્રાર્થના કરે છે. એનો અર્થ લેખક ભેદભાવથી પર રહી શકતા નથી, જેને કારણે રોજ આ પ્રકારની પ્રાર્થના કરવાની જરૂર પડે છે. લેખક શબ્દને સીમિત ન રાખતાં કોઈ પણ પ્રકારનું સર્જન કરતા સર્જકના બહોળા પરિપ્રેક્ષ્યમાં લેવાનો છે. 

લેખકનું નામ ‘જીવનદાસ’ પણ સૂચક છે. જીવનમાં માત્ર સારપ, સુંદરતા, સરળતા જ નથી હોતી. ખરાબી, ગંદકી, કઠણાઈ પણ હોય છે. આ બંને અંતિમો વચ્ચેનું સંતુલન એટલે જ જીવન. લેખક કે સાહિત્ય સાથે જોડાયેલા તમામે જીવનની સમગ્રતાને આવરી લેવાની હોય છે. માત્ર સારી બાજુને નહીં. રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, સંસ્થાઓ વગેરે સારી બાજુને નવાજે છે પણ સમાજજીવનની નરસી બાજુથી જનમાનસને અવગત કરાવવાનું કાર્ય, ફરજ, જવાબદારી સાહિત્યકારોની છે. એ વગર સાહિત્ય કે લેખનકાર્ય અધૂરું છે.

Leave a comment

Your email address will not be published.

2 thoughts on “કહાની – ભારતીબેન ગોહિલ, આસ્વાદઃ મયુરિકા લેઉવા-બેંકર”