ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શન: ગુરુમંત્ર – શ્રદ્ધા ભટ્ટ; વિવેચન – સરલા સુતરિયા

આ શ્રેણી સર્જન મિત્રોની માઇક્રોફિક્શનને ખોલી સર્જનના જ અન્ય મિત્રો દ્વારા એનો આસ્વાદ અથવા વિવેચન કરાવવાની અમે કરેલી મથામણનું પરિણામ છે. માઇક્રોફિક્શનમાં ઘણું એવું હોય છે જે વાચકે પોતે વિચારવાનું કે વિસ્તારવાનું રહે છે, એનો પ્રાયોગિક પ્રયત્ન સર્જક જ વાચક બની કરી બતાવે એ હેતુથી આ ટાસ્ક કરેલો અને એના પરિણામે ઘણાં સુંદર વિવેચન અથવા રસાસ્વાદ મળ્યા એ સર્વે વાચકમિત્રો સાથે વહેંચી રહ્યાં છીએ. એ અંતર્ગત પ્રસ્તુત છે શ્રદ્ધા ભટ્ટની માઇક્રોફિક્શન ‘ગુરુમંત્ર’ નો સરલા સુતરિયાની કલમે આસ્વાદ.

ગુરુમંત્ર – શ્રદ્ધા ભટ્ટ

શિકારી ચપળતાથી એની આંખો આખાય ઓરડામાં ફરી વળી. બધે નીરખી એણે સામે જમીન પર પડેલા નિષ્પ્રાણ દેહ પર નજર ઠેરવી. આટલા વર્ષોમાં પહેલી વાર એના કદમ ડગ્યા.

‘ પહેલો વિશ્વાસ લાશ પર કરજે, એ ખોટું નહિ બોલે.’

મનમાં સંભળાયું કે સામે પડેલી ગુરુજીની લાશ બોલી? ત્રાટક કરતી હોય એમ એની આંખો પેલી નિષ્પ્રાણ આંખોને તાકી રહી. બે કલાક પહેલાં ભજવાઈ ગયેલું એ દ્રશ્ય ફરી એની સામે ખડું થઈ ગયું.

શું ખોટું કહેલું એણે? ઉંમર થઈ હતી ગુરુજીની. ક્યાં સુધી પોતે એના શાગીર્દ તરીકે જ કામ કર્યા કરે? નિવૃત્તિની વાતથી કેવા ભડકી ગયા હતા! એની નજર સામેથી એક એક ફ્રેમ પસાર થતી ગઈ… ને અચાનક!

બધાની નજર ચૂકવી એણે ગુરુજીના હાથમાં રહી ગયેલું પોતાના કોટનું બટન સેરવી લીધું.

ગુરુજીનો ગુરુમંત્ર એમની જ લાશ આગળ આજે ખોટો પૂરવાર થવાનો હતો.


માનવમનના લોભ અને પ્રલોભનની વાત કરતી વાર્તા સરસ રીતે આલેખાઈ છે.

વાર્તાની પહેલી જ પંક્તિ વાંચતા શીર્ષક ગુરુમંત્ર પસંદ કરવા બદલ આશ્ચર્ય થાય, પણ આગળ વાંચતા એનો યથાર્થ સમજાતા એ શીર્ષક સાર્થક લાગે છે. આખી વાર્તામાં બે જ પાત્રો અને ટૂંકી ને ટચ વાત માઇક્રોફિક્શનના દાયરામાં ફીટ બેસે છે.

શિકારી ચપળતાથી પંક્તિઓ વાંચતાં જ આંખો આગળ કોઈ શિકારી કે કાતિલનું દ્રશ્ય ઊભું થાય છે, પણ એના કદમ ડગ્યા વાંચી આપણું મન એને પેશેવર ખૂની ઠરાવતા અચકાય છે એ ખરું પણ સામે નિષ્પ્રાણ દેહ પડેલો જોઈ વળી આપણું મન પણ ડગમગે છે.

‘પહેલો વિશ્વાસ લાશ પર કરજે, એ ખોટું નહિ બોલે.’
આ વાંચીને, આ કેવા પ્રકારના ગુરુ હશે ને એમનો ખરેખરો ધંધો શું હશે? એ વિશે કૂતુહલ જાગે જ. અધ્યાત્મ માર્ગના ગુરુ હોય તો ધર્મ પર વિશ્વાસ કરજે એવો ઉપદેશ આપે. જ્યારે અહીં લાશ પર વિશ્વાસ કરવાનો ઉપદેશ આપે છે તો લાશ સાથે એમનો પનારો પડતો હશે?

પોતે સર્જેલી પરિસ્થિતિમાં ગુનાહિત માનસ જેમ ડરે એમ અહીં પણ એ ડરે છે. ગુરુજીની લાશ, એમ આલેખાયું છે એટલે એ પોતે શિષ્ય છે ને ગુરુ ગાદીના હકદાર થવા માટે એણે ગુરુની હત્યા કરી નાખી છે એ સમજાય છે. અહીં આપણા જેવા સામાન્ય માણસને એ સવાલ થાય કે જો હક અને વૈભવ ભોગવવા હતા તો સાધુ શા માટે થયો હશે આ શિષ્ય!

વળી ગુરુજી પણ પોતાની ગાદી ત્યાગી શકે એવા નિર્મોહી નહીં જ હોય, જેથી શિષ્યે કહેલી એમની નિવૃતિની વાતથી ભડકી ગયા ને જીવ ખોયો.

ઉંમર થઈ હતી ગુરુજીની એ વાક્યથી ફલિત થાય છે કે ખાસા વર્ષો સુધી ગુરુપદે બિરાજમાન રહીને બીજાને ત્યાગનો મહિમા સમજાવતા એમણે પોતે ત્યાગનો મહિમા સમજ્યો જ નહીં હોય! છોડી દો તો મળી જશે એવું તો એમણે પોતાના કેટલાય પ્રવચનોમાં કહ્યું હશે પણ પોતે જ એનો અમલ નથી કરી શક્યા ને શિષ્યને હાથે જીવ ખોયો.

શું ખોટું કહેલું એણે એ વાક્યમાં શિષ્યની સત્તા લાલસા દેખાઈ આવે છે. ને સત્તા ખાતર એ ગુરુ હત્યા જેવો જઘન્ય અપરાધ કરી બેસે છે. એ પછી પણ પોતે પકડાઈ ન જાય એ માટે શિકારી નજરથી આખા ઓરડાનું અવલોકન કરે છે ને ગુરુજીને મારતી વખતે થયેલી ઝપાઝપીમાં ગુરુજીના હાથમાં રહી ગયેલું એના કોટનું બટન એ સેરવી લે છે.

અહીં સવાલ એ થાય કે શિષ્ય કોટ પહેરે? તો આ બંને કઈ ટાઈપના ગુરુ શિષ્ય હશે. સામાન્ય રીતે આવા ગુરુ ગાદીવાળા લોકો ધોતી ઝભ્ભો કે લાંભી કફની પહેરતા હોય છે તો કફનીનું બટન એવું લખ્યું હોત તો આ સવાલ ન થાત.

એની નજર સામેથી એક એક ફ્રેમ પસાર થતી ગઈ એ વાક્યથી એમ લાગે છે કે આ ગુરુ શિષ્ય બહુ વરસોથી સાથે હશે અને ધર્મનું ધતિંગ અથવા તો સીધો ઉપદેશ, જે પાધરું પડે એ કરતા હશે! ને હવે શિષ્યને ગુરુપદે બેસવાના કોડ જાગ્યા હશે!

ગુરુજીનો ગુરુમંત્ર એમની જ લાશ આગળ આજે ખોટો પૂરવાર થવાનો હતો. કારણ કે, ગુરુના હાથમાં પકડાયેલું એનું બટન એણે કબજે કરી લીધું છે ને પૂરાવા ન હોય તો લાશ પણ કંઈ બોલી ન જ શકે ને?

એમના ધંધામાં ગુરુ કરતા સવાયો પૂરવાર થયેલો શિષ્ય હવે શું કરશે? ગુરુનો ધંધો આગળ વધારશે કે અધ્યાત્મ માર્ગે આગળ વધશે?

એકંદરે મોહ ત્યાગનો સંદેશ આપતી સરસ વાર્તા…

Leave a comment

Your email address will not be published.

One thought on “માઇક્રોફિક્શન: ગુરુમંત્ર – શ્રદ્ધા ભટ્ટ; વિવેચન – સરલા સુતરિયા”