ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શન : લેવલ પાર – જાહ્નવી અંતાણી; આસ્વાદ – રાજુ ઉત્સવ

આ શ્રેણી સર્જન મિત્રોની માઇક્રોફિક્શનને ખોલી સર્જનના જ અન્ય મિત્રો દ્વારા એનો આસ્વાદ અથવા વિવેચન કરાવવાની અમે કરેલી મથામણનું પરિણામ છે. માઇક્રોફિક્શનમાં ઘણું એવું હોય છે જે વાચકે પોતે વિચારવાનું કે વિસ્તારવાનું રહે છે, એનો પ્રાયોગિક પ્રયત્ન સર્જક જ વાચક બની કરી બતાવે એ હેતુથી આ ટાસ્ક કરેલો અને એના પરિણામે ઘણાં સુંદર વિવેચન અથવા રસાસ્વાદ મળ્યા એ સર્વે વાચકમિત્રો સાથે વહેંચી રહ્યાં છીએ. એ અંતર્ગત પ્રસ્તુત છે જાહ્નવી અંતાણીની માઇક્રોફિક્શનનો રાજુ ઉત્સવની કલમે રસાસ્વાદ.

”હું સાથે હોઉંને ત્યારે ગેઇમ નહિ ડરમવાની,” ક્ષિતિજ સંધ્યાના હાથમાંથી મોબાઇલ ઝૂંટવતા બોલ્યો.

“ગેઇમ જ રમું છું ને! બીજું તો કંઈ નથી કરતીને,” કહેતાં, સંધ્યા સૂચક નજરે પોતાનો મોબાઇલ પાછો લેવા મથી રહી.

કોલેજમાં સાથે ભણતા સંધ્યા અને ક્ષિતિજનો સંબંધ મિત્ર કરતા વિશેષ બનવા જઈ રહ્યો હતો. થોડા સમયથી સંધ્યાને ક્ષિતિજનું ધ્યાન અવની તરફ જતું હોય એવું મહેસુસ થતું હતું. એથી એ તેના પ્રત્યે દુર્લક્ષ સેવવા ગેઇમ રમી રહી હતી.

“તું આવું કેમ કરે છે?” ક્ષિતિજ એને મોબાઇલ આપતા પૂછી રહ્યો.

“જયારે જયારે મારા મનમાં ઉદ્વેગ ઉભો થાય, ત્યારે હું ગેઇમ રમુંને તો મારી ગેઇમના બધા લેવલ ફટાફટ પાર થઈ જાય.” કહેતી સંધ્યા ફરી ગેઇમનું નેક્સ્ટ લેવલ રમવા લાગી.

“એવું કેમ?”

“એવું એટલે કે, જીવન હોય કે રમત જયારે જયારે કટોકટી ઉભી થાય ત્યારે માણસમાં જે જોઈએ એ પ્રાપ્ત કરવાનું પાગલપન આવી જતું હોય છે.” કહેતી સામેથી અવનીને આવતાં જોઈને ફરી બોલી, “હવેનું લેવલ તો હું પાર કરીને જ રહીશ.”


આખી વાર્તા વ્યંજનામાં ચાલે છે. પાત્રોના નામ સુધ્ધાં સાંકેતિક છે.

માણસના મનોભાવને, મંથનને, વૃતિને ઝીલી લેતી આ વાર્તાનો વિષય જરાય નવો નથી પરંતુ આધુનિક સમયની આદત મોબાઈલ ગેમ સાથે આખી વાતને જોડીને આની રજુઆત આધુનિક બનાવાઈ છે.સરસ અને સરળ રજુઆતમાં લેખિકા સફળ રહ્યા છે.અહીં એક વાત નોંધવી રહી કે એક સજ્જ વાચકે મને લખ્યું હતું કે “મોટાભાગના લેખકો આદમ અને ઈવની આસપાસ જ ફર્યા કરે છે.” અહીં પણ એ જ ફુદરડી છે. જો કે માણસની એ વૃતિ છે કે ગમે એટલું ચવાયેલું હોય તોય આ પ્રકારનું લખાણ લોકોને ગમે છે.અલબત્ત રજુઆત ગમેબલ હોવી જોઈએ. આ વાર્તામાં રજુઆતની રીતે લેખિકાને સફળ ગણવા રહ્યા.

પાત્રોની વાત કરીએ તો ત્રણ જ પાત્રોમાં આખી વાર્તા સમાયેલી છે, એમાંય એક પાત્રની તો ફક્ત અછડતી હાજરી જ છે. માઇક્રોફિક્શનમાં ઓછા પાત્રો હોય એ કોઈ શરત નથી પણ ઓછા પાત્રો હોય તો જ પથારો ઝડપથી વીંટી શકાય એ સ્વાભાવિક છે. આ વાર્તામાં ઓછા પાત્રો વાળી શરત પળાય છે.

સબળ સંવાદના ટાસ્કમાં લખાયેલી હોવાથી અહીં એક મજબૂત સંવાદ મળે છે. કટોકટી વખતે માણસ પાસે એક ઝનુન કહો કે એકસ્ટ્રા પાવર આવી જાય છે.એક મરણિયો સોને ભારે જેવી વાતને એ સમર્થન આપે છે. આ રીતે “કેરી હોમ મેસેજ “પણ છે. એક સચોટ વાત પહોચાડવામાં આ વાર્તા સફળ છે.

શબ્દોની વાત કરીએ તો ઘણાં બધા સંકેત આપવાની જરુર નથી. આજનો વાચક સજ્જ છે. તમારે એને આંગળી પકડીને મુકવા જવાની જવાબદારી લેવાની નથી, ફક્ત રસ્તો જ બતાવવાનો છે. જેમ કે “ગેઈમ જ રમું છું ને બીજું તો કાંઈ કરતી નથીને?” આ વાક્ય પોતે સુચક જ છે એટલે અહીં પાછી ‘સુચક નજરે’ ની જરાય જરુર નથી. એ જ રીતે કોઈને મળવા જાવ અને મોબાઈલમાં ગેમ રમો એ દુર્લક્ષ સેવવાની જ વાત છે, જે પાછું સ્પષ્ટ કરવું જરૂરી નથી લાગતું.

અંતે નાયિકા શું કરશે? એ વિચાર વાચકના મનમાં જન્માવીને લેખિકા પથારો સંકેલે છે.આ રીતે એકથી વધુ વિકલ્પો પણ મળે છે.

આખી પિંજણના અંતે વાર્તાને સુંદર કહી શકાય. દશમાંથી નવ !

Leave a comment

Your email address will not be published.

6 thoughts on “માઇક્રોફિક્શન : લેવલ પાર – જાહ્નવી અંતાણી; આસ્વાદ – રાજુ ઉત્સવ”