ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

સફર સર્જન સાથેની… – જાહ્નવી અંતાણી

‘શબ્દાવકાશ’ ગ્રુપમાં સાથે લખતા મિત્ર નિમિષ વોરાએ લગભગ અઢી વર્ષ પહેલા કહ્યું હતું કે, ‘જાહ્નવીબહેન તમે ‘સર્જન’ વોટ્સએપ ગ્રુપમાં જોડાવ તમને મજા આવશે. અક્ષરનાદવાળા જીજ્ઞેશભાઈ અધ્યારુનો નંબર આપું છું. મેસેજ કરો તમને એડ કરશે.’ મને થયું કે ક્યાં એક વધુ જંજાળમાં ફસાઉં. અત્યાર સુધી કથાકડી અને શબ્દાવકાશ ગ્રુપમાં લખ્યું એ વંચાયું પરંતુ એથી કંઈ લેખક નથી બની જતા. હું એક નખશીખ વાચક છું અને એજ બની રહેવા માંગું છું.

પણ પછી, નવરા બેસવું ઓછુ ગમે, ઘર અને જવાબદારીઓમાં અટવાયેલી મને, એક દિવસ થયું કે લાવને જોઉં તો ખરી, કેવું ગ્રુપ છે! જીજ્ઞેશભાઈને મેસેજ તો કરવા દે, મારે ક્યાં લેખક થવું છે. ગ્રુપમાં એડ કરશે તો કંઈક નવું જાણવા શીખવા મળશે એ હેતુથી મેસેજ કર્યો. અને એમણે એડ કરી ગ્રુપમાં.

ત્યાં જોયું તો એક અઠવાડિયા માટે કોઈ ટાસ્ક, જેમ કે થીમ, પ્રોમ્પ્ટ, કે ચિત્ર આપવામાં આવે અને એના પર માઈક્રોફિક્શન લખવાની. હવે મૂંઝાણી કે આ માઈક્રોફિક્શન શું! અહિંં તો નવલકથાઓ અને લઘુકથાઓ જ વાંચેલી. પણ અક્ષરનાદ અને ગ્રુપમાં આ વિષે સરસ છણાવટ થઇ, થોડું સમજાયું. થોડું શીખતે શીખતે સમજાયું. ઉમરના પચ્ચાસમાં પડાવ પછી બાળકો મોટા થઇ ગયા હોય, ઘરકામમાં ફાવટ આવી ગઈ હોય એટલે બચેલા સમયમાં શું કરવું એવા પ્રશ્નો થતા હતા એવા સમયે આ સર્જન ગ્રુપે ઓક્સિજનનું કામ કર્યું. એક નવી ચેલેન્જ, એના વિષે વિચારવું, ખુબ વિચારવું, પછી મનમાં ઘુટવું, અને પછી લખવું. લખ્યા પછી એ કામ પૂરું ન થતા જાતે જ પોતાના માસ્તર બનીને મઠારવું. મજા તો આવવા માંડી.

અઠવાડિયે નવી ચેલેન્જ મગજને બીઝી રાખવા માંડી. અને નાના બાળક જેવી જીજ્ઞાસાવૃતિ ફરી જાગી. જલ્દી જલ્દી કામ પતાવીને આજે શું ટાસ્ક હશે એની રાહ જોવાનું ગમવા લાગ્યું. આ બાજુ જીવન પણ સામે સારી નરસી ચેલેન્જ આપતું રહ્યું. યેનકેન પ્રકારેણ સમય કાઢીને હું થોડું સમજતી થોડું લખતી, અને એમાંથી શીખતી ગઈ.

સમયના વાવાઝોડાં સામે જાણે ટકવાની હિંમત આવતી ગઈ. હું સોશિયલ વેબસાઈટનો વાંચવા માટે ઉપયોગ કરતી. નવું નવું કોમ્પ્યુટર શીખી હતી ત્યારે રીડગુજરાતી અને અક્ષરનાદ પર પણ વાંચતી. વાંચનનો કેળવાયેલો શોખ જે જીવનના ભાર તળે દબાઈ ગયો હતો એ આ વેબસાઈટથી ફરી પૂરબહારમાં ખીલવા લાગ્યો હતો. અને આવી જ જ વેબસાઈટ પર આપણું જ લખેલું આવે, એ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હોય. અને સર્જન માઈક્રોફીક્શનના બંને પુસ્તકો અને વેબસાઈટ પર એક નાની જગ્યા હું રોકતી થઇ. ગમવા તો માંડ્યું હો..!

નીવારોઝીન રાજકુમાર સાથે કથાકડી અને શબ્દાવકાશ સાથે અનાયાસે શરુ થયેલી મારી શબ્દયાત્રાને ‘સર્જન’એ એક ખૂબસુરત મોડ આપ્યો. સામાન્ય રીતે પચાસ પછી દિમાગ નિવૃત થતું હોય ત્યારે અનેક રોગોનો અને આદતોનો શિકાર બની શકે છે. પરંતુ મારા માટે ખરેખર તારણહાર બન્યું.જીવનના કપરા સંજોગોમાં એક ટાસ્ક મારા માટે બુસ્ટ બની રહેતો.

એટલે જ આત્યારે પણ સર્જન સાથે ટકી છું. મારા વાંચનના શોખને પોષીને મને લખતા શીખાડવા બદલ સર્જનની હંમેશા ઋણી રહીશ.

. જાહ્નવી અંતાણી

(Photo Model : Zeel Gadhvi)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “સફર સર્જન સાથેની… – જાહ્નવી અંતાણી”