ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

અંધકાર – પાર્મી દેસાઈ

“ઓહ..આટલું બધું અંધારું! આટલું તો ક્યારેય નથી જોયું.” વિચારતો એ અંધકારમાં ઉતરતો જ ગયો. સાવ સુનકાર… જાણે આખી સૃષ્ટિ આજે રજા પર ઉતરી હોય એમ! અજવાળાને વલખા મારતો હતો ત્યાં એક તેજ પુંજ જોવાયો. એ ખુશ થયો.

“મને ખબર હતી..તું તો હોઈશ જ મારી સાથે.” પણ એ ઉદાસ હતી.. ખૂબ ઉદાસ.

“કંઈક બોલ ને.”

“શુ બોલું? તે બોલવા જેવું રાખ્યું છે જ ક્યાં! સહકર્મચારી સાથે હસીને બે વાત શું કરી.. તે તો રજનું ગજ કરી નાખ્યું. નાઈટ ડ્યુટી એ મારા કામનો જ એક ભાગ છે જય. આટલી હદે શંકા! અને હદ તો એ કરી કે નિર્દોષ હોવા છતાંય ખોટો દોષનો ટોપલો મારા માથે નાખી છેવટે તે જાતે ઝેર પી લીધું..મારુંં શું થશે એ વિચાર સુદ્ધાં ન કર્યો? હું તને ક્યારેય માફ નહીં કરું જય.” રડતી રડતી એ પેલા અંધકારમાં ઓઝલ થઈ ગઈ.

“માફ કરી દે મને… ભૂલ થઈ ગઈ.” એ ચીસો પાડતો જ રહ્યો પણ..

“આ શું! મને કોઈ સાંભળતું કેમ નથી!” એ મથી રહ્યો પેલા અંધકારને માત આપવા.. કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કરવા.

“મેડમ.. પલ્સીસ આર ઇન્ક્રીસીંગ.”

“થેન્ક ગોડ!”

“બસ આ જ…આ જ…આ કોણ બોલ્યું!” ઊંડા અંધારાને ચીરતો જાણે કોક અંધારી ગુફામાંથી બહાર આવતો હોય એમ… એની દ્રષ્ટિ સો પગની શક્તિએ જાણે દોડવા મથી રહી. સહેજ વારમાં ફરી એક વખત તેજ પુંજ ઝળક્યો.

એ બોલ્યો, “મને ખબર હતી.. તું તો હોઈશ જ મારી સાથે.”

એ ઉદાસ હતી..ખૂબ ઉદાસ.

“કંઈક બોલ ને.”

“હી ઇઝ આઉટ ઓફ ડેન્જર નાઉ.” ..અને એ ચાલી ગઈ..અંધકારને અકબંધ રાખીને.

Leave a comment

Your email address will not be published.