ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શન: ઝાંઝરની જોડ – સુષમા શેઠ; રસાસ્વાદ – પારૂલ મહેતા

આ શ્રેણી સર્જન મિત્રોની માઇક્રોફિક્શનને ખોલી સર્જનના જ અન્ય મિત્રો દ્વારા એનો આસ્વાદ અથવા વિવેચન કરાવવાની અમે કરેલી મથામણનું પરિણામ છે. માઇક્રોફિક્શનમાં ઘણું એવું હોય છે જે વાચકે પોતે વિચારવાનું કે વિસ્તારવાનું રહે છે, એનો પ્રાયોગિક પ્રયત્ન સર્જક જ વાચક બની કરી બતાવે એ હેતુથી આ ટાસ્ક કરેલો અને એના પરિણામે ઘણાં સુંદર વિવેચન અથવા રસાસ્વાદ મળ્યા એ સર્વે વાચકમિત્રો સાથે વહેંચી રહ્યાં છીએ. એ અંતર્ગત પ્રસ્તુત છે સુષમાબેન શેઠની માઇક્રોફિક્શનનો પારૂલબેન મહેતાની કલમે રસાસ્વાદ.

ઝાંઝરની જોડ

મેલીઘેલી જમની અને ઢીલી હાફ-પેન્ટવાળો ગંદો ગોબરો છોટુ પોતાની ઝૂંપડીની નાનકડી દુનિયામાં મોજથી રહેતા. કચરાના ડબ્બામાં ત્યજી દેવાયેલ રડતા બાળકને છાતીએ વળગાડતી જમની બોલેલી, ‘મારં ખાવાના હાં હાં ઈમાં આવડો આ મુને મુઈને ઝ ચ્ય્મનો ભટકાણો?’

જમની સંગાથે નાનકડો અબુધ છોટુ, કચરાના ઢગલામાંથી કચરો વીણવા જતો. એકથી ભલા બે. ખભે લટકાવેલા કધોણાં થેલામાં કચરાે ઠાલવવો તે બંનેનો રોજીંદો ક્રમ. ઝૂંપડીએ પાછા ફરી, કચરો છૂટો પાડી, ભંગારવાળાને ત્યાં આપી જોઈતી રકમ રળી લેવાતાં, બંનેની ખાધા ખોરાકીનો મેળ પડી જતો. પેટના નાનકડા ખાડાને બીજું જોઈએ શું?

બંને પોતાની મરજીના માલિક. એકબીજાને વહાલ કરે, હસે, રમે, ગાય, અલક-મલકની વાતો કરતાં પોઢી જાય. જમનીની દુનિયા એટલે છોટુ. છોટુ માટે જમની એટલે સર્વસ્વ. સ્નેહની બેડીએ બંધાયેલા આ બેની જોડી બે ઘડીયે છૂટી ન પડે. એક વગર બીજો અધૂરો!

તે દિવસે કચરાના ઢગલામાં કંઈક ચમકતું જોઈ જમનીની આંખો ચમકી. ‘ઓલી કમુડી પે’રે તેવી ઝાંઝર!’ સાચવીને ખિસ્સામાં સરકાવી. ઘરે જઈ, પગમાં પહેરીને જોઈ તે તો રાજીરાજી જાણે ખજાનો હાથ લાગ્યો પરંતુ…

ફાટેલી ગોદડી નીચેથી પેલી ઘુઘરીવાળી ચમકતી રુપેરી ઝાંઝર કાઢીને પહેરતી અને પાછી મૂકતી ઉદાસ જમનીને છોટુ મૂંગા મોઢે દરરોજ જોયા કરે. જોડ વગરની એક ઝાંઝર એક પગમાં શીદને પહેરાય? લોક ‘ગાંડી’ જ કહેને! પણ ‘ડાહ્યો’ છોટુ દરરોજ એક સિક્કો પોતાની ગોદડી નીચે જમનીની જાણ બહાર સંતાડે.

એક સાંજે છોટુ દોડતો ગયો ચાંદીવાળાની દુકાને જ્યાં આવી ઘુઘરીયાળી ઝાંઝરી વેંચાતી મળે. શૉ-કેસમાં જોયા કર્યું પછી હિંમત એકઠી કરી પગથિયા ચઢ્યો.

તેની પરસેવો વળેલી બંધ મુઠ્ઠીમાં ઝાંઝરી જોતા શેઠે રાડ પાડી, “ચો…ર! મારો સા…ને.”
માર ખાઈને કણસી રહેલા અધમૂઆ છોટુની બિડાયેલી મુઠ્ઠીમાંથી બીચારી એક ઝાંઝરી રણક્યા વગર સરી પડી.

‘છોટુ….છોટુ?’ જમનીએ બધું ઊપરતળે કરી મૂક્યું. ઝાંઝરી અને છોટુ બંને ગુમ! જમનીની બહાવરી આંખો કચરામાંથી મળેલી પોતાની મોંઘા માયલી જણસ શોધી રહી હતી.


મને આ વાર્તાકારની વાર્તાઓના વિષય ગમે છે. મોટાભાગે એ વિષયને પ્રમાણિત પણ કરતા હોય છે એટલે મને આ વાર્તા વાંચવાની ઈચ્છા થઈ.

લેખકે વિષયની રજૂઆત અને આલેખન સરસ રીતે કર્યાં છે. વાર્તાતત્વ સરસ છે. લેખકને ગરીબીની વાત જ ક્યાં માંડવી છે.એમને તો ગરીબીમાં પણ સાંપડેલાં મહામૂલા સુખની વાર્તા કરવી છે. પ્રવાહિતા એકંદરે સારી,પણ, “જાણે ખજાનો હાથ લાગ્યો પરંતુ….” ત્યાં સાતત્ય તૂટે છે.આમ વાક્ય અધૂરું મૂકી વાચકના મનમાં ગૂંચવણ પેદા કરે છે. એ વાક્યનું અનુસંધાન બે વાક્યો પછીથી મળે છે.
‘ગાંડી’ અને ‘ડાહ્યો’ શબ્દોનાં વિરોધાભાસ સરજીને લેખક, ઓછાં શબ્દોમાં બંને પાત્રોની મનોસ્થિતી આસાનીથી વ્યક્ત કરી શક્યા છે.
શરૂઆતમાં પાત્રાલેખનને વ્યક્ત કરવામાં જેટલો સમય અને શબ્દોનો ઉપયોગ થયો છે એની સરખામણીમાં ખુબ ઓછાં વાકયોમાં લેખકથી અંત તરફ દોડી જવાયું છે. જાણે કે એમને ઉતાવળે નિરાકરણ આપી દેવું ના હોય!.(એક સાંજે….થી વાર્તા ભાગી) લેખકને એક સરસ અંત જડી ગયો છે અને એ વહેંચવાની ઉતાવળમાં શરૂઆતથી સરસ રીતે ગૂંથેલું ભાષાકર્મ વિસરાઇ ગયું છે.એટલે બે અને બે ચાર જેવું, ગોઠવેલું લાગ્યું.

વાર્તા કયા વિકલ્પો આપે છે?

૧) (અંતે છોટુનું શું થયું? એને સજા થઈ ?) આ વિકલ્પો હોય તો તે વાર્તાની ગુણવત્તાના પ્રમાણમાં કશું ખાસ ઉપજાવી શકતા નથી.

૨) કઈ જણસ એ શોધી રહી હતી? ઝાંઝરી? છોટુ?
…..અલબત્ત, છોટુ.

જો એમ હોય તો વાર્તા પૂરી થઈ ગઈ?

અંતમાં જેમ છોટુના હાથમાંથી ઝાંઝરી સરકી ગઈ એમ (માઈક્રોફીક્શન) વાર્તાકારના હાથમાંથી અજાણતા જ વાર્તા સરકી ગઈ હોય એમ લાગ્યું.

Leave a comment

Your email address will not be published.

2 thoughts on “માઇક્રોફિક્શન: ઝાંઝરની જોડ – સુષમા શેઠ; રસાસ્વાદ – પારૂલ મહેતા”