ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શન: થડ – જાહ્ન્વી અંતાણી; રસાસ્વાદ – ડૉ. રંજન જોષી

આ શ્રેણી સર્જન મિત્રોની માઇક્રોફિક્શનને ખોલી સર્જનના જ અન્ય મિત્રો દ્વારા એનો આસ્વાદ અથવા વિવેચન કરાવવાની અમે કરેલી મથામણનું પરિણામ છે. માઇક્રોફિક્શનમાં ઘણું એવું હોય છે જે વાચકે પોતે વિચારવાનું કે વિસ્તારવાનું રહે છે, એનો પ્રાયોગિક પ્રયત્ન સર્જક જ વાચક બની કરી બતાવે એ હેતુથી આ ટાસ્ક કરેલો અને એના પરિણામે ઘણાં સુંદર વિવેચન અથવા રસાસ્વાદ મળ્યા એ સર્વે વાચકમિત્રો સાથે વહેંચી રહ્યાં છીએ. એ અંતર્ગત પ્રસ્તુત છે જાહ્ન્વીબેન અંતાણીની માઇક્રોફિક્શનનો ડૉ. રંજન જોષીની કલમે રસાસ્વાદ.

એક્સપ્રેસ હાઇવે પર દોડતી વોલ્વોમાં બેસેલી દર્શિની ઝડપથી પસાર થતાં વૃક્ષોને જોઈ રહી. વરસાદ સારો થયો હોવાથી હરિયાળી છવાયેલી હતી. ત્યાં જ એક ઘેઘૂર વૃક્ષ પર નજર પડી. એક વિશાળ કુટુંબ એ વિચારી રહી. કેટલું સરસ વિકસ્યું છે, જાણે કોઇએ એક શિસ્તમાં ડાળખીઓ ઉગાડી હોય. એનું શ્રેય અડીખમ થડને જવું જોઈએ જેણે બધી જ ડાળખીઓ ને શિસ્તના પાઠ ભણાવ્યા હોય.

દર્શિનીને પોતાનું ભર્યું ભાદર્યુ કુટુંબ યાદ આવ્યું. પોતાને પણ આવું જ એક મજબૂત થડ મળ્યું હોત તો.. એની ફેલાયેલી ડાળીઓ આમ રઝળતી ન હોત. વિચારતાં તેનો ઋજુ હાથ થેલીમાં રહેલા સરનામાના કાગળ પર ફરી રહ્યો.


આસ્વાદ :

અહીં કુટુંબને વૃક્ષનું રૂપક અપાયું છે. રૂપક અલંકાર અને વાક્યે વાક્યે પ્રયોજાતો ઉત્પ્રેક્ષા અલંકાર વાર્તાને નવો ઘાટ આપે છે. વરસાદ સારો થયો મતલબ પરિસ્થિતિઓ અનુકૂળ હતી વૃક્ષને વિકસવા માટે પણ પોતાના જીવનમાં નહીં તે શરૂઆતમાં જ ઈંગિત થઈ ગયું છે. વૃક્ષે ડાળખીઓને શિસ્તના પાઠ ભણાવ્યા એ વાક્ય દ્વારા દર્શિનીના પિતા શિસ્તપાલક અને સિદ્ધાંતવાદી હોય તેવો અંતર્ભાવ તેના મનમાં ઉપજતો દેખાય છે. જેમ થડ ડાળીઓને સહારો આપે તેમ પિતા કુટુંબને. અહીં સુધી વાંચતા એવું લાગે કે આ દર્શિની અને તેના પિતા કે પાલક સંબંધિત વાર્તા હશે (દર્શિનીને પોતાનું ભર્યું ભાદર્યુ કુટુંબ યાદ આવ્યું તે આની સાક્ષી પૂરે છે) પણ એવું થતું નથી, તે લેખકની મર્યાદા ગણી શકાય. અથવા લેખક પણ આ લખતી વખતે ડબલ માઇન્ડ થયા હશે એવું માની શકાય.

હવે ‘પોતાને પણ એક આવું મજબૂત થડ મળ્યું હોત તો.. એની ફેલાયેલી ડાળીઓ આમ રઝળતી ન હોત.’ આ વાક્ય દ્વારા વાર્તા નવો મોડ લે છે. અહીં દર્શિની દીકરી મટી મા બને છે. પોતાનું સંતાન અત્યારે રઝળે છે‌ કારણ કે તેને યોગ્ય થડનો આધાર મળ્યો નહીં. ડાળી ફેલાઇ ચૂકી છે અર્થાત્ તે ગર્ભવતી થઈ ચૂકી છે પણ આધાર ન મળતાં ગર્ભ અને દર્શિની બંને રઝળી ગયા છે. તે વોલ્વોમાં ક્યાં જઈ રહી હતી તેના જવાબ રૂપે અંતિમ વાક્ય ‘આમ વિચારતા તેનો ઋજુ હાથ થેલીમાં રહેલા સરનામાના કાગળ પર ફરી રહ્યો.’ આવ્યું. તે પોતાના ગર્ભનો એકલાં જ નિકાલ કરવા જાય છે એટલે કોઈ અજાણી જગ્યાએ દૂર જઈ રહી છે તેથી સરનામાનો કાગળ વાર્તામાં આવ્યો અને તે બરાબર જ છે ને તે ચેક કરવું દર્શિનીને જરૂરી‌ લાગ્યું એટલે હાથ ફેરવ્યો. તે ત્યાં જવા ખુશ કે મક્કમ નથી પણ મજબૂર છે એ બે વિશેષણોથી સમજાય છે: ૧. ઋજુ હાથ અને ૨. પોતાને પણ મજબૂત થડ.. આમ, વાર્તા તો સરસ નીખરી છે. સ્ત્રીની મનોવ્યથા વ્યક્ત થઈ છે.

Leave a comment

Your email address will not be published.

4 thoughts on “માઇક્રોફિક્શન: થડ – જાહ્ન્વી અંતાણી; રસાસ્વાદ – ડૉ. રંજન જોષી”