ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શનમાં અધ્યાહાર વિશે.. – ડૉ. નિલય પંડ્યા

અધ્યાહાર – શું છે આ અધ્યાહાર? કેટલાંક લોકો માને છે કે અધ્યાહાર એટલે અડધો આહાર! વાચકને અડધો જ આહાર આપવાનો! પણ શું ખરેખર આને જ અધ્યાહાર કહેવાય? વિવિધ લેખકો અને તજજ્ઞો પોતપોતાની રીતે આનો અર્થ કાઢતાં હશે. જો કે હું કોઈ તજજ્ઞ નથી કે અહીં સંપૂર્ણપણે સાચો જ હોવાનો મારો કોઈ દાવો પણ નથી. પણ વાર્તાઓમાં જોવા મળતાં અધ્યાહાર વિશે મારી પોતાની જે કંઈ પણ સમજ છે એ અહીં વિગતે રજૂ કરવા માંગુ છું.

અધ્યાહાર, કે જેને અંગ્રેજીમાં ઇલીપ્સીસ (ellipsis) કહેવામાં આવે છે એ કોઈ પણ વાર્તાનું એક મહત્વનું અંગ છે. ખાસ કરીને વાર્તા જેટલી ટૂંકી એટલું અધ્યાહારનું મહત્વ વધારે. આ કારણે જ ટૂંકી વાર્તાઓ, લઘુકથાઓ, માઇક્રોફિક્શન જેવાં વાર્તાપ્રકારોમાં અધ્યાહારનું મહત્વ અનેકગણું વધી જાય છે.

સૌથી પહેલાં તો અધ્યાહારનો સીધો અર્થ કરવો હોય તો એમ કહી શકાય કે અધ્યાહાર એટલે લોપ. વાર્તામાં કોઈ ભાગનો કે કોઈ ઘટનાનો કે કોઈ દ્રશ્યનો લેખક દ્વારા લોપ કરવામાં આવે તેને સામાન્ય રીતે અધ્યાહાર કહી શકાય. ખરેખર તો બહોળાં પરિપ્રેક્ષ્યમાં જોવા જઈએ તો નવલકથાથી માંડીને માઇક્રોફિક્શન સુધીની કોઈ પણ વાર્તાઓમાં જેટલું કહેવાય છે એનાં કરતાં ઘણું બધું વધારે અધ્યાહાર હોય જ છે! વાર્તાનાં નાયક અને નાયિકા ઉપરાંત તેનાં મુખ્ય પાત્રોની વાતો જ મોટે ભાગે કહેવાતી હોય છે. પરંતુ જો આ જ વાર્તાને અન્ય પાત્ર કે અન્ય પરિસ્થિતિનાં દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો અધ્યાહાર મળે જ! આપણાં મહાન અને અમર ગ્રંથ મહાભારતનું જ ઉદાહરણ લઈએ તો આખી વાર્તા પાંડવો અને કૌરવોની આસપાસ ફરે છે અને પહેલાં કૌરવો અને છેવટે પાંડવોનાં અંત સાથે પૂરી થાય છે. હવે આપણે અધ્યાહાર છે કે નહિ એ તપાસવા માટે વિચારીએ કે શું વાર્તા ખરેખર પૂરી થઈ? વાર્તાની અંતે કોઈ વિકલ્પો મળે છે કે કેમ? એક રીતે જોઈએ તો વાર્તા, મહાભારતનાં લગભગ બધાં જ મુખ્ય પાત્રોની વાત પૂરી થવાની સાથે પૂરી થઈ. પરંતુ મહાભારતનું એક અભિન્ન ‘પાત્ર’ છે – હસ્તિનાપુર. શું યુધિષ્ઠિરનાં સ્વર્ગમાં પહોંચવાની સાથે હસ્તિનાપુરની વાત પૂરી થઈ ખરી? સૌ મૃત્યુ પામ્યા પણ જે ભૂમિનાં આધિપત્ય માટે આખુંય મહાભારત રચાયું એ હસ્તિનાપુર તો શાશ્વત છે. એની વાત ક્યારેય પૂરી થવાની જ નથી! આ જ રીતે અશ્વત્થામા તો અમર છે. આગળ તેનું શું થયું? આવાં તો અનેક દ્વાર ખૂલ્લાં કે જ્યાંથી આખો ‘મહાભારત ભાગ – ૨’ પણ અવતરી શકે! આ બધાંય દ્વારને એક પ્રકારે અધ્યાહાર જ ગણી શકાય. અને હું કહું છું તેમ આખો બીજો ભાગ લખી શકવાની સંભાવના છે એ અધ્યાહારની સૌથી મોટી સફળતા છે. પરંતુ આ સફળતા ત્યારે જ સફળતા કહેવાય કે જ્યારે બીજા ભાગ માટે દ્વાર ખૂલ્લો મૂકવા જતા પહેલો ભાગ પોતે કોઈ પણ પ્રકારે અધૂરો ન જ રહી જતો હોય!

પરંતુ આજે વાત કરવી છે વાર્તાનાં ટૂંકા પ્રકારોની. આગળ કહ્યું એ પ્રમાણે જ વાર્તા જેમ નાની એમ તેમાં અધ્યાહાર વધારે ને વધારે મહત્વનો બનતો જાય છે. નવલકથાઓની આવી ખૂલ્લી કડીઓ હકિકતે તો વિશાળ કથાનકનાં પડદાં પાછળ છુપાઈ જતી હોય છે. પરંતુ વાર્તાની લંબાઈનો પડદો જેમ નાઓ થતો જાય તેમ અધ્યાહાર સ્પષ્ટપણે બહાર દેખાવા માંડે છે! અને જે વસ્તુ દેખાતી હોય એ તો સુંદર જ હોવી જોઈએ! નાટકનાં બૅકસ્ટેજ પર કલાકારો શું કરે છે એ એટલું મહત્વનું નથી પણ જ્યારે તેઓ સામે આવે ત્યારે તો સંપૂર્ણ જ હોવા જોઈએ! આથી જ ટૂંકી વાર્તાઓ, લઘુકથા અને માઇક્રોફિક્શનમાં વાર્તાતત્વ, વાર્તાપ્રવાહ, રજૂઆત અને શૈલી ઉપરાંત અધ્યાહાર પણ ધારદાર હોય એ મહત્વનું બની જાય છે.

હવે સૌથી મહત્વની વાત, અધ્યાહાર એટલે કોઈ પણ પ્રકારે અધૂરી વાર્તા તો નહીં જ! અને છેલ્લું વાક્ય અધૂરું રાખવું એ તો બિલકુલ નહીં. ખરેખર તો વાર્તાનો અધ્યાહાર વાર્તાની અંતે જ હોય એ પણ જરૂરી નથી. વળી, લેખકનાં દ્રષ્ટિકોણથી સૌથી મહત્વની વાત એ છે કે અધ્યાહાર નૈસર્ગિક રીતે જ વાર્તામાં ઊતરી આવે તો જ વાર્તા નિખરે. પરાણે અધ્યાહાર આપી શકાય જ નહિ. જેમ ગર્ભાવસ્થામાં માણસનાં દરેક અંગોનો વિકાસ એકસાથે જ થાય એમ અધ્યાહારનો વિકાસ પણ વાર્તાનાં અન્ય અંગોની સાથે સાથે જ થવો જોઈએ. જેમ પાછળથી લગાવેલો પ્લાસ્ટીકનો પગ ક્યારેય કુદરતી પગ જેવું કામ ન જ આપી શકે એવી જ રીતે પાછળથી પરાણે ચોંટાડેલો અદ્યાહાર કાયમને માટે વાર્તાને ‘દિવ્યાંગ’ બનાવી દે. બીજું એ કે પગ હાડમાંસનો હોય કે પ્લાસ્ટીકનો પણ અધૂરો તો ન જ હોય! એવી જ રીતે પરાણે બેસાડેલા અદ્યાહારમાં પણ અંતનું વાક્ય અધૂરું તો ન જ હોય! છેક જઠરમાંથી એક તીવ્રતાથી ઊલટીનો ઝાટકો આવે અને બહાર ફૂવારો થવાને બદલે ઊલટીનો કોગળો મોંમાં જ ભરાઈ રહે તો જેવી લાગણી થાય એવી જ હાલત વાર્તાનું છેલ્લું વાક્ય અધૂરું જોઈને ઘણાંખરાં વાચકોની પણ થતી હોય છે. આથી અધ્યાહાર છોડવાની બળતરામાં છેલ્લું વાક્ય અધૂરું તો ક્યારેય ન છોડવું!

આ તો થઈ શું ન હોવું જોઈએ તેની વાત. તો હવે શું હોવું જોઈએ? મહાન અમૅરીકન કવિ અને વાર્તાકાર ઍડ્ગાર ઍલન પૉની એક વાત સૌથી પહેલા કહેવા માંગીશ. આપણે ત્યાં આવેલા અતિથીને (વાચકને) અદ્યાહારનાં નામે જમવાનો અધૂરો થાળ(વાર્તા) પીરસવાનો નથી! મહેમાનને સંપૂર્ણ થાળ પેટ ભરીને જમાડવાનો જ છે, પરંતુ જમી લીધા પછી શરાબ ક્યો પીરસવામાં આવશે તે મહેમાનને કહેવાનું નથી! (ઍડ્ગારનાં સમાજ અને સંસ્કૃતિમાં જમણવાર પછી શરાબનો જ રિવાજ હતો.) મહેમાનની થાળી (વાર્તા)માંથી આખેઆખી સ્વીટડીશ કે નમકીનનો લોપ કરવાનો નથી! જો આમ કરશો તો એ ફરી ક્યારેય તમારાં ઘરે જમવા નહિ આવે. મહેમાનને વિચારવા માટે કે તેનાં કૂતુહલ માટે કે સસ્પેન્સ બનાવવા માટે ફક્ત શરાબ ક્યો છે એ કહેવાનું જ બાકી રાખો. વળી એમાં પણ પાછો શરાબ તમારાં રસોડા (મન)માં તો હોવો જ જોઈએ! આખાંય જમણ દરમિયાન મહેમાનને એ શરાબની સુગંધ પણ આવવી જ જોઈએ! તો અને તો જ મહેમાન શરાબની દિશામાં વિચારી શકશે! જો તમારી પાસે જ શરાબ નહિ હોય તો? એ જ રીતે જો લેખક પાસે જ અધ્યાહાર નહિ હોય તો? તો તો વાચક હોકાયંત્ર વગર મધદરિયામાં ભટકી ગયેલા મુસાફર જેવો જ બની જવાનો. આથી, અગાઉ કહ્યું એ પ્રમાણે વાર્તાનાં દરેક અંગોની સાથે સાથે જ વાર્તાનાં અધ્યાહારનો પણ લેખકનાં મનમાં વિકાસ થાય એ અત્યંત જરૂરી છે. માત્ર શરાબનો જ લોપ કરવાનો છે પણ સોડમ તો આવવી જ જોઈએ, અને જમણનો થાળ તો ગમે તે સંજોગોમાં સંપૂર્ણ જ હોવો જોઈએ!

છેવટે જો ટૂંકમાં કહેવું હોય તો અધ્યાહાર એ સંપૂર્ણ વાર્તાની જ એક કડી છે. એ એવી કડી છે જે વાર્તામાંથી અનેક વિકલ્પો ખૂલ્લાં કરી આપવા સક્ષમ છે અને એ વાર્તામાં સસ્પેન્સ કે ટ્વીસ્ટ આપવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ અધ્યાહાર ક્યારેય અધૂરી વાર્તા કે અધૂરું વાક્ય તો ન જ હોઈ શકે!

હજી આગળ જતાં મધ્યમાં કે વાર્તાની શરૂઆતમાં જ અપાતાં અધ્યાહારો વિશે વાત કરવાની ઈચ્છા છે. ઍડ્ગારની કેટલીક ટૂંકી વાર્તાઓને લઈને અધ્યાહારો ઉદાહરણ સાથે સમજાવવાની પણ ઈચ્છા છે. જોઈએ ભવિષ્ય ક્યાં સુધી પહોંચાડે છે!

આભાર.

– ડૉ. નિલય પંડ્યા

(Photo Model : Lata Soni Kanuga)

Leave a comment

Your email address will not be published.

27 thoughts on “માઇક્રોફિક્શનમાં અધ્યાહાર વિશે.. – ડૉ. નિલય પંડ્યા”