ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

અધૂરી વારતા – સુષમા શેઠ

“ખબર પડી ત્યારે તે ગાંડા જેવો થઈ ગયો. વર્ષોથી જેણે ઉછેરી મોટો કર્યો, મમતામાં કોઈ ઓટ ન આવવા દીધી કે ન કોઈ ફરિયાદ લાવવા દીધી તેને જ એણે હડધૂત કરી અને ધિક્કારવા માંડ્યો.”

“પણ શા માટે? માંડીને આખી વારતા કહોને.’ સુશાંત પલાંઠી વાળી બેસી ગયો. ‘દીકરો ઓરમાન હતો?”

“ના..”

“બાપ સગ્ગો નહોતો?”

“ના બેટા.”

“તો?”

“માએ બાપનું ખૂન કરેલું, ભૂતપૂર્વ પ્રેમી સાથે મળીને. બિચારાના શબના ટુકડે ટુકડા કરી દાટી દીધાં પણ પછી પ્રેમીએ દગો દીધો. તે ક્યાંયની ન રહી. એક માત્ર દીકરાનો સહારો રહ્યો.” બોલતાં તે હાંફી ગઈ. આંખોમાં આંસુ તગતગ્યાં.

“છી! કેટલું ઘાતકી શરમજનક કૃત્ય. તેને સજા મળવી જ જોઈએ.” એ સાંભળી તે આગળ કશું ન બોલી. તેના મનને કોરી ખાતા સવાલનો જવાબ મળી ગયો. હૈયું હલકું થઈ ગયું પરંતુ વાતાવરણ ભારે.

“પછી?” સુશાંતે પૂછ્યું.

“પછી? તું અનુમાન લગાવ કે આગળની વારતા શું હશે?” માના પ્રશ્નનો જવાબ આપ્યા વગર સુશાંત ભંડાકિયામાં મૂકેલી કોદાળી લેવા દોડ્યો.

“વારતા હું પૂરી કરીશ.” તે બબડ્યો.

Leave a comment

Your email address will not be published.

2 thoughts on “અધૂરી વારતા – સુષમા શેઠ”