પરિતા ક્ષુબ્ધ હતી કે હતાશ કે પછી..?
એની હાલની માનસિક સ્થિતિ વિશે એ ખુદ અજાણ હતી.
બસ થોડી ક્ષણો પહેલાં એ કેટલી ખુશ હતી! હોમ થિયેટર પર ફેવરિટ મૂવી, હાથમાં વાઇનનો ગ્લાસ ને ડ્રોઈંગ રૂમના સેન્ટ્રલી એસીની ઠંડક. આકાશ ટુરિંગ પર હતો એટલે રાત પસાર કરવા હંમેશની જેમ પરિતા મોડી રાત સુધી જાગી મૂવી ને વાઇનની મજા લેવાના મૂડમાં હતી.

ત્યાં જ એ આવ્યો! પારિતોષ… પાંચ વર્ષે! નવાઈ લાગી હતી એને. કી હોલમાંથી દેખાતો એનો ચહેરો વોટ્સએપની ડીપી કરતા કેટલો અલગ લાગતો હતો!
ડોર ખૂલ્યું ને પારિતોષ અંદર આવ્યો એટલી વારમાં તો પરિતાએ વીતેલા પાંચ વર્ષો પાછા જીવી લીધા! કેવો ભરપૂર સમય હતો એ! છૂટા પડ્યા પછી ય મિત્રતા જાળવી રાખી હતી બંને એ.
કેમ છે, કેમ નહિની આપ લે, પોતપોતાના સંસારની વાતો ને સાથે ડ્રિન્ક્સની મજા. પરિતા ખુશ હતી, બહુ જ.
ને અચાનક…
પરિતાએ સમજાવ્યો હતો એને. શાંતિથી, ગુસ્સાથી ને છેલ્લે ધમકી પણ આપેલી. પણ પારિતોષના મન પર જાણે શું સવાર હતું! પાંચ વર્ષ પહેલાના પ્રેમનો હિસાબ લેવા આવ્યો હતો એ?
“આઈ સ્ટીલ લવ યુ, પરિતા. અને તું પણ. રાઈટ? એટલે જ તો સાથે ડ્રિન્ક્સ..”
“તું સમજે છે શું મને? વાઇનના આ એક ગ્લાસે તને પરમિશન આપી દીધી મને જ્યાં ત્યાં અડવાની?”
” કમ ઓન પરિતા. એટલું તો સમજાય જ ને? ચાલ, હવે જીદ ન કર. લેટ્સ એન્જોય.”
પછીની ઘટનાઓ રેતીની જેમ સરકી ગઈ. વાઇનની બોટલનું ફૂટવું, ફર્શ ને દીવાલ પર લોહીના છાંટા ઉડવા ને પારિતોષનું લોહીલુહાણ હાલતમાં ઘરની બહાર ભાગવું…
પરિતા ક્ષુબ્ધ હતી કે હતાશ કે પછી..?
એ પોતે નક્કી જ નહોતી કરી શકતી. એના મનના ઘોંઘાટને ચીરતો એક અવાજ આખાય ડ્રોઈંગરૂમમાં પડઘાઈ રહ્યો હતો.
‘શી સેઇડ નો. યોર ઓનર.’