ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શન : શગ – દીપ્તિ રાડિયા; રસાસ્વાદ – હેમાંગી ભોગાયતા

આ શ્રેણી સર્જન મિત્રોની માઇક્રોફિક્શનને ખોલી સર્જનના જ અન્ય મિત્રો દ્વારા એનો આસ્વાદ અથવા વિવેચન કરાવવાની અમે કરેલી મથામણનું પરિણામ છે. માઇક્રોફિક્શનમાં ઘણું એવું હોય છે જે વાચકે પોતે વિચારવાનું કે વિસ્તારવાનું રહે છે, એનો પ્રાયોગિક પ્રયત્ન સર્જક જ વાચક બની કરી બતાવે એ હેતુથી આ ટાસ્ક કરેલો અને એના પરિણામે ઘણાં સુંદર વિવેચન અથવા રસાસ્વાદ મળ્યા એ સર્વે વાચકમિત્રો સાથે વહેંચી રહ્યાં છીએ. એ અંતર્ગત પ્રસ્તુત છે દીપ્તિ રાડિયાની માઇક્રોફિક્શનનો હેમાંગી ભોગાયતાની કલમે રસાસ્વાદ.

“આટલી મોંઘવારીમાં ચોખ્ખા ઘીનો દીવો ભડભડ બળે,આ તે કાંઈ રીત છે?”

“બબ્બે જીવલેણ અકસ્માતોમાં હું બચી ગયો ત્યારથી એ અખંડ દીવો મમ્મીની શ્રદ્ધાનો વિષય છે. છોડને માર્ગી.”

“વાત છોડવા માટે નથી છેડી. પપ્પા ઘણું મૂકતા ગયા, આ બધું વાપરીને જશે? અડધી રાત થઈ. જાવ, ચુપચાપ શગ સંકોરતા આવો.”

દીકરો પહેલાની જેમ હેતથી હાથ ફેરવશે એ આશાએ માની આંખો અધખુલ્લી જ રહી.

સવારમાં સોસાયટીમાં સોપો પડી ગયો.મંદારના મમ્મી ગયા… શગ સંકોરી લીધી!

– દીપ્તિ રાડિયા


માઇક્રોફિકશન એટલે ટૂંકમાં ઘણું કહેવાનું હોય એટલે મોટાભાગે વાર્તાકારો બિનજરૂરી વર્ણનને બાદ કરીને મોટાભાગે સંવાદનો આશરો લેતા હોય છે. લેખિકાએ પણ આવું કર્યું છે. અગાઉ બની ગયેલી ઘટનાઓ, જેવી કે મંદારના પિતાનું મૃત્યુ, મંદારના બે જીવલેણ અકસ્માત, મંદારના માતાનો અખંડ દીવો રાખવો, વગેરે બધી વાતો લેખિકાએ સંવાદોમાં સરળ રીતે વણી લીધી છે. ક્યારેક ટૂંકમાં કહેવા જતા ઘણી વાતો કહેવાની રહી જાય છે કે પછી અતિ ગૂઢ રીતે કહેવાય તો ઘણીવાર વાંચક સમજી ન શકે એવું બનતું હોય છે. પરંતુ અહીં લેખિકા એક સરળ છતાં ગર્ભિત અર્થવાળી વાર્તા કહેવામાં સફળ થયા છે.

ભારતીય પરિપ્રેક્ષમાં માનવીનું જીવન તેની આસ્થા સાથે સંકળાયેલું હોય છે. માનવીની આસ્થા મૃત્યુ પામે એટલે માનવી મૃત્યુ પામે છે. જીવન જીવવાની ધગશ માનવીની માત્ર તેની આસ્થાને લીધે હોય છે. મંદારની માતા પતિના ગયા પછી તેમની આસ્થાને પેલા દીવામાં સ્થાપિત કરીને બેઠા હતા. એ દીવો ઓલવાયો તો એમનું જીવન પણ ઓલવાઈ ગયું. એમ પણ અર્થ કરી શકાય કે દીવાને બદલે તેમને પુત્રની લાંબી આયુ માટે પોતાનો દેહ સળગાવી દીધો.

લેખિકા પાત્રોના નિરૂપણમાં પણ ઘણા સફળ થયા છે. મિલકતમાં જ રસ ધરાવતી વહુ, પત્ની અને માતા વચ્ચે ફસાયેલો દીકરો અને દીકરાની લાંબી ઉંમરની કામના કરતી માતા.

બોલચાલની ભાષા પસંદ કરવા જતા અમુક શબ્દો બહુ સાદા પસંદ થયા છે.

આમ તો વાર્તામાં બિનજરૂરી શબ્દો બહુ નથી, છતાં ‘દીકરો પહેલાની…’ આ ફકરો કાઢી શકાય એમ છે. એ ફકરાને લીધે વાર્તા સમજવામાં કંઈ ફેર પડતો હોય એવું નથી લાગતું.

માઈક્રોફિક્શનના ગુણો છે જેમકે ટૂંકમાં ઘણું કહેવાની વાત, બિનજરૂરી વર્ણનો ન કરવા વગેરે. માઇક્રોફિક્શનમાં અંત મોટાભાગે વાંચક માટે ખુલ્લો મૂકાતો હોય છે, આ વાર્તામાં પણ છેલ્લે મંદારના માતાને હોસ્પિટલે લઈ જતા કે એમ બતાવી શકાયા હોત.

એક વાંચકને વાંચવી ગમે તેવી માઇક્રોફિક્શન છે….

– હેમાંગી ભોગાયતા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “માઇક્રોફિક્શન : શગ – દીપ્તિ રાડિયા; રસાસ્વાદ – હેમાંગી ભોગાયતા”