ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શન: સમાપ્ત – શ્રદ્ધા ભટ્ટ; રસાસ્વાદ – ભારતીબેન ગોહિલ

આ શ્રેણી સર્જન મિત્રોની માઇક્રોફિક્શનને ખોલી સર્જનના જ અન્ય મિત્રો દ્વારા એનો આસ્વાદ અથવા વિવેચન કરાવવાની અમે કરેલી મથામણનું પરિણામ છે. માઇક્રોફિક્શનમાં ઘણું એવું હોય છે જે વાચકે પોતે વિચારવાનું કે વિસ્તારવાનું રહે છે, એનો પ્રાયોગિક પ્રયત્ન સર્જક જ વાચક બની કરી બતાવે એ હેતુથી આ ટાસ્ક કરેલો અને એના પરિણામે ઘણાં સુંદર વિવેચન અથવા રસાસ્વાદ મળ્યા એ સર્વે વાચકમિત્રો સાથે વહેંચી રહ્યાં છીએ. એ અંતર્ગત પ્રસ્તુત છે શ્રદ્ધાબેન ભટ્ટની માઇક્રોફિક્શનનો ભારતીબેન ગોહિલની કલમે રસાસ્વાદ.

સમાપ્ત

“તારો હાથ આપ તો કોશા..”

“મારા તો રોમરોમમાં તારું જ નામ વણાઈ ગયું છે.”

એ અટક્યો. હવે? નાયક દ્વારા કંઈક અઘટિત વાત કહેવડાવું કે વાતને મોઘમ રાખી દઉં?

“કોશા, મને લાગે છે…” પેન લખતી અટકી ને…

‘ મારું ભવિષ્ય નક્કી કરવાવાળા તમે કોણ?’ એણે ચોંકીને પાછળ જોયું. કોઈ જ તો નહોતું ત્યાં.

નર્યો ભ્રમ. એણે ફરી એક વાર કલમ ઉપાડી. અધૂરી વાર્તા આજે જ પૂરી કરવી હતી.

‘કોશા કૃણાલની છે અને રહેશે જ. તમે અમને મળતાં ન અટકાવી શકો.’ ફરી એ જ અવાજ. એણે સજ્જડ કાન બંધ કર્યા.  

આ હળ્યા, મળ્યાં ને બે પાંદડે થયા. આવી તે કોઈ વાર્તા હોતી હશે? નકરી સારપ જ! ના. ના. એ બેયને છૂટા પાડવા જ પડશે. કોશાને બેવફા બતાવી દઉં? ને પછી કૃણાલ તડપે એની યાદમાં!

પોતાના જ વિચાર પર ઓળઘોળ થઈને એણે લખવાનું શરૂ કર્યું.

‘શા માટે બે પ્રેમીઓને તડપાવો છો? અમે ક્યાં નડીએ છીએ તમને?’ અવાજમાં ભળેલી આજીજીને  અવગણી એણે વાર્તા ધાર્યા મુજબ પૂરી કરી. એ પોરસાયો.

સમાપ્ત લખતી એની કલમને ય અંદાજો નહોતો કે વાર્તા હજી પૂરી લખાવાની બાકી છે.


“સમાપ્ત”

પ્રથમ વાક્ય વાંચતાની સાથે જ એવું લાગ્યું જાણે એક સુંદર પ્રવેશદ્વાર આમંત્રણ આપી કહી રહ્યું છે. “આવ.. તને એક અનોખી સફરમાં લઈ જાઉં.” ને હું અનેક કલ્પનાઓ સાથે અનાયાસે જ વાર્તામાં પ્રવેશી જાઉં છું.

પ્રારંભે જ સંવાદ વાંચવા મળે છે.
“તારો હાથ આપ તો, કોશા.”
“મારા તો રોમ રોમમાં તારું નામ વણાઈ ગયું છે.”

બસ.. નક્કી થઈ ગયું. મારા મનમાં તો દૃશ્ય પણ આકાર લેવા લાગ્યું.. જાણે કોઈ ખળખળતી નદીનો કિનારો છે. તેના કાંઠે બગીચાના એક ખૂણે યુવાન જોડું બેઠું છે. વાતાવરણની આહ્લાદકતા તેના ચહેરાને એક આભા બક્ષી રહ્યા છે. ધીમા ધીમા વરસાદના ફોરા તેના પર આશિષ વરસાવી રહ્યા છે. તેઓની ઉપસ્થિતિથી બગીચો પણ પોતાને યુવાની ફૂટી હોય એમ નખરા દેખાડી રહ્યો છે… લાગે કે હમણાં જ જાણે તેમના પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થશે! તમને પણ એવું જ લાગ્યું ને?

પણ આગળનો સંવાદ વાંચતાં જ સ્થિતિ ફંટાઈ. જાણે સીધા રસ્તે ચાલતી વાર્તાએ નવી કેડી લીધી.

આવું જ કંઈક હતું આગળનું વાક્ય.

“એ અટક્યો. હવે? નાયક દ્વારા કાંઈક અઘટિત વાત કહેવડાવું કે વાતને મોઘમ જ રાખી દઉં?”

વાંચતાં જ મારાથી પણ અટકી જવાયું. સાવચેત થઈ જવાયું. મારું મન કહી રહ્યું, “તું જે સમજે છે તેવી ચીલાચાલુ પ્રેમકહાની નથી આ! અહીં “હવે?” ની સાથે જ સર્જક વાર્તામાં પ્રવેશે છે.

સર્જકનું અહીં અટકવું એ “સમાપ્ત” વાર્તા પૂરતી વાત નથી. અહીં વાચક જો પોતે માત્ર વાચક જ હોય તો સર્જન વખતે સર્જકની મનોદશા કેવી હોય છે? તે સમજવાનો પ્રયાસ કરે અને વાચક જો ખુદ સર્જક હોય તો આવી નિર્ણાયક સ્થિતિમાં પોતે કરેલાં મનોમંથન જરૂર યાદ કરે.

(આવાં મનોમંથનનો ફાયદો એ છે કે વાર્તા સામાન્યમાંથી અસામાન્ય તરફ ગતિ કરે છે. વાચકને ચીલાચાલુ સંવાદો, સ્થિતિ અને ઘટનામાંથી મુક્તિ મળે છે.)

અહીં એવો જ અહેસાસ થાય છે. પ્રશ્ન પણ થાય કે સર્જક આખરે કરવા શું માગે છે?

અચાનક જ સર્જકનું સર્જેલું પાત્ર બળવો કરે છે. પોતાનો અણગમો વ્યક્ત કરતા કહે છે, “મારું ભવિષ્ય નક્કી કરવાવાળા તમે કોણ?”

અહીં સર્જક માટે એક ચેતવણી પણ છે. તમે તેના સર્જક ભલે હો પણ સર્વસ્વ તો નથી જ! અહીં ગર્ભિતપણે એક વાત કહી છે..કે સમગ્ર સૃષ્ટિ કોઈ પરમતત્ત્વ દ્વારા સંચાલિત થઈ રહી છે.. તમે તો માત્ર નિમિત્ત જ છો!

ને પછી વાર્તા પૂરી કરવા સર્જક કલમ ઉપાડે છે. ફરી એ જ અવાજ આવે છે.

“કોશા કૃણાલની છે અને રહેશે જ. તમે અમને મળતાં ન અટકાવી શકો.” અહીં સમાજની વિષમ સ્થિતિના દર્શન થાય છે. પ્રેમ કરનારને સમાજના રીતરિવાજ, બંધન, રૂઢિચુસ્તતા વિગેરેનો સામનો કરવો જ પડે છે. જો કે અહીં બંને પાત્રો વધારામાં સર્જકની રીતનો પણ સામનો કરી રહ્યાં છે. ખરીવાત તો એ કે તેઓને પોતાના પ્રેમની ચિંતા છે અને સર્જકને પોતાના સર્જનની. સર્જક જાણે છે.. વાર્તામાં ચડાવ-ઉતાર, સુખ- દુઃખ, મિલન-વિરહ બધું જરૂરી છે. માત્ર સારપ નહીં ચાલે!

અહીં પણ પ્રેમનું બલિદાન લેવાય છે સર્જક જીતે છે ને પોરસાય છે પણ…

“સમાપ્ત લખતી એની કલમને ય અંદાજો નહોતો કે વાર્તા હજી પૂરી લખાવાની બાકી છે.” સંવાદ સાથે વાર્તા વિરામ લે છે. અને અંત અનેક રસ્તા ખોલે છે.

  • શું ખરેખર બંને પ્રેમીઓએ શરણાગતિ સ્વીકારી લીધી?
  • કોશા બેવફા અને કૃણાલ તેની યાદમાં તડપતો થઈ ગયો?
  • બંને પ્રેમી વિદ્રોહી થયાં? ફરાર થયાં? કે પછી છેલ્લો રસ્તો પસંદ કર્યો?
  • સર્જકની કલમ છીનવી ને બંનેએ પોતાની કથા જાતે જ લખવાનો નિર્ણય કર્યો કે બીજું જ કંઈ? એ બધું વિચારવું રહ્યું.

વાર્તામાં પાત્રો તો ત્રણ કોશા, કૃણાલ અને સર્જક.

પરંતુ પાત્રની સાથો સાથ સર્જકની માન્યતાઓ, ગેરમાન્યતાઓ, પ્રેમવિરોધી સમાજ, વાર્તાની સફળતા, નિષ્ફળતા દરેકની ઉપસ્થિતિ અને રોમાન્સ, મનોમંથન, વિદ્રોહ, લાચારી, જીદ જેવા ભાવ અનુભવાય છે. સ્વરૂપ મુજબ વાત નાનકડી છે પણ વાર્તાની ક્ષિતિજો વિસ્તરતી અનુભવાય છે.

એકંદરે વાર્તા સરસ.. સરળ અને રસપ્રદ છે.

છતાં સર્જકે નીચે જેવી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી.
એણે સજ્જડ કાન બંધ કર્યા.
(આ વાક્ય કાનની સજ્જડતા દર્શાવે છે.)

અહીં… એણે સજ્જડ રીતે કાન બંધ કર્યા. અથવા એણે કાન સજ્જડ બંધ કર્યા એમ જોઈએ.

હળ્યાં, મળ્યાં ને બે પાંદડે થયાં.
આ પ્રયોગ બરાબર નથી.
હળવું અને મળવું બરાબર.
પણ બે પાંદડે થવું એટલે આર્થિક સદ્ધર થવું એવો અર્થ થાય. જે અહીં બંધ બેસતું નથી. ખરેખર તો ખાધું, પીધું ને રાજ કર્યું.. એ ભાવ છે.

અંદાજો બદલે અંદાજ જોઈએ.

“સમાપ્ત” માઈક્રોફિક્શનમાં મારી દૃષ્ટિએ કશું જ સમાપ્ત થતું નથી… નવું શીર્ષક શોધવું જ રહ્યું!

અને હવે….

એક યાદગાર અનુભવ મેળવી હું વાર્તામાંથી બહાર આવવા પ્રયત્ન કરું છું… પણ આ તો માઇક્રોફિક્શન.. કંઈ ને કંઈ સાથે આવે જ! નાનકડી વાતમાંથી ઘણું ઘણું સાથે આવ્યું જ.

એક નવો અનુભવ પૂરો પાડવા બદલ

અભિનંદન શ્રદ્ધાબેન…💐💐

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “માઇક્રોફિક્શન: સમાપ્ત – શ્રદ્ધા ભટ્ટ; રસાસ્વાદ – ભારતીબેન ગોહિલ”