લગ્ન પછી આજે ઘણાં સમયે નિશા અને તેનો નાનકડો દિકરો વિકી મને શોપિંગ મૉલ બહાર મળી ગયાં. નિશા તો જોતાં જ બોલી ઉઠી, “વાહ શું ઠાઠ છે તારા..! હજુ હનીમૂનમાંથી બહાર નથી આવી કે શું? એક શહેરમાં રહી મળતી નથી!”
હું ખીલખીલાટ હસી ઉઠી અને આંખ મિચકારતાં બોલી, “એવું જ સમજ, એ છોડે તો મળું ને..”

“એમ..! તો ભલે શોધે તને તારા ‘એ’, આજે તો મારાં ઘરે ચાલ ખૂબ ગપ્પાં મારીશું.”
“હા આન્ટી, ચલો ને.. આપણે પહેલાની જેમ જ રમીશું.” નાના વિકીનાં આવા આગ્રહને ન અવગણી શકી.
ધરે જતાં જ મારાં સુખી સંસાર વિશે સાંભળવા નિશા તો ઉતાવળી થઈ રહી. મારી દોમદોમ સાહ્યબી, વરજીના મારા પર અઢળક વ્હાલપની વાતો સાંભળી નિશા પોતાના પતિની વ્યવસાયિક વ્યસ્તતા વચ્ચે કરાતા પ્રેમને કોસતી રહી, અને હું હસતાં હસતાં મારી પ્રેમકથા કહેતી રહી. અમારી વાતોથી વિકી કંટાળ્યો. જોરથી બૂમ પાડતા કહે, “આંટી, મારી જોડે રમો હવે..”
નિશા કોફી બનાવવા ઉભી થઇ અને મેં વિકીને પુછ્યું,”બોલ શું રમીશું?”
એ કહે, “મમ્મી જોડે વાતો કરી તેમ મને વાર્તા કહો ને..”
મારા હૈયામાંથી એક નિ:શ્વાસ સર્યો.. મારી છાતી પર, પગ પર અપાયેલાં સિગારેટના ડામ ફરફરી ઉઠ્યાં.