ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ભારી (માઈક્રોફિક્શન) – વૈશાલી રાડિયા

‘એયય… છોડી, ઊભી રે ને. આ લાકડાની ભારી માથે મૂકાવી દે તો. પસી પાટા વટજે.’ વાલીની વાત પૂરી સાંભળ્યા વિના જ સાથે ચાલતી એ અજાણી છોકરીએ પોતાની નાનકડી ભારી માથે મૂકી પાટા ઓળંગવા દોટ મૂકી.

સામેથી ધસમસતી ટ્રેન આવતી હતી ને છોકરીને તો રોજની જેમ એ રમતવાત હતી. પણ આજે જરાક અમથો ફરક પડ્યો. વાલીના પગ પાસે ઉડીને નાનકડી ભારી પડી. વાલીની ચીસ ટ્રેનના અવાજમાં વરાળ બની ગઈ. થોડી ક્ષણો માટે વાલી ભારીના ટેકે જડ બની ગઈ!

ટ્રેન નીકળી ગઈ, એકાએક ઘરે રાહ જોતા છોકરાઓ યાદ આવતાં કોઈની મદદ વિના બન્ને ભારી માથે ચડાવવા ક્યાંથી હિંમત આવી ગઈ! નીચું જોયા વિના પાટા ઓળંગતી વાલીનું કાપડું ફસાતા એણે પાછું જોયું. પાટા વચ્ચે કપાયેલા નાનકડા હાથની આંગળીઓ જેવું દેખાયું. થોડે દૂર લોહીમાં લથબથ એક શરીર પર નજર પડી. પણ માથે મૂકેલ ભારીનું વજન અનુભવાતા વાલીએ ચહેરા આડું કાપડું ખેંચી લીધું!

– વૈશાલી રાડિયા

Leave a comment

Your email address will not be published.

3 thoughts on “ભારી (માઈક્રોફિક્શન) – વૈશાલી રાડિયા”