ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ફોટો (લઘુકથા) – રાજુ ઉત્સવ

શંભુએ ચાલવાની ઝડપ વધારી, બાર વાગી ચૂક્યા હતા. દવાખાને પહોચવું હતું બે વાગતા પહેલા, પણ આ પળોજણો! એનો પાર ન હતો. સવારથી પત્નીની મગજમારી, છોકરાનાંં કજિયા, મકાનમાલિકના ભાડાની ઉઘરાણી, અને એની પોતાની શારીરિક સ્થિતિ! એ હસ્યો થોડું અને ચાલતો રહ્યો.

છૂટક મજુરીનું કામ કરતાં કરતાં ક્યારે એનું શરીર નબળું પડતું ગયું એ પોતે જ જાણી ન શક્યો, પણ છેલ્લા ઘણા દિવસોથી નબળાઈ વર્તાતી હતી. બે ત્રણ દિવસ તો સરકારી ડોક્ટરની દવા લીધી પણ ફરક નહોતો એટલે પ્રાઈવેટ ડોક્ટર પાસે જવાનું વિચાર્યું. તાણીને ભેગા કરેલા ત્રણસો રૂપિયા બંડીના ખિસ્સામાં મૂકીને એ નીકળ્યો.

થાક લાગતો હતો. એ ઉભો રહ્યો, બીડી સળગાવી અને ચાલવા માંડ્યું. જ્યારે જ્યારે એ બીડી સળગાવતો, બીડીમાંથી નીકળતા ધુમાડા જોતો ત્યારે એને થતું કે એનો થાક પણ ધુમાડા સાથે નીકળી જાય છે.

એ ચાલતો રહ્યો. રસ્તામાં એક યુરોપિયને એને ઉભો રાખ્યો, ધરાર! એ ઉભો રહ્યો, બાઘાની જેમ! કદાચ પેલાને એનો ફોટો જોઈતો હતો. ”વન્ડરફુલ ડ્રેસ” કહી ફોટો લઈ, થેંક્યું કહી યુરોપિયને ચાલતી પકડી. શંભુને મજા પડી ગઈ, એનામાં કંંઇક છે ફોટો લેવા જેવું એની અથવા તો પ્રથમ વખત ફોટો પડ્યો એની! ઘરે જઈને આ ઘટનાનું વર્ણન એ કેવી રીતે કરશે એ મનમાં ગોઠવતો ચાલી નીકળ્યો શંભુ!

દવાખાને એના નસીબે બે ત્રણ જ દર્દીઓ હતા. જલ્દી વારો આવી ગયો. કાંઇક મૂંઝાતો, સંકોચાતો એ ડોક્ટરની કેબિનમાં દાખલ થયો. પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરે કહ્યું, “એક્સરે લેવો પડશે.” એ જોઈ રહ્યો ડોક્ટર તરફ..

“ફોટો, ફોટો..” ડોક્ટરે સમજણ પાડી.

“અચ્છા” અને એને યાદ આવ્યો યુરોપિયન! ”વન્ડરફુલ ડ્રેસ” એ હસ્યો, આ ફોટોમાં ડ્રેસ ના આવે.

બે વાગ્યે જયારે એ બહાર નીકળ્યો ત્યારે ડોકટરના શબ્દો એના મગજમાં ગૂંજતા હતા, “જુઓ ભાઈ, તમને સમજાય એવી ભાષામાં કહું તો તમારા ફેફસામાં પરુંં થઇ ગયું છે. વળી એ વધારે પડતું છે.. વધુમાં વધુ છ મહિના! ફોટો આવું કહે છે.”

એને ફરી હસવું આવ્યું, ફોટો – યુરોપિયન – એક્સરે – પરુ – ડ્રેસ! એણે બીડી સળગાવી ચાલવા માંડ્યું.

– રાજ ઠક્કર

Leave a comment

Your email address will not be published.