ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

લાલ ટાઈ – પારૂલ મહેતા

“શું વાત છે મોમ, આખિર ઇસ નિખરે નિખારકા રાઝ ક્યા હૈ?” યુક્તાના ઉતાવળા આલિંગનથી બેધ્યાન બિલ્વા થોડી ઝંખવાણી પડી ગઈ. હાથમાંથી છટકતાં રહી ગયેલી પ્લેટ ઝીલતાં “બાય મોમ”નો જવાબ આપી એણે જાતને સ્વસ્થ કરવાનો પ્રયાસ કર્યો. “નાઇસ ડે બેટા” એમ યંત્રવત બોલીને બેડરૂમ તરફ ધસમસી. વેરવિખેર રૂમમાં શાર્દૂલ સફેદ શર્ટ પર ટાઈ લટકાવી મોબાઈલ પર વ્યસ્ત હતો. “ઓફિસમાં લાલ ટાઈ, ઓહ ગોડ, કેટલું અજુગતું લાગે છે! અરે નોટ તો સરખી બનાવવા દો!” દોડતાં શાર્દૂલની પાછળ એણે જરાક અમથું જોઈ લીધું અને તરત કિચન તરફ પાછી વળી. “બોસ જામો છો ને કંઈ આજકાલ! અમોઘની ટકોરથી એક મસ્ત સ્મિત આપી શાર્દૂલે ગાડી સ્ટાર્ટ કરી. “મૉમ, ડેડી બાય કહે છે.”

“ઓહ, યસ, યસ, બાય બાય.” અમોઘને હાથમાં ટેનિસ રેકેટ પકડાવતાં, વેવ કરી “નાઇસ ડે બેટા” કહી ઉતાવળાં પગલે બ્રેકફાસ્ટ ટેબલ તરફ ફેંકાઈ. ઓહ ગોડ, સાડા નવ થઈ ગયા! આજે તો વિડીયો ચેટ કરવાની હતી. શાવર લઈ સરસ તૈયાર થઈ બિલ્વાએ કમ્પ્યુટર “લોગિન” કર્યું. ગઈકાલે જ ડાઈ કરાવેલાં ખુલ્લાં જૂલ્ફાં રમાડતાં રમાડતાં અધીરા અને વેરવિખેર અવાજને સમેટતાં ધીમેથી બોલી: “હેલો… હેલો.. સ્વરૂપા હિયર, જુઓ, પૂર્વરાગ સ્ક્રીન.. સ્ક્રીન, કેમેરા ઠીક કરો, હેલો.. આઈ કાન્ટ સી યુ પ્રોપરલી.” સતત ઉપરતળે થતાં સ્ક્રીન પર એક આછોપાતળો આભાસ ઊપસી જ રહ્યો હતો કે લાલ રંગની અસ્તવ્યસ્ત ટાઈ જોઈ બિલ્વા સ્તબ્ધ થઈ ગઈ. એક પળનોય વિલંબ કર્યાં વિના એણે  લોગઑફ કર્યું.

Leave a comment

Your email address will not be published.