ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

મહેનત માંગી લેતું વાર્તા સ્વરૂપ : માઇક્રોફ્રિકશન – દર્શના વ્યાસ

આજનાં સંદર્ભમાં માઇક્રોફ્રિકશન વાર્તા શા માટે જરૂરી? માઇક્રોફ્રિકશન વાર્તા શું આપી શકે? આજના સંદર્ભમાં માઇક્રોફ્રિકશન વાર્તા શા માટે જરૂરી છે?

જ્યારે આવું કોઈ પૂછે ત્યારે પહેલો જવાબ મનમાં એ આવે કે એ આજના સમયની માંગ છે. સમય સાથે નાવીન્ય હંમેશા આવકાર પામે છે. સાહિત્યમાં પણ આ લાગુ પડે છે. આજનો સમય સ્માર્ટ વર્કનો છે, એ માઇક્રોફ્રિકશન માટે પણ એટલો જ ઉપયુક્ત છે. આજનાં દોડતાં યુગમાં નવલકથા વાંચવાનો સમય નથી ત્યારે માઇક્રોફ્રિકશન એ વાંચન ભૂખ થોડા શબ્દોમાં સંતોષી, આનંદ અને તૃપ્તિનો ઓડકાર આપે છે. માઇક્રોફ્રિકશન વાર્તા પ્રકાર આજે મજબૂતી સાથે સાહિત્યમાં સ્થાન મેળવી રહ્યો છે તો સર્જન માઇક્રોફ્રિકશન ગ્રુપ તેનાં પાયાની ઈંટ સમું છે.

માઇક્રોફ્રિકશન વાર્તા એટલે રાઇના દાણામાં પહાડને સમાવાની પ્રક્રિયા.

વાર્તાના અન્ય પ્રકારની જેમ જ ઘટના,સંવાદ, ચમત્કૃતિ, કુતૂહલ બધું જ હોય પણ તેને કહેવા શબ્દોનું ફેલાયેલું આખું આકાશ નહીં, એક શબ્દના નાના અવકાશનો તારો મળે છે. છતાં તેજથી તે પોતાની વાત કહી દે છે.

નાનો હીરો હોય પણ ઉત્તમ ઘડતર તેની કિંમત વધારી દે, માઇક્રોફ્રિકશન વાર્તાઓનું પણ આવું જ કંઈક છે. થોડા શબ્દોમાં થયેલી ઉત્તમ માવજત નવલકથા કરતાં વધુ કહી જાય તેવું બને. માઇક્રોફ્રિકશન વાર્તા ગણતરીના શબ્દોમાં વ્યક્ત કેમ થવું તે શીખવે છે. સાહિત્ય પ્રકાર માટે વાર્તા તત્વ અનિવાર્ય છે તે બધાં જ તત્વ ઓછા શબ્દો હોવાં છતાં માઇક્રોફ્રિકશનમાં સમાવિષ્ટ હોય જ છે. કલ્પના, ઘટના, સંવાદ, પાત્રો, વાતાવરણ, સમય, સ્થિતિ, પરાકાષ્ઠા વગેરે વાર્તાના પાયામાં છે.

અન્ય વાર્તા પ્રકારની જેમ માઇક્રોફ્રિકશન વાર્તામાં પણ કોઈ વિષયબાધ નડતો નથી; સર્જક પોતાની કલ્પનાનું ભાવજગત ભાવક સામે ખડું કરે છે, પછી તે ઐતિહાસિક હોય કે વિજ્ઞાનજગતની કલ્પનાઓ, ધાર્મિક હોય કે સામાજિક, માન્યતાઓ અને માન્યતાઓથી પરેનું જગત – બધે જ માઇક્રોફ્રિકશનનું ફલક છે.

ગુજરાતી વાર્તામાં કેટલાક પાત્રો સમયની સાથે તેના સબળ આલેખનથી ચિરંજીવી થઈ ગયાં છે જેમ કે પોસ્ટમેનનો અલી ડોસો, અમરતકાકી અને મંગું, હીરોખૂટ, અને એવા અનેકાનેક પાત્રો. પણ તે અમર થવા માટે સર્જક દ્વારા સુપેરે પાત્ર સર્જન થયું હોવું જોઈએ. માઇક્રોફ્રિકશનમાં પણ સબળ પાત્રલેખન થાય છે જેને વાંચતા જ મોંમાંથી વાહ સરી જાય છે અને મગજમાં ઘર કરી જાય છે પણ તેને અમર બનાવવાં ચોક્કસ સમયગાળો આપવો રહ્યોં જ.

માઇક્રોફ્રિકશન વાર્તામાં સંવાદો ચોક્કસ હોય પણ તે લાંબા લચક નહીં, લાધવમાં.. અને ઘણી વખત સંજ્ઞામાં રજુ થતાં હોય છે. અહીં બધું જ કહી દેવાનું નથી પણ ન કહેલું વાચકોએ થોડું સુઝથી ઉકેલવાનું હોય છે. માઇક્રોફ્રિકશનમાં વધારાનું કશું જ ન ચાલે, જે કહેવાનું છે તે જ અને માત્ર તેટલું જ કહેવાનું હોય છે. વધારાનાં એક શબ્દનો પણ અવકાશ હોતો નથી.

માઇક્રોફ્રિકશનમાં સમય કે વાતાવરણને વર્ણવવા સમય આપવામાં આવતો નથી. ઘણીવાર એક શબ્દ કે એક વાક્યમાં આખો ચિતાર આપી દેવાનો હોય છે અને તેમાં જ સર્જકનો કસબ દેખાઈ આવે. તમે સાગરમાં તો ટીપું ભરી શકો પણ અહીં તો ટીપમાં સાગર ભરવાનો હોય છે.

માઇક્રોફ્રિકશન વાર્તાનું મહત્વનું એક પાસું એટલે વાર્તાના અંતે ચમત્કૃતિ. માઇક્રોફ્રિકશન વાર્તા બે શબ્દો કે બે લાઇન વચ્ચે ન કહેવાયેલી વાતોમાં ભાવકોને વિચારતો કરી મુકવાની કલા છે.વાર્તા વાંચી અને પુરી થઈ, તેવું માઇક્રોફ્રિકશનમાં નથી હોતું. અહીં લેખક પૂરું કરે છે ત્યાંથી ભાવકની મનોયાત્રા શરૂ થાય છે.
અને એક અંત અનેક નવા આયમો સાથે ભાવક વાર્તાને વિકસાવે છે. અહીં વાર્તા વાચકના મનમાં ઘૂંટાઈ અલગ રંગ લાવે છે. માઇક્રોફ્રિકશન વાર્તા બે વત્તા બે ચાર નહીં પણ બાવીસનું સમીકરણ વાચકોને તેના આયમોથી સમજાવે છે. માઇક્રોફ્રિકશન વાર્તામાં વાચકની બુદ્ધિ શક્તિ પર વિશ્વાસ રાખવો સર્જક માટે જરૂરી છે તેમ નવો વિચાર અને તેની પ્રાપ્તિનો અંત ભાવકને આનંદ આપે છે અને વાચક તરીકે અલગ ઘડતર કરે છે.

આજે સોશિયલ મીડિયાના જમાનામાં ઘણીવાર માઇક્રોફ્રિકશનના નામે ટુચકા ફરતાં દેખાય છે. જેમાં વાર્તા તત્વ, ઘટના,પરિવેશ, પાત્રો, સંવાદો, રહસ્ય, અધ્યાહાર જેવી માઇક્રોફ્રિકશનની પાયાની બાબતોનો અભાવ હોય છે. ફક્ત ઘટનાનું આલેખન માઇક્રોફ્રિકશન બનતી નથી. માઇક્રોફ્રિકશન પૂરતી સુઝ અને સમજ સાથે લખાતો સાહિત્ય પ્રકાર છે જેને સભાનતાથી લેખક અને વાચકે નિભાવવાનો હોય છે. ધણીવાર ઘટના અધૂરી મૂકી વાર્તાનો અધ્યાહાર માની, ઘટનાને માઇક્રોફ્રિકશનમાં ખપાવવાની કોશિશ થતી હોય છે; પણ એ બાબત તેને માઇક્રોફ્રિકશન નથી બનાવતી. અધ્યાહાર એ માઇક્રોફ્રિકશનનું સબળ પાસું છે જે વાચકના મનને અનેક અંતની શકયતાઓ તરફ દોરી જાય છે અને લાંબો સમય સુધી તેના મન પર અંકિત રહે છે. ટૂંકમાં કહેલી વાત એ માઇક્રોફ્રિકશન નથી બનતી, તેના બંધારણની સમજ અને અનુસરવાની પ્રતિબધ્ધતા લેખકે કેળવવી પડે છે. લાંબા વર્ણનોનું અને વિસ્તૃત વાતાવરણ ખડું કરવા માટે અહીં સ્થાન નથી હોતું તે સમજવું રહ્યું. માઇક્રોફ્રિકશનના બંધારણ માટે સર્જન ગ્રુપના સર્જકો કટિબધ્ધ છે, એટલે જ માઇક્રોફ્રિકશનના ઉત્તમ ઉદાહરણ વાચકને અહીં મળી આવે છે. આવા જ અમારા સર્જન મિત્ર ધવલભાઈ સોનીની વાર્તાને આપણે અહીં માઇક્રોફ્રિકશન તરીકે મૂલવીશું. તો પહેલાં તેમની માઇક્રોફ્રિકશન જોઈએ.

ધવલ સોની / શીર્ષક – પ્રેમપત્ર / શબ્દસંખ્યા – ૮૮

સરહદ પાર ગોળીબારના અવાજો વચ્ચે કેપ્ટનના ઓર્ડરની રાહ જોવાઈ રહી હતી. નિર્ણાયક ઘડી વચ્ચે હળવેથી એક પત્ર તેણે ખિસ્સામાંથી કાઢ્યો અને થીજાવી દેતી કાતિલ ઠંડીમાં પણ તેના અંગેઅંગમાં ગરમી વ્યાપી ગઈ. હાથમાં પકડેલા પ્રેમપત્રનો એકેક શબ્દ ગામડે રહેતી પત્નીનો હુંફાળો સ્પર્શ બનીને તેના દેહમાં ઉર્મિનો સંચાર કરી ગયો.

તેના મુખ પર મંદ સ્મિતની એક લકીર ખેંચાઈ એ સાથે જ એક વિચાર ઉમટ્યો, “ફરી આ પત્ર હું વાંચી શકીશ ખરો?” વિચારોમાં વ્યથા અને સંશયની ક્ષણને નાથવાના પ્રયાસો વચ્ચે તેણે રાઈફલ ઉઠાવી અને એક પ્રેમભર્યુ ચુંબન તેણે પ્રેમપત્રના સરનામે મોકલી આપ્યું.


આપે આ વાર્તાને વાંચતા જોયું કે કેટલાં ઓછા શબ્દોમાં સર્જકે સબળ વાર્તા આપી. અહીં સરહદ પરનું યુદ્ધ એક જ વાક્યમાં આપણા મસ્તિષ્કમાં ખડું કરવામાં લેખક સફળ રહ્યાં છે.યુદ્ધ માટે દેશ,યુદ્ધના કારણો,જગ્યા,તેની તૈયારી દર્શાવાની જરૂર નથી પડી.યુદ્ધની ભયાનકતાં વચ્ચે પણ સૈનિકની પ્રણય સંવેદના ઋજુતાંથી આલેખી છે. રાઇફલ ઉઠાવી જીવનની નિર્ણાયક ક્ષણે પણ પ્રેમની અનુભૂતિ કરાવી છે અને યુદ્ધ દરમ્યાન અને યુદ્ધ પછી સૈનિકની જીવનબાજી લેખકે વાચકોની સમજ પર ખુલ્લી મુકેલી છે. અહીં વાર્તા છે, ઘટના છે,મનોભાવ છે પ્રણયના સંવેદનો છે તો યુદ્ધની સજ્જતા પણ છે.અહીં યુદ્ધની કાતિલ ગરમી છે તો વાતાવરણમાં કાતિલ ઠંડી પણ છે. યુદ્ધના મેદાન વચ્ચે ગામડાં રહેલી પત્નીના પ્રેમની ઉષ્માની અનુભુતી પણ છે. પ્રેમ અને ફરજને અહીં સર્જકે સુમેળતાથી વણી લીધાં છે. અહીં કશું આયાસ પુર્વક લખાયેલું નથી લાગતું સહજ અને સ્પષ્ટ માઇક્રોફ્રિકશન બનેલી છે. આવી સભાનતા સાથે જ્યારે વાર્તા લખાય ત્યારે માઇક્રોફ્રિકશન બને છે.

માઇક્રોફ્રિકશન વાર્તા તે આજનાં યુગમાં વાર્તાનું આધુનિક અને હાથવગું ખેડાણ છે જે તમે મિનિટોમાં માણી શકો પણ તેની અસર ભાવકોનો મન પર લાંબી છાપ છોડી જાય છે.અને એટલે જ તો આજનાં સંદર્ભમાં માઇક્રોફ્રિકશન વાર્તા ખુબ ઉપયુકત સાહિત્ય પ્રકાર છે તે સ્વીકારવું રહ્યું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

One thought on “મહેનત માંગી લેતું વાર્તા સ્વરૂપ : માઇક્રોફ્રિકશન – દર્શના વ્યાસ”