ચાંદનીએ ચા આપવા માટે આવતા છોટુને ખખડાવી નાંખ્યો ” સાલા, મારી સાથે રમત કરે છે? મારા નિગમ માટે આવી વાત કરે છે?”
“જો ચાંદની, હું તારા બધા જ પત્ર કે સમાચાર નિગમ સુધી પહોંચાડુ છું અને રૂપામાસીને જરાય ગંધ ના આવે એ પણ ખ્યાલ રાખું છું. હું પણ એવું ઇચ્છું છું કે તું આ નરકમાંથી બહાર નીકળે અને તારોય સુખી સંસાર હોય પરંતુ મને જે પાક્કી માહિતી મળી છે એ પ્રમાણે તને ચેતવું છું. નિગમ સારો માણસ નથી, એ તને પ્રેમ નથી કરતો પણ પ્રેમના નામે રમત કરે છે તારી સાથે.” સહેજ ઢીલા સ્વરે છોટુ બોલ્યો.

“જો છોટુ, તું દિવસમાં દશ વાર ચાના બહાને કોઠામાં બિન્ધાસ્ત આવી શકે છે અને આપણે બન્ને લગભગ સરખા વર્ષોથી અહીં છીએ એટલે તારો ભરોંસો કરું છું. જો કે મને લાગે છે કે રૂપામાસી તારી મારફત નિગમ વિરુદ્ધ મને ઉશ્કેરે છે. એ કદાચ એમ માનતાં હોય કે આ રીતે મારું પ્રેમનું ભુત ઉતરી જાય અને હું અહીં જ રહી પડું , પણ હું એની રગરગ ઓળખું છું. રૂપામાસી શું જાણે પ્રેમ કોને કહેવાય? રહી વાત તારી, તો તને આ રમતના કેટલા રૂપિયા મળે છે?” ઉશ્કેરાયેલી ચાંદની બરાડી.
ચાંદનીની નમણી આંખોમાં ખોવાયેલો છોટુ હલબલી ગયો અંદર સુધી. એ બોલ્યો, “ભાન છે શું બોલે છે? તું જેને રમત કહે છે એમાં મારૂં તો બેય બાજુ નુકશાન છે. મને તકલીફ એટલે થાય છે કારણકે તું તકલીફમાં છે પણ તને નહી સમજાય.” થોડું અટકીને સાવ ધીમેકથી એણે ઉમેર્યું, “તું શું જાણે પ્રેમ કોને કહેવાય!”