ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

બીજી કેટલીયે શો-ગર્લસ હતી, પણ તેની વાત અલગ જ હતી

શો ગર્લ – સુષમા શેઠ

તેને એકીટશે જોતો રહ્યો. લાંબી, પાતળી કમર હલાવતી તે મનમોહક હાસ્ય ફેંકતી નૃત્ય કરી રહી હતી. પેરિસના લિડો શોમાં પહેલી હરોળમાં બેસી, માદક પીણાંની ચુસ્કીઓ સાથે તેના કોમળ અંગઉપાંગનો નશો આંખોથી પીવાતો હતો.

બીજી કેટલીયે શો-ગર્લસ હતી, પણ તેની વાત અલગ જ હતી. કપાળપર લહેરાતાં રેશમી, સોનેરી વાળ, તેના ખુલ્લાં, ઉન્નત ઉરોજને હળવેથી સ્પર્શી, વિખરાઈ જતા હતાં. તેના પાતળા, ગોરા પગ, થરકતાં નિતંબ સાથે સંગીતના તાલે, લયબદ્ધ નાચતા હતાં. મંત્રમુગ્ધ કરતી તેની અદાઓમાં હું એવો ખોવાયો કે મારું મોઢું ઉઘાડું રહી ગયું તેનુંય ભાન ન રહ્યું.

રાત્રે બંધ નયનોમાં તે આવી વસી. રસભર્યા પાતળા ઓષ્ટ ચૂમતાં, એકબીજાને પામવાનો તલસાટ ઓર વધ્યો. તે મારા આલિંગનમાં સમાઈ ગઈ.

બીજી રાત્રે તેને મનભર નીરખવા હું ફરી શો જોવા ગયો. ઓળખી જતી તેની આંખો પણ મને જ જોયા કરતી હતી. આમંત્રણ આપતી, મીઠું હસતી આંખોમાં પ્રેમ ડોકાયો. શો પત્યા બાદ મેં તેને મારી સાથે આવવા કહ્યું.

તુરંત તેનો સાથી-મિત્ર તેને હડસેલતો, અમારી વચ્ચે દુભાષીઓ બની કહેવા માંડ્યો,”બીજીને લઈ જાવ, આ મારી પત્ની છે.”

મેં તેની ભીની આંખોમાં તરસ જોઈ. વિદેશી બોલાચાલી પીઠે અથડાઈ. પાછા વળી, હાથમાં પકડેલા રુપિયા ગજવામાં મૂકી મેં તેનો હાથ પકડી લીધો.

Leave a comment

Your email address will not be published.