‘સર્જન’ એટલે માઈક્રોફિક્શન વાર્તાલેખનમાં એવું મજબૂત નામ કે જે ગુજરાતી સાહિત્યના આ નવલા પ્રકાર માટે ‘પાયોનિઅર’ છે.
મને આ મનગમતી સાહિત્ય સફરમાં જોડાયાને બહુ ઓછો સમય થયો છે. એમાં પણ અંગત રીતે ઓછો સમય ફાળવી શકી છું. પણ ‘સર્જન’ માટે એટલું તો અતિશયોક્તિ વગર કહી શકુ કે, સર્જન – જેવું નામ તેવું કામ. આડીઅવળી નિરર્થક ચર્ચાઓને તિલાંજલિ આપીને અહીં ફક્ત વાર્તાલેખન થાય છે. અવનવા પ્રયોગશીલ વિષયો પસંદ કરવામાં આવે, ઓછામા ઓછા શબ્દો સાથે વધુમાં વધુ અસર ઉભી કરે એવા સાહિત્યસર્જન માટે સૌ પ્રયત્નો કરે, ક્યારેક વાર્તા-સ્વરૂપને ઓપ આપતા દિવસો લાગે, તો ક્યારેક મિનિટોમાં કામ પૂરું થઈ જાય.

જીગ્નેશભાઈ અધ્યારુના શબ્દોમાં કહું તો ચોટદાર લખાણ માટે મનમાં આવતો પહેલો કે બીજો વિચાર છોડી દઈને ત્રીજો એટલે કે કોઈ હટકે હોય, એવો અસામાન્ય વિચાર ઝીલી લઈને એ પરથી વાર્તા લખવી જોઈએ. સાહિત્યનું આ ફલક દરિયા જેવું વિશાળ છે. એમાં ડૂબકી મારતા મારતા પાણીદાર મોતી જેવું કશુક હાથ લાગે, કે તરત વાચક સમક્ષ મૂકવાનું હોય છે.
આ ગ્રુપ ફક્ત વાહવાહીનું ગ્રુપ નથી એ વાત મને સૌથી વધુ ગમે છે. વાર્તામાં દમ ન હોય તો ગ્રુપમાં એવી ઝાટકણી નીકળે કે વાત જવા દો. તો પણ કોઈને કોઈથી માઠું ન લાગે અને વાર્તામાં કંઈ ખૂટતું કે ખટકતું લાગે ત્યારે અન્ય અનુભવી લેખકો એવી ખૂબીથી એ બાબત ખોળી બતાવે કે માનવું પડે.
માઈક્રોફિક્શન વાર્તા-પ્રકાર સૌને આકર્ષે છે એનું કારણ એમાં રહેલી રસાળતા છે. વાર્તા લાંબીલચક થઈને લય ગુમાવે એ પહેલા તો પૂરી થઈ જાય છે. અને શરુ થાય છે વાચકનું મનોમંથન.
આ વાર્તાઓમાં ઉઘાડ, ઉતાર-ચડાવ અને અંત બધુ ત્વરિત અનુભવાતું હોવાથી જ કદાચ વાચક વાર્તા સાથે તુરંત કનેક્ટ થઈ જાય છે. ક્યારેક તો વાર્તાના સુખ-દુ:ખને એકદમ પોતીકું માનવા લાગે છે. એ જ તો માઈક્રોફિક્શનની મજા છે.
કલ્પનાનો આગવો અસબાબ અને વિચારોનો મહામૂલો વૈભવ ધરાવતા અનેક લેખકો “સર્જન” સાથે જોડાયેલા છે, એ તો આનંદની વાત છે જ. એથીય વધુ આનંદ એ બાબતનો કે શ્રી જીગ્નેશભાઈના સબળ અને સફળ નેતૃત્વમાં ઘણું ઘણું શીખવા મળે છે.
‘સર્જન’ના સૌ મિત્રો પરસ્પર પ્રેમથી જોડાયેલા છે, એ સો ટચના સોના જેવી વાત.
– દીપ્તિ પરાગ રાડિયા
One thought on “‘સર્જન’ એટલે લેખકોની કાર્યશાળા – દીપ્તિ રાડિયા”
“સર્જન” અને “સર્જન” પરિવારના અનુભવની વાત તમે બહુ સારી રીતે રજૂ કરી. દમદાર માઇક્રોફિક્શન આપતાં રહેશો તેવી આશા અને શુભેચ્છા!