ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

દુનિયા – રાજુ ઉત્સવ

એ અંદર ઘૂસ્યો. ચારચાર-પાંચપાંચનાં જૂથમાં લોકો વાતોમાં વ્યસ્ત હતાં. સામાન્યપણે આવું કાંઈક બને ત્યારે જે માહોલ હોય એ જ માહોલ. ચાર-પાંચ જણા નનામી બાંધી રહ્યા હતા. સાવ અંદરની તરફ લાશની આજુબાજુ કેટલીક સ્ત્રીઓ રોકકળ કરી રહી હતી. કોઈના ચહેરા દેખાય એમ નહોતા પણ પડોશણો હશે. એ જ રૂટીન વાક્યો “હિંમત રાખો, થવાનું હતું તે થઈ ગયું.”

“હિંમત કેમ રાખવી? મારોય વિચાર ન કર્યો.”

એના ગળામાં થોડો ડૂમો બાઝ્યો. ત્યાંથી હટી જવું જ યોગ્ય લાગ્યું. જમણી તરફ કેટલાક વડીલો વાતો કરતા હતા. તે તરફ એ સરક્યો.

“આમ તો બરાબર હતું બધું, કેમ આવું કર્યું ના સમજાયું.”

“ધૂળ બરાબર મિતેશભાઈ, દેવું થઈ ગયું હતું.”

“ઓહ! એમ કે!”

એનું મોં કટાણું થયું. ડાબી બાજુના જુવાનિયાઓ તરફ જઈને એ ઊભો રહ્યો. કોઈએ એના તરફ ધ્યાન ના આપ્યું. એ લોકોની વાતોમાં પણ એ જ ચર્ચા.

“દેવલા, આ આશુએ આત્મહત્યા કેમ કરી હશે?”

“દેવયાની માટે,  નિમલા”

“ના ના, હું નથી માનતો. દેવયાની તો ગાંડી હતી આશુના પ્રેમમાં.”

“અરે, તને શું ખબર? એ ડબલક્રોસ કરતી હતી.”

“ઓહ! દેવયાનીને ખબર પડી?”

“ના, હું જ અડધો કલાક પછી ફોન કરવાનો છું એને. લાવ હવે માવો કાઢ.”

બધાની જુદી જુદી વાતોથી એ થોડો ખિન્ન થઈ ગયો.

“સાલી, આ આખી દુનિયા જ વિચિત્ર અને સ્વાર્થી છે.” વિચાર કરતો કરતો એ છેક દરવાજા બહાર આવી પહોંચ્યો, ત્યાં જ એક મજબુત હાથ એના ખભા પર આવ્યો.

એણે પાછળ જોયું, “આમ મને શું જુઓ છો? આશુભાઈ આ દુનિયા આવી જ છે. ચાલો, ઝડપ કરો મારે અડધો કલાક પછી પાછું દેવયાનીને લેવા જવાનું છે.

Leave a comment

Your email address will not be published.