ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

“સર્જન” સાથેનો અનુભવ – ગોપાલ ખેતાણી

સર્જન સાથેનો અનુભવ

“ગાગરમાં સાગર કેમ ભરવો?” આ સવાલનો જવાબ હું સર્જન ગૃપ થકી શીખ્યો છું. ૨૦૧૩માં અક્ષરનાદ વેબસાઈટ થકી જીજ્ઞેશભાઈના સંપર્કમાં આવ્યો. અક્ષરનાદ પર ગુજરાતી સાહિત્યનો રસથાળ માણતાં માણતાં માઇક્રોફિક્શન નામની વાનગી ચાખી. માઇક્રોફિક્શન ગમવા લાગી. અને તે કારણસર જ અક્ષરનાદ આયોજિત પહેલી માઇક્રોફિક્શન  સ્પર્ધામાં ભાગ લીધો. માઇક્રોફિક્શન લખવાની મજા આવતી ગઈ. જીજ્ઞેશભાઈએ માઇક્રોફિક્શનમાં રસ ધરાવતાં મિત્રોનું એક ગૃપ શરુ કર્યું. હું પણ હોંશે હોંશે આ ગૃપમાં જોડાયો. છ શબ્દોની વાર્તાથી લઈને થીમ અને પ્રોમ્પ્ટ અનુસાર વાર્તાઓ લખવાનું શરુ કર્યું. આ ગૃપમાં મારા જેવા નવોદિત સીવાય ગદ્ય-પદ્ય જગતના દિગ્ગજ પણ સામેલ હતાં.

ગૃપમાં જોડાયો પછી સૌ પ્રથમ વિશેષ લાભ થયો હોય તો એ વ્યાકરણ અને જોડણી સુધારનો. સરલાબેન, મીનાક્ષીબેન, રાજુલબેન, સંજયભાઈ, દિવ્યેશ, અનુજ અને અન્ય કેટલાય મિત્રોએ (હા, આ બધાં હવે મારા મિત્રો છે!) અવારનવાર વ્યાકરણ અને જોડણી વિષે એટલી સરસ માહિતી આપી, અને કેટલીયે વાર અમને ટકોર કરીને લખાણને સુધાર્યું છે.

જીજ્ઞેશભાઈ અને હાર્દિકભાઈએ માઇક્રોફિક્શનનું બંધારણ અને તેના પેટા પ્રકાર વિષે વખતો વખત સમજાવ્યું છે. નીલમદીદીએ વાર્તા પ્રકાર અને લઘુકથાનો અનુભવ સર્જનમિત્રોને વહેંચ્યો છે. જીજ્ઞેશભાઈએ પ્રખ્યાત સાહિત્ય સર્જકો સાથેના સાક્ષાત્કારને ગૃપમાં વહેંચ્યો છે.

આ બધાંનું પરિણામ ગૃપ શરુ થયું તેના એક વર્ષમાં દેખાઈ આવ્યું. હું જ મારી રચનાઓને માઇક્રોફિક્શન છે કે નહીં, અને એથીય વધુ વાર્તા છે કે નહીં એ જાતે જ સમજતો થયો. અને એ અનુભવ મેં જીજ્ઞેશભાઈને કહ્યો પણ ખરો. વધુ એક લાભ એ થયો કે જ્યારે પણ ગૃપમાં થીમ કે પ્રોમ્પ્ટ અપાતો ત્યારે મિત્રો પોતપોતાની વાર્તાઓ રજૂ કરતાં. અલગ અલગ વિષયની રજૂઆત માણવા મળતી. જ્યારે એમ લાગતું કે એક થીમ પર બધી જ શક્યતા ધરાવતી વાર્તા આવી ગઈ ત્યારે એક મિત્ર નવી શક્યતા લઈ વાર્તા રચી સુખદ આંચકો આપતા. આમ વિચારશક્તિની ક્ષિતિજ વિસ્તરવા લાગી. ગૃપમાં જે સ્વસ્થ ચર્ચા અને દલીલો થતી તેનાથી પણ ઘણું શીખવાનું મળ્યું.

સર્જન સાઈટ, મેગેઝીન, પુસ્તક, મુવી અને ઓડીયો લોન્ચ જેવી દરેક પ્રવૃત્તિમાં મેનેજમેન્ટ શીખવા મળ્યું એ તો નફામાં. સાહિત્ય સર્જન પછી શું?  એ સવાલનો જવાબ પણ ગૃપમાંથી મળ્યો. સર્જન થકી ફકત હું માઇક્રોફિક્શન લખતાં નથી શીખ્યો, પણ દરેક સાહિત્યની કદર કરતાં પણ શીખ્યો છું. આજે તો સર્જન વટ વૃક્ષ બનવાની રાહ પર છે, પણ આ છોડનો નાનકડો ભાગ હું પણ છું તેનો ગર્વ છે અને રહેશે.

મિત્રો હંમેશા નસીબથી મળે છે.  હું યે નસીબદાર ખરો કે મને સર્જન ગૃપ થકી શાનદાર મિત્રો મળ્યા છે. આ મિત્રો એટલે જીજ્ઞેશભાઈ અધ્યારુ, ધવલભાઈ સોની, સંજયભાઈ ગુંદલાવકર, હાર્દિકભાઈ યાજ્ઞિક, સંજયભાઈ થોરાત, જીજ્ઞેશભાઈ કાનાબાર, નીલમદીદી, મીનાક્ષીબેન, સરલાબેન, મીતલબેન, રાજુલબેન, નીલયભાઈ, શીતલબેન, હાર્દિક પંડ્યા, દિવ્યેશ, મીરા, ઝીલ, હીરલ, પારસભાઈ, આલોકભાઈ, શૈલેષ પરમાર, અંકુરભાઈ, વૈશાલીબેન, યામીનીબેન, નિમીષભાઈ, સોનીયાબેન, સંકેત….લિસ્ટ બહુ જ લાંબું છે. આ મિત્રોનું લિસ્ટ હજુ પણ લાંબું બનશે. જો કે આ યાદીમાંના અમુક મિત્રો જોડે મિત્રતા ફક્ત સાહિત્ય સર્જન પૂરતી સીમિત નથી રહી. તેમની જોડે એક લાગણી બંધાઈ છે, જે પ્રભુના આશીર્વાદ છે.

ઘર હોય ત્યાં વાસણ ખખડે, એવું અહીંયા પણ ક્યારેક થયું છે. પણ કુટુંબ છે એટલે હંમેશ  બધાં એક થઈ આગળ વધ્યાં છીએ. કારણકે જે પ્રયોજનથી સર્જન ગૃપ બન્યું છે તેનો હેતુ શુભ છે.

સર્જન માટે મારી લાગણીઓ અંતે આ રીતે રજૂ કરીશ કે

ભરી આશા આંખોમાં,
અમે આવ્યા સર્જનમાં,
તરી અક્ષરપથની નદીઓ
વહી આવ્યા સાગરમાં.

ફિક્શનના તુલસી ક્યારે
અમે સપના વાવ્યા’તા.
થોડા મૂરઝાયા, થોડા ખીલ્યા, થોડા અર્ધાં ઊગ્યા’તા.
નવી મોસમના રંગમાં, અમે ગૃપમાં આવીશું,
નવી ફિક્શનના સંગમાં, નવા સપના વાવીશું.
(સપનાના વાવેતર પરથી પ્રેરિત.)

– ગોપાલ ખેતાણી

((Photograph Person : Dipali Patel, Daughter of Smitaben Patel))

Leave a comment

Your email address will not be published.

2 thoughts on ““સર્જન” સાથેનો અનુભવ – ગોપાલ ખેતાણી”