ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

રૂપિયા કાગળ છે, કંચન ધાતુ છે તેમ, દરેક જીવમાં જાણનાર, અનુભવનાર આત્મા વિવિધ કાયા ધારણ કરે છે

પરમ આત્મા – સુષમા શેઠ

 

બા બોલાવવા ગઈ ત્યારે ઓરડામાં મધુર સુવાસ પ્રસરેલી અનુભવી. ગૌતમ ક્યાંય નહતો. બળતા દીવા આગળ મૂકેલો પત્ર વાંચતા બાનાં હાથ ધ્રુજ્યાં,”જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ ચાહું છું….”

 

બાએ સવારે તેના જન્મદિન નિમિત્તે બનાવેલ લાડુ પીરસતાં આગ્રહ કર્યો ત્યારે આડો હાથ ધરી બોલેલો,”પેટના ખાડામાં પર્યાપ્ત ઈંધણ પૂર્યું, અંતે મળ થવાનું.”

 

બાની સમક્ષ ભૂતકાળ તરવર્યો. ભણવામાં અત્યંત તેજસ્વી ગૌતમ બે બે ધોરણ કુદાવી જતો. તે સતત વાંચ્યા, લખ્યા કરતો. યુવાવયે પરણી જવાનો આગ્રહ કરતી બાને કહેતો, “શરીર હાડ-માંસ, મળ-મૂત્ર, રક્ત- મજ્જાનું ચર્મ મઢેલ સંગ્રહસ્થાન છે, તેમાં આસક્ત શાને થવું?”

 

પિતાશ્રીના દેહાંત સમયે સૌ રડયા, પરંતુ તેણે અલિપ્ત રહી કહેલું,”પર પદાર્થને, ‘મારું’ માનવું તે અજ્ઞાન. તે જ દુ:ખનું કારણ.”

 

બા તેને સમજવા, સમજાવવા મથતી ત્યારે કહેતો,”મારી જિંદગીનો એક દિવસ જીવી જો…. મજા આવશે. રૂપિયા કાગળ છે, કંચન ધાતુ છે તેમ, દરેક જીવમાં જાણનાર, અનુભવનાર આત્મા વિવિધ કાયા ધારણ કરે છે.”

 

બે ચમકતી, તેજસ્વી આંખો પ્રત્યક્ષ નીરખતી હતપ્રભ બાના હાથમાંથી પત્ર પડી ગયો.

Leave a comment

Your email address will not be published.