ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

પાત્રાલેખન : “ન હન્યતે”ની અમૃતા – એકતા દોશી

હું અમૃતા..

૧૯૧૪માં એક ઉચ્ચ બંગાળી વિદ્વાનના ઘરે મારો જન્મ. અમારા ઘરમાં પહેલેથી જ સાહિત્ય અને કલાનું વાતાવરણ હતું, રવીન્દ્રનાથ ટાગોરની મારા ઘરે આવન-જાવન હતી અને અમે પણ શાંતિનિકેતનમાં જઈ એમની પાસે રોકાતાં. આ કારણોથી જ કદાચ હું પણ વિદુષી ગણાતી. બહુ નાની ઉંમરે કવિતા રચતી થઈ ગયેલી. રવીન્દ્રનાથ ટાગોર મારો પ્રથમ પ્રેમ હતા તેવું એ કહેતો, એ એટલે મિર્ચા યુકલીડ્સ. હું ત્યારે એક મુગ્ધા હતી. મોટી આંખો, લાંબો-કાળો કેશકલાપ, શ્યામલ વર્ણની નાજુકશી હું સુંદર ગણાતી. સોળ વર્ષની હતી ત્યારે મિર્ચાને પ્રથમવાર મળી, મળી તો શું – એણે મારા ઘરના એક ઓરડા ઉપર કબજો જ કરી લીધો; અને ધીરે ધીરે મારા દિલ ઉપર પણ. મિર્ચા યુકલીડ્સ એક ફ્રેન્ચ હતો જે મારા પિતાજી પાસે ભણવા આવ્યો હતો. બંગાળી વાતાવરણમાં એક વિદેશી ગોરો પડછંદ યુવાન આવી ભળી રહ્યો હતો. સ્વાભાવિક રીતે હું એની તરફ ઢળી રહી.

મને લાગે છે એ ઉંમરનું આકર્ષણ જ હતું જે ધીરે ધીરે પ્રેમમાં પરિવર્તિત થઈ રહ્યું હતું. હું એને ચાહવા લાગી હતી જેનો એ પણ પ્રતિસાદ આપતો હતો. તે પણ મને પ્રેમ કરતો હતો. એક વખત લાઇબ્રેરીમાં એણે મારો હાથ પકડી લીધો હતો અને મારી લાંબી આંગળીઓમાં પોતાનો હાથ પરોવતો તે મારી એકદમ પાસે આવી ગયો હતો. મારા હ્રદયના ધબકારા એ સાંભળી શકે એટલા તેજ થઈ ગયેલાં. શારીરિક આવેગોનો ક્યાં અનુભવ જ હતો એ અગાઉ?

મિર્ચાના અને મારા રીસામણાં-મનામણાં ચાલતાં રહેતાં, પણ એને મારું રવીન્દ્રનાથ પ્રત્યેનું ખેંચાણ નહોતું ગમતું, એ કહેતો – કે પ્રેમ તો તું એમને જ કરે છે. રવીન્દ્રનાથ મારા મનની હળવાશ હતા, હું તેમના સાનિધ્યમાં બધું ભૂલી જતી, એ વાત વિદેશી મિર્ચાની સમજ બહાર હતી. એ વખતે અમારા એક ઓળખીતામાં એક સ્ત્રીના લગ્ન પછી તેનો પતિ તેને પ્રેમી પાસે લઈ ગયો હતો, એક મારી ઉંમરની સ્ત્રી સાસરીથી પાછી આવી હતી. આ બંને ઘટનાએ મારા મુગ્ધ મન ઉપર ઘણી અસર કરી. હું મિર્ચા સાથે લગ્નના સ્વપ્ન જોવા લાગી પરંતુ એ શક્ય ન બન્યું, અમારી લાગણીની વાત આવતાં જ પિતાજીએ મિર્ચાને કાઢી મૂક્યો. એ ચાલ્યો પણ ગયો. જતાં જતાં તેણે મારા અને રવીન્દ્રનાથ ટાગોરના સંબંધો વિશે તેની એવી માનસિકતા ઠાલવી કે હું તેને ચાહવા માટે ખુદને નફરત કરવા લાગેલી.

હું થોડી પુખ્ત થઈ અને મેં મિર્ચા વગરના જીવનને સહજતાથી સ્વીકારી લીધું હતું, પિતાજીએ મારા લગ્ન એક અરસિક ડૉકટર સાથે નક્કી કર્યા અને મેં મારી ભૂલના પ્રાયશ્ચિત રૂપે સ્વીકારી પણ લીધું. મારા પતિ ખૂબ શાંત અને ઉદાર હતાં, હું પણ પૂરા તન-મન-ધનથી તેમને સમર્પિત હતી. અમે બંગાળના કોઈ સુદૂર વિસ્તારમાં રહેતાં, ત્યાંના પછાત-અબુધ લોકોની મારા પતિ સેવા કરતાં અને હું તેમની. પણ મને ખૂબ એકલતા સાલતી. રવીન્દ્રનાથને પત્ર લખી મારે ત્યાં આવવા વિનંતી કરતી. વ્યસ્તતાને કારણે તેમના જવાબ મોડા આવતાં પણ મારા સાહિત્ય જીવ માટે મીઠી વીરડી સમાન રહેતાં, મેં અમારા નોકરોની મદદથી બંગલાની આસ-પાસનો વિસ્તાર સાફ-સૂફ કરી બગીચો બનાવ્યો. આજુબાજુના બાળકો-મોટેરાંને ભણાવતી પણ ખરી. એકંદરે એક ભલા પતિ સાથે હું સામાન્ય ખુશ જીવન જીવી રહી હતી.

મારી વિનંતીને માન આપી રવીન્દ્રનાથ ટાગોર મારા ઘરે રોકાવા આવ્યા. એ મહિને હું ફરી એ જ થનગનતી અમૃતા બની ગઈ. એમની સેવામાં, સાંનિધ્યમાં મહિનો ક્યાં વીતી ગયો ખબર જ ન રહી. જીવનમાં નવો ઉત્સાહ ભરીને એ ગયા. પતિ સાથે સારા કાર્યો કરવામાં, લખવામાં અને બાળકોમાં સમય વીતવા લાગ્યો. અમે કલકતા પાછા આવ્યાં. ફ્રાન્સથી એક યુવક મને શોધતો શોધતો આવ્યો ત્યારે મિર્ચા યુકલીડ્સ વિશે જાણવા હું અધીર થઈ ગઈ. ફ્રાન્સ નામ પડતાં જ જાણે ષોડશી આળસ મરડી ઊઠી. એણે મને કહ્યું તમે તો અમારા મહાન લેખક મિર્ચાની પ્રેરણામૂર્તિ છો. તમારું વર્ણન કર્યું છે તમે એટલા જ સૌંદર્યવાન છો. તમારી એની નજીક જવાની યાચના, તમારા બંનેની સાથે વિતાવેલી રાતો… આ શબ્દોએ મારી અંદર આગ ભરી દીધી, હું મિર્ચાને રીતસર નફરત કરવા લાગી. મેં એને મારાથી દૂર રાખ્યો એનો આવો બદલો? હું હરપળ મિર્ચાને ધિક્કારતી હતી. મારા પિતાજી પણ કોઈ કામસર ફ્રાન્સ જઈ આવ્યા ત્યારે એમણે પણ જણાવ્યું કે, ‘મિર્ચાએ એના પુસ્તકમાં તને કામમૂર્તિ બતાવી છે.’ હું બેચેન થતી જતી હતી. પિતાના મુખે આ વાત સાંભળવી.. મને તો ધરતીમાં સમાઈ જવાની ઇચ્છા થઈ.

મારો સિત્તેરમો જન્મ દિવસ હતો, પણ બેચેની તો મુગ્ધા જેવી જ. હું દાદી બની ગઈ હતી, મારા પૌત્ર-પૌત્રી આવું વાંચે તો? મને કોઈ સાહિત્ય પરિષદમાં ફ્રાન્સ જવાનું આમંત્રણ મળ્યું. મારા ઉદાર પતિને કહી, મેં આ તક ઝડપી લીધી. હું મિર્ચાને ધિક્કારતી, સંભારતી, મનમાં એની સાથે સંવાદ કરતી અને મારા સુખી સંસાર વિશે વિચારતી ફ્રાન્સ ઊતરી. એરપોર્ટ ઊતરતાં જ મેં મિર્ચા વિશે પૂછ્યું. મારા આશ્ચર્ય વચ્ચે દરેક વ્યક્તિ મને ઓળખતી હતી, ‘તમે યુકલીડ્સના અમૃતા?’ ઓહ! યુકલીડ્સની અમૃતા… ક્યારેક મારે બનવું હતું. હું મિર્ચાને શોધવા આગળ વધતી ગઈ તેમ તેમ મારી અંદર મિર્ચાની અમૃતા હોવાનો અહેસાસ એક અલગ જ સ્પંદન ઊભો કરતો રહ્યો. હું એને શોધતી છેવટે એક લાઇબ્રેરીમાં પહોંચી. એ ઊંધો ઊભો હતો, વૃદ્ધ.. ત્યારે મને યાદ આવ્યું કે હું પણ તો હવે વૃદ્ધા છું, એ મને ઓળખશે? મન મક્કમ કરી મેં મારા મનના બધા ઊભરા ઠાલવી દીધાં. એ ચૂપચાપ સાંભળતો રહ્યો.એની ચૂપકીદીથી હું અકળાઈ ગઈ. હું એની પાસે પહોંચી, એની સામે જઈ ઊભી રહી પણ એની આંખો પથ્થરની થઈ ગઈ હતી.

હું પાછી ફરી મારી જાત સાથે એક સ્વીકાર લઈને કે પ્રેમ કદી મરતો નથી. આજે પણ હું મિર્ચાને પ્રેમ કરું જ છું.

 – એકતા દોશી

(Picture Person : Shrishti Vachrajani, Leenaben Vachrajani’s Daughter in law)

Leave a comment

Your email address will not be published.

2 thoughts on “પાત્રાલેખન : “ન હન્યતે”ની અમૃતા – એકતા દોશી”