ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

સબ્જેક્ટ – શ્રદ્ધા ભટ્ટ

એણે સમય જોયો. બસ પાંચ જ મિનિટ. બધું સમયસર પૂરું થવું જ જોઈએ, અન્યથા…

ના. આજે આશંકા નહી. નક્કર કાર્ય જ. એણે પોતાના માટે વ્હીસ્કી અને લજ્જા માટે રેડ વાઈનનો ઓર્ડર આપ્યો. લાલ રંગના આકર્ષક ડ્રેસમાં સજ્જ લજ્જા આવી. 

‘આ છોકરીને દરેક પ્રસંગને અનુરૂપ વસ્ત્ર પરિધાન કરવાની કેવી ગજબ સૂઝ છે!’ માન થઈ આવ્યું એને પોતાની પસંદ પર. 

પોતાની? પસંદ તો લજ્જાએ કરેલો એને. આજથી એક વર્ષ પહેલાં. ત્યારથી એ લજ્જામય બનીને જ તો રહ્યો હતો. લજ્જાની દરેક માગણી પૂરી કરવી – એ જ તો એનો એકમાત્ર ઉદ્દેશ. 

“બોલ જાન. આજે તો તે સામેથી મળવા બોલાવી? એ ય અહીં ?” રણકતા અવાજમાં લજ્જાએ પૂછ્યું. 

“લજ્જા, યાદ છે, અહીં આ જગ્યાએ જ તે મને…” 

“હા જાન. પણ આજે અચાનક? કેમ? તું ઠીક તો છે ને?” 

“અરે હા. મને થયું આજે આપણી પહેલી મુલાકાતના એક વર્ષને ઊજવીએ. ચીયર્સ ડાર્લિંગ.” એણે વ્હીસ્કીનો ગ્લાસ ઉપાડ્યો. 

“ચીયર્સ જાન.” લજ્જાએ પણ વાઈનનો ગ્લાસ ઊંચો કર્યો. એક મધુર ટંકારવ આખાય ઓરડામાં ગૂંજી રહ્યો. 

બરાબર પાંચ મિનિટ પછી એણે પોતાના ડેટાબેઝમાં ડેટા ફીડ કર્યો. 

સબ્જેક્ટ લજ્જા – ટર્મિનેટ. આઈ ડી – ટી 15. રીઝન – ઓવર પઝેસીવનેસ.

વ્હીસ્કીની ચૂસકી લેતાં એણે સ્ક્રીન પર લોડ થતાં ડેટાને સ્કેન કરવાનું શરૂ કર્યું અને સ્ક્રીન પર મેસેજ ટપકયો: એન્ટર ધ નેઇમ ઑફ ન્યુ સબ્જેક્ટ !”

Leave a comment

Your email address will not be published.

One thought on “સબ્જેક્ટ – શ્રદ્ધા ભટ્ટ”