ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

તારો મારો સમય – ગોપાલ ખેતાણી

“બાલા, ચોપડી મૂક એક બાજુ. આજે દોરડા લેવા આવી જશે ગાડી.” નારિયેળના છોતરાના ઢગલા કરતા-કરતા રામન્નાએ બૂમ પાડી. ઉદાસ આંખોએ શરમ અનુભવતી લાચાર આંખો સામે જોયું અને દોરડા બનાવવા લાગ્યો.

“બાલા બ્રિલીઅન્ટ છે, કંઈક કર.” મિશનરીના ફાધરે બાલાની તરફેણ તો કરી પણ ખનખનીયા વિનાના શબ્દોનું વજન તો રૂ કરતાંયે હલકું!

પ્રખરતા શોધ પરીક્ષામાં બાલા પ્રથમ આવતા ગામનું નામ છાપામાં ચમક્યું. ફાધરે ગામવાસીઓને ઉમ્મીદ જગાવી કે બાલા ભણશે તો ગામનો ઉધ્ધાર થાશે. અને બાલા પહોંચ્યો શહેર!

સ્કોલરશિપ અને પાર્ટ-ટાઇમ નોકરીની મદદથી વૈજ્ઞાનિક બન્યો. પણ બીજી તરફ ગામની હાલત વારંવાર આવતા વાવાઝોડાથી નાજુક હતી.

ગામનું ઋણ યાદ અપાવવા રામન્ના બાલાને પાંચ – છ વખત માંડ મળ્યો હતો. ખાલી હાથે બાપ કેટલી વાર મળવા જઈ શકે?

“ગામ જઈ અરજીઓ કરું, શિક્ષણ સુધારું. સુવિધાઓ માટે કંઈક કરું. પણ હજુ થોડું ભણી પૈસા એકઠા કરી મારી સ્થિતિ સુધારું પછી કંઈક કરું”.

સમય, તક, ભણતર અને નાણાના સમન્વયના અભાવે બાલા ગામે ગયો નહીં. બાલા ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકા જઈ રહ્યો હતો ત્યારે રામન્ના મળવા આવ્યો. ફરી એક વાર ઉદાસ આંખોએ શરમ અનુભવતી લાચાર આંખો સામે જોયું અને….

નાણાની કદર જાણતા બાલાએ ચાર વર્ષ પસાર કર્યા. વિઝાની સમસ્યા નડતા બાલાને દેશ યાદ આવ્યો. ભારતની ધરતી પર વિમાનના પૈડાં ઘૂમ્યા અને આ તરફ ત્સુનામીના પાણી ગામ પર. ઉદાસ આંખો પર પાણીના પડળ ચડ્યાં, ડૂમો ભરાયો.
અને ગામવાસીઓની મૃત લાચાર આંખો નજર સમક્ષ દેખાઈ. વેદનાના વમળમાં ગરકાવ થઈ આત્મહત્યા કરવા નીકળ્યો કે મિશનરીની જર્જરિત ઇમારત દેખાઈ. હજુ વિચારે એ પહેલાં ફોનમાં નાસાનો મેસેજ ચમક્યો.

બાવરું મન વધુ વિચારે એ પહેલાં જ સરકારી ભૂંગળા બાલાના કાનમાં ગુંજ્યા “ત્સુનામી અસરગ્રસ્તોની તન, મન, ધનથી મદદ કરો!”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “તારો મારો સમય – ગોપાલ ખેતાણી”