ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

‘दस रूपये – मन्टो’ વાર્તાની સરિતાનું પાત્રાલેખન – જીજ્ઞેશ અધ્યારૂ

એ પંદર વરસની છોકરી છે, પણ એનો દેખાવ તેર વર્ષ જેવો, મુંબઈની એક ગંદી સાંકડી ચાલીમાં એની મા સાથે રહે છે. એને ચાલીની સ્ત્રીઓની જેમ બીજી કુથલીઓમાં જરાય રસ નથી, આખો દિવસ ચાલીની પોતાનાથી નાની મિત્ર છોકરીઓ સાથે અર્થહીન રમતો રમ્યા કરે. એ ખૂબસૂરત નથી, એનો રંગ ગાઢો ઘઉંવર્ણો અને એમાં મુંબઈના વાતાવરણને લીધે કાયમ ચહેરાને ચીકાશ વળગી રહે છે. એના હોઠ ચીકુની છાલ જેવા પાતળા છે, અને ઉપરના હોઠ ઉપર હંમેશા પરસેવાના ત્રણ ચાર ટીપાં ઝબક્યા કરે. જો કે એનું શરીર સુડોળ અને ભરાવદાર છે, ગરીબી એની પાસેથી શરીરની સમૃદ્ધિ છીનવી શકી નથી. ઉલટું જાણે જવાનીએ ખૂબ શિસ્તબદ્ધ હુમલો કર્યો હોય એમ એની ઓછી ઉંચાઈ છતાં એ સતત તંદુરસ્ત અને ભરાવદાર થઈ રહી છે. ચાલીની પાસેની સડક પર ચાલતા ક્યારેક એનો મેલો ઘાઘરો ઉંચો થઈ જાય તો એના પગની સાગની ચમક ધરાવતી પીંડીઓ પર કંઈક આંખો ચોંટી જાય એવી એ આકર્ષક. એની પીંડીઓ પર એકેય વાળ નથી, પણ ચામડીના નાના નાના છિદ્રો સંતરાની છાલની યાદ અપાવે એવા કાયમ તરોતાજા.. એના વાળ ગુચ્છેદાર, લાંબા અને રાત્રે કોઈએ કાળી શાહી ઢોળી હોય એવા અંધારભર્યા, એને ચોટલો રમતી વખતે ચાબુકની જેમ પીઠ પર કાયમ વાગે. જિંદગીમાં એને કોઈ ફિકર નથી, બે વાર જમવાનું સમયસર મળી રહે છે, એની માં ઘરનું મોટાભાગનું બધું કામ કરે છે, અને એ પોતાની રમતો રમ્યા કરતી ખુશ રહે.

સરિતા.. હા, એનું નામ સરિતા, અહીં આ મિલ પાસેની ચાલીમાં રહેતા બધાને પોતપોતાની મજબૂરીઓ હશે, બધાને પોતપોતાના રહસ્યો હશે, એટલે કોઈ એકબીજાની જિઁદગીમાં દખલ નથી કરતું; કારણ કે ચાલીવાળા બધાને ખબર છે કે સરિતાની માં આ યુવાનીના ઉંબરે ઉભેલી છોકરી પાસે શું કરાવે છે, પણ કોઇ કંઈ બોલતું નથી – બોલવા માંગતું નથી. મહીનામાં પાંચેક વખત કિશોરી શેઠ લોકોને લઈને આવે છે, અને સરિતાને તેમની સાથે મોકલી આપે છે, સરિતાએ કંઈ દુનિયા જોઈ નથી, એને એમ છે કે બધી જ છોકરીઓના ઘરે આવા શેઠ લોકો આવતા હશે, અને હોટલમાં કે વરલીની ઠંડી બેંચ પર કે જુહૂની ભીની રેતીમાં જે થાય છે એ બધી જ છોકરીઓ સાથે થતું હશે. એના મનમાં આ ક્રિયા વિશે કોઈ વિશેષ ગમા-અણગમાનો ખ્યાલ નથી. એટલે સુધી કે બહેનપણી શાંતાને ઈંડા બહુ ભાવે છે અને ગયા વખતે હોટલમાં શેઠલોકોએ તેને ઈંડા ખાવા આપેલા, એટલે શાંતાને પણ એની સાથે મોકલવા બાબતની વાત એ પોતાની માંને કરે છે. મેં પણ અનેક વખત સરિતાને જોઈ છે, લઈ ગઈ છું અને પાછી મૂકી છે.. પણ આજની વાત અલગ છે..

આમ જોવા જાવ તો મારામાં અને સરિતામાં કંઈ બહુ ફરક નથી. સરિતાને મારો સાથ ખૂબ ગમે છે. જ્યારે શેઠ લોકો મોં પર રૂમાલ દાબીને સરિતાની ચાલીની બહાર મૂતરથી ગંધાતી દિવાલ પાસે મને કે મારી જાતબહેનોને ઉભી રાખીને સરિતાના આવવાની રાહ જોતા હોય છે ત્યારે સરિતા એ લોકો માટે નહીં, મારા આકર્ષણથી આવે છે. એને અમારો સાથ ગમે છે. એ અમારી ગતિ સાથે પોતાની જાતને ઉડતી મૂકી દે છે. સરિતાને પૂરેપૂરી ખીલતી જોવી હોય તો મારી ઝડપની સાથે તાલ મિલાવતા એના ઉડવાના સ્વપ્ન એની મોટી કાળી આંખોમાં જુઓ. મારી પીળાશ એને આકર્ષે છે, શેઠ આવ્યા છે એ કરતા ગાડીવાળા શેઠ આવ્યા છે એ વાક્ય પ્રત્યે એને વિશેષ પ્રેમ છે. મનેય જોકે સરિતા જેવી છોકરીઓની કોઈ નવાઈ નથી, કંઈ કેટલીય જોઈ છે.

મારા ચાલકનું નામ છે કિફાયત, કિશોરી એ છોકરીને લઈને જ્યારે મારો પાછળની સીટનો દરવાજો ખોલી કિફાયતના હૈદરાબાદથી આવેલા બંને દોસ્તોની વચ્ચે બેસાડી દે છે ત્યારેય મારે કંઈ નવાઈ જેવું નથી, સરિતાને કોઈ સંકોચ નથી, એ બંનેની વચ્ચે જઈને બેસી ગઈ. જો કે સરિતાની વ્યવસ્થા કિફાયતના પાછળની સીટ પર બેઠેલા બે દોસ્તોમાંના એક – શહાબ માટે કરાઈ છે. બીજા દોસ્તને પણ કિફાયતે આવો જ પ્રસ્તાવ આપેલો પણ પૈસાના અભાવે એ મનની હા હોઠ સુધી લાવી શક્યો નહોતો, પણ સરિતાને જોઈને એ બંનેના મનમાં સ્પંદનોનો વંટોળ ઉઠ્યો છે, સરિતા થોડો સમય શહાબની માલિકીની થઈ છે, પોતાની મનમરજી મુજબ એ એની સાથે વર્તી શકે એમ હોવાથી એ અદમ્ય આકર્ષણ અનુભવે છે. કિફાયત કિશોરીને બે રૂપિયા આપે છે અને એ સરિતા અને સલામ મૂકીને જતો રહે છે.

આજે સાંજના પાંચ વાગ્યે હું એ ચારેયને એમની વચ્ચેની અજબ સ્તબ્ધતા સાથે લઈને મુંબઈની ભરબજારમાં ગાડીઓ, ટ્રામ, બસ અને લોકોની ભીડની વચ્ચેથી માર્ગ કરતી ચાલી ત્યારે સરિતાના મનમાં હતું, ‘જલ્દી અહીંથી નીકળો નહીંતર મારો દમ ઘૂંટાઈ જશે.’ પણ જેવું શહેર પત્યું અને મોટર દરિયા તરફ ચાલી કે સરિતા ખુશીથી ઉછળી પડી, ઠંડી હવાની લહેરખી અને મારી ગતિથી અભિભૂત થઈને એણે પોતાની રોકી રાખેલી જાતને છુટ્ટી મૂકી દીધી. બારીમાંથી દોડતા ઝાડને જોઈને એ રણઝણી ઉઠી. શહાબે પોતાનો હક સમજીને એની કમરમાં હાથ નાંખ્યો, સરિતાને ગલગલિયા થયા અને ચમકીને ખિલખિલાટ કરતી અનવરની ગોદીમાં જઈને પડી, ફરીથી શહાબે એની કમરમાં હાથ નાખવાનો પ્રયત્ન કર્યો અને એ હસી હસીને બેવડી વળી ગઈ. શહાબે જ્યારે કિફાયતને કહ્યું, ‘ક્યા કરારી લોંડિયા હૈ..’ કે પછી એને કહ્યું, ‘તુમ ઔરત નહીં ફુલઝડી હો..’ એ બધા પોતાના વિશે શું વિચારે છે એથી બેઅસર સરિતા પોતાની મસ્તીમાં જ મારી વધતી ગતિ સાથે ઝૂમી રહી. કૂદીને આગળની સીટમાં આવી ગઈ, કિફાયતે એને દસ રૂપિયા આપ્યા એ ચોલીમાં મૂકીને દેવિકારાનીનું ગીત, ‘મેં બનકી ચિડિયા બનકે બોલું રે..’ ગાતી રહી, પોતાની ખુશીમાં એણે પેલા ત્રણેયને પણ વહેવા દીધા અને ચારેય એક સાથે ગીત ગાવા લાગ્યા. સરિતા ગાતી રહી, ‘પ્રેમ નગરમેં બનાઉંગી ઘર મેં, છોડ કે સબ સંસાર..’ કે પછી ‘મોરે અંગનામેં આયે આલી, મેં ચાલ ચલું મતવાલી..’ ગીત પત્યું તો જાણે વરસાદ પડી ગયા પછી કુદરત શાંત થઈ હોય એમ બધા અનુભવી રહ્યાં. મારી અંદરનું આખુંય વાતાવરણ મુસાફરો સાથે ખુશનુમા થઈ ગયું..

સમુદ્રના કિનારે જ્યારે મોટર ઉભી રહી તો સરિતા દરવાજો ખોલીને જાણે દરિયા અને આકાશના મિલનસ્થળ તરફ ભાગી.. એને સમુદ્રમાં ભળીને ફેલાઈ જવું છે, એને તાડના ઝાડને પણ ઉપરથી જોઈ સહ્કે એટલું ઉંચે સુધી જવું છે, એને વાતાવરણમાં ભળી જવું છે.. એને ખબર જ નહોતી કે એ શું કરે.. એને મારી સાથે ઉડવું છે, મારા પોં પોંમાં ભળી જવું છે, મારી ઝડપ સાથે પક્ષી બનીને એને એકરૂપ થઈ જવું છે. મારી જિંદગીમાં મેં અનેક છોકરીઓ જોઈ છે, દિવસે – રાત્રે – અનેક જાતની અને અનેક રંગની છોકરીઓ મારા દરવાજાઓમાંથી આવજાવ કરતી રહી છે, પણ આજની વાત કંઈક અલગ થઈ અને એનું કારણ આ સરિતા છે. આજે વાતાવરણ વિનાકારણ ખુશનુમા થઈ ગયું છે. કિનારે બિયર પી રહેલાઓની બોટલ લઈને સરિતાએ ગ્લાસમાં રેડી, અને એમાં થયેલા ફીણને જોઈ ખુશ થઈ ઉઠી, એમાં આંગળી નાંખી એને ચાટતી કડવાશથી એ મોં બગાડી રહી. ત્રણેય એને જોઈને હસી રહ્યાં. અને એમ કરતાં પૂરી થયેલી છ બોટલો રેતી અને ફીણ વચ્ચે ઝૂલતી રહી. એ બધા નશામાં ઝૂમી ઉઠ્યા અને સરિતાના કહેવાથી ગાડી તરફ ચાલ્યા..

પાછા ફરતી વખતે અનવર અને શહાબ સૂઈ ગયા, સરિતા કિફાયત સાથે આગળની સીટ પર બેઠી પણ એ જ મસ્તીમાં ઝૂમતી રહી, ગીત ગાતી રહી. કિફાયતને એણે કહ્યું કે હવે તમે પણ સૂઈ જાવ ત્યારે ‘ગાડી કોણ ચલાવશે?’ના જવાબમાં એણે કહેલું, ‘એ ચાલતી રહેશે..’

સરિતા આમ જુઓ તો તમારી આસપાસની કોઈ પણ ગરીબડી, કંગાળ, રમતિયાળ, ચીંથરેહાલ, વખાની મારી છોકરી જેવી જ છે, પણ એના સ્વભાવમાં આમાંથી કોઈ વસ્તુ નથી, એ ખુશ રહેવા માંગે છે, એ ઉડવા માંગે છે, એને પોતાના સપના વિશે કોઈ ફિલસૂફીભર્યા ખ્યાલ નથી પણ એના વર્તનને મેં જેમ સમજ્યું એમાંથી આ જ દેખાયું છે. સમય જશે એમ એ પણ બધું ભૂલીને વ્યવહારૂ થઈ જશે, એની નિખાલસતા અને આનંદી સ્વભાવ કંઈ બહુ ટકવાના નથી, પણ સરિતા ગમે તેટલી વહે, એ નિર્મળ જ રહેવાની.. એનામાં ખારાશ તો સમુદ્રના કિનારે પહોંચીને જ ભળવાની.. અને આ સરિતાને તો વારેવારે સમુદ્રના કિનારે જવાનું છે..

ગલીના નાકે ઉતરીને જ્યારે સરિતાએ પેલા દસ રૂપિયા કિફાયત પાસે પાછા મૂક્યા, અને કિફાયતે પૂછ્યું ત્યારે એણે કહ્યું, ‘આ રૂપિયા હું કઈ વાતના લઉં?’ એ સમયે મને મારી સાથે અંદરના બધાય એની સરખામણીએ દેખાયેલા. ગરીબી માનસિક હોતી હશે? સરિતા દોમદોમ સાહ્યબીમાં મહાલે છે.. ને ગરીબો એની પાસે જીવનતત્વ મેળવવા જાય છે.

(મન્ટોની વાર્તા ‘દસ રૂપયે’ની કડી.. )

– જીજ્ઞેશ અધ્યારૂ

(Photo : Rangoli by Minaxi Vakhariya)

Leave a comment

Your email address will not be published.

7 thoughts on “‘दस रूपये – मन्टो’ વાર્તાની સરિતાનું પાત્રાલેખન – જીજ્ઞેશ અધ્યારૂ”