ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શન: હૅપ્પી બર્થડૅ માઈકલ! – ડૉ. નિલય પંડ્યા; વિવેચન – ગોપાલ ખેતાણી

આ શ્રેણી સર્જન મિત્રોની માઇક્રોફિક્શનને ખોલી સર્જનના જ અન્ય મિત્રો દ્વારા એનો આસ્વાદ અથવા વિવેચન કરાવવાની અમે કરેલી મથામણનું પરિણામ છે. માઇક્રોફિક્શનમાં ઘણું એવું હોય છે જે વાચકે પોતે વિચારવાનું કે વિસ્તારવાનું રહે છે, એનો પ્રાયોગિક પ્રયત્ન સર્જક જ વાચક બની કરી બતાવે એ હેતુથી આ ટાસ્ક કરેલો અને એના પરિણામે ઘણાં સુંદર વિવેચન અથવા રસાસ્વાદ મળ્યા એ સર્વે વાચકમિત્રો સાથે વહેંચી રહ્યાં છીએ. એ અંતર્ગત પ્રસ્તુત છે નિલય પંડ્યાની માઇક્રોફિક્શન ‘હેપ્પી બર્થડે માઇકલ’ નો ગોપાલ ખેતાણીની કલમે આસ્વાદ.

મેં કેક ઉપર લખ્યું; ‘હૅપ્પી બર્થડૅ માઈકલ’, દુકાન બંધ કરી અને આપેલ સરનામે કેક પહોંચાડવા ચાલી નીકળ્યો.બરાબર રાતનાં બારને ટકોરે તો હું ‘હૅવન બંગ્લૉ’ પહોંચી ગયો. સાવ ઉજ્જડ, ખંડેર જેવી જગ્યા અને ઉપરથી ચારેકોર ગાઢ અંધારું. મને થોડી નવાઈ લાગી. છતાં હું વિશાળ બગીચો વટાવીને ઘરનાં મુખ્ય બારણાં પાસે પહોંચ્યો. આજુબાજુ નિરવ શાંતિ હતી.

મેં ટકોરા માર્યા – પણ આ શું! મારો હાથ અડતાં જ બારણું ખૂલી ગયું. ધ્રુજતા પગે અને કાંપતાં હ્રદયે હું અંદર પ્રવેશ્યો. અહીં પણ ઘોર અંધારું હતું.
પરસેવે રેબઝેબ હું મુખ્ય ઓરડામાં આગળ વધ્યો. એટલામાં મને બાજુનાં બંધ ઓરડામાંથી કોઈક સ્ત્રીનાં ગાવાનો અવાજ સંભળાયો. મેં નજીક જઈને બારણાની તિરાડમાંથી નજર કરી તો મારું હ્રદય એક ધબકારો ચૂકી ગયું.

એ વિશાળ અંધારિયા ઓરડાની છતમાંથી ચંદ્રનું ઝાંખું અજવાળું આવી રહ્યું હતું. એક લોહીલુહાણ સ્ત્રી ખૂબ ધીમા અવાજે કંઈક ગાતી હતી અને એક પુરુષ તથા બાળકી તાળીથી તેનો સાથ આપી રહ્યા હતાં. વચ્ચે ટૅબલ પર એક આઠ દસ મહિનાનું બાળક સૂતું હતું જે ખિલખિલાટ હસી રહ્યું હતું.

આવું ભયાનક દ્ગશ્ય જોતાં જ મારા શરીરમાંથી કંપારી છુટી ગઈ. હું ચીસ પાડતો ત્યાંથી ભાગ્યો..

સવારે પૉલીસ મારા વેરવિખેર પડેલા માંસનાં લોચા તપાસી રહી હતી. પણ મારી નજર તો ઘડિયાળ પર હતી. ક્યારે રાત પડે અને ક્યારે અમે માઈકલનો જન્મદિવસ ઊજવીએ!

  • વિવેચનઃ

વાર્તાનું શીર્ષક રાખ્યું “હૅપ્પી બર્થડૅ માઈકલ” અને પહેલાં વાક્યથી જ લેખક એક્શન પર આવી ગયા.

બીજા વાક્યમાં સમય અને ‘હેવન બંગ્લો’ શબ્દ વાપરી કન્ફ્લીક્ટના એંધાણ આપ્યા.

ત્રીજા વાક્યે વાચકની ઉત્સુકતા જગાડી. અહીં નાયકની મનોસ્થીતી અને બંગ્લોના વર્ણનની મને જરૂર ન લાગી, કારણકે ત્રીજુ વાક્ય નાયક પોતે જ વાચકોને જણાવે છે જેથી નાયકની મનોસ્થિતીથી વાચક વાકીફ છે જ.

તેના પછી વિશાળ બગીચો વગેરે શબ્દો ભયાનક રસને અટકાવે છે.

આ કાઢી શકાય. મને થોડી નવાઈ લાગી. છતાં હું વિશાળ બગીચો વટાવીને ઘરનાં મુખ્ય બારણાં પાસે પહોંચ્યો. આજુબાજુ નિરવ શાંતિ હતી
“બંગ્લોના બારણે મેં ટકોરા માર્યા” એમ વાક્ય તરત લઈ લેવું જોઈએ.

પછીના ત્રણેય વાક્યો વાર્તાના ગ્રાફને ઉંચો લઈ જાય છે. ભયાનક રસ વાચકના મનમાં ઝરવા લાગે છે સાથે સાથે શું થશે તેની ઉત્સુકતા પણ જન્મે છે. લેખકે ખૂબીપૂર્વક બીજું પાત્ર ઉમેર્યું.

તેના પચીના ત્રણેય વાક્યમાં કન્ફ્લીક્ટ સેટ થાય છે. ભયાનક રસને તેની તિવ્રતાએ પહોંચાડવામાં અને બીજા પાત્રો ઉપસાવવામાં લેખક સફળ થાય છે. નાયક ત્યાંથી ભાગે છે પછી વાચકને એક અલગ ઝટકો લેખક આપે છે.

માઇક્રોફિક્શનનો અંત (જે હોતો નથી) વાર્તા પતે તેની પહેલાં પણ આવી શકે તે આ વાર્તામાં જોઈ શકાય. વાચકને હવે ખબર પડે છે કે આત્મકથન કરતો નાયક તો ભૂત છે. અને હજુ “ચેરી ઓન ધ ટોપ” એટલે છેલ્લું વાક્ય.

ડો. નિલય પંડ્યા ભયાનક અને બિભત્સ રસ ધરાવતી રચનાઓના માસ્ટર છે. “સર્જન” માઇક્રોફિક્શનમાં વૈવિધ્ય આપે છે એ પણ ગુણવત્તાસભર એ માટે આ વાર્તા પસંદ કરી છે.

આ વાર્તા વિષય, વાક્ય રચના અને શૈલીનો શાનદાર સમન્વય છે. અને હા! વાચકના મનમાં કંઈ કેટલાયે વિચારો (ભયાનક!?) છોડતી આ વાર્તા માઇક્રોફિક્શન બને છે એમાં કોઈ શક નથી.

Leave a comment

Your email address will not be published.

2 thoughts on “માઇક્રોફિક્શન: હૅપ્પી બર્થડૅ માઈકલ! – ડૉ. નિલય પંડ્યા; વિવેચન – ગોપાલ ખેતાણી”