ખોખલું – ગોપાલ ખેતાણી

“જો ભઈ, સૂરતમાં એમ્બ્રોઈડરીનું કામ જામી ગયું છે. મારે આમેય કોઈને મેનેજર તરીકે રાખવો પડશે. તું આવતો હોય તો મારા માટે ઉત્તમ.” રોનકનો ફોન મુકાયોને વિનયે સ્વાતિ સામે જોયું.

“કચ્છી બાંધણીઓથી કેટલું કમાઈશું? આમ પણ બે છોકરાઓ મોટા થાય છે. સુરત જવામાં વાંધો નહીં.” સ્વાતિએ વિનયના વિચારો આંખમાં જ વાંચીને ઉત્તર આપી દીધો.

સૂરત અનુકૂળ ન આવે એવું તો બને નહીં. પાંચ વર્ષમાં વિનયને પોતાનો નિર્ણય સાચો થતો લાગ્યો.

પણ અચાનક જ વિનયે એક દિવસ સ્વાતિને જણાવ્યું. “આપણે જેમ સુરત આવ્યા તેમ હવે એક નિર્ણય વધુ લેવો પડશે. ફક્ત એક વાર ચક્કર લાગી જાય તો બન્ને છોકરાઓ અને આપણી જિંદગી સુધરી જશે. પ્લીઝ હા કહેજે. બસ બે–ત્રણ વર્ષની જ વાત છે.”

સ્વાતિ વિનયના વિચારો વાંચવામાં પાવરધી હતી જ!

મુંબઈ એરપોર્ટ પર વિનયને મુકવા રોનક, સ્વાતિ તથા બાળકો આવેલા. “કંપાલા પહોંચીને તરત ફોન કરીશ.” વગેરે શબ્દોએ સ્વાતિની આંખો ભીની કરી. “ચિંતા ન કરીશ દોસ્ત, ભાભી અને બાળકોનું ધ્યાન રાખીશું.” શબ્દોએ વિનયના મનને શાતા પહોંચાડી.

વિનયના રવાના થયા બાદ એક અઠવાડીયામાં જ રોનકે ફોન કરી સ્વાતિને કહ્યું,” ભાભી અમે, મુંબઈ શિફ્ટ થઈએ છીએ. બધું જ મુંબઈ શિફ્ટ કરી નાખ્યું છે. તમને કંઈ પ્રોબ્લેમ હોય તો મને જણાવજો.”

ખોખલા શબ્દોનો ભાર સ્વાતિના કાન પર બહુ વર્તાયો.

“આઈ એમ સોરી ટુ સે, મિસ્ટર વિનય. વધુમાં વધુ બે થી ત્રણ વર્ષ.” ડોક્ટરના શબ્દો હજુ પણ વિનયના કાનમાં ગુંજતા હતા. સ્પિકર ફોન પર સંભળાયેલા આ શબ્દો વિનયની જાણ બહાર રોનકના કાનમાં પણ ગુંજ્યા હતા.

વિનયે મેડીકલ રિપોર્ટ પરથી, સ્વાતિએ મોબાઈલમાં ઝળુંબી રહેલી ભુજની ટિકીટ પરથી અને રોનકે આ સંબંધ પરથી; નજર ફેરવી લીધી.

One thought on “ખોખલા શબ્દોનો ભાર સ્વાતિના કાન પર બહુ વર્તાયો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *