ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

જેટલું જોર હતું એટલું એકઠું કરી બૂમ પાડી, “હેલ્પ.. હેલ્પ.. હેલ્પ..”

સ્પર્શ- નિમિષ વોરા

મને હતું કે હવે આંખ ખુલશે તો સ્વર્ગના દ્વાર સામે જ.. પણ ના, ફરી એ જ અંધારું.. કેટલા કલાકો ગયા હશે? કે દિવસો? એક એક ક્ષણ યુગ જેવી લાંબી..

જેટલું જોર હતું એટલું એકઠું કરી બૂમ પાડી, “હેલ્પ.. હેલ્પ.. હેલ્પ..” પાછો આવ્યો માત્ર પડઘો..

“હરી કાકા.. હરી કાકા? એ.. ગયા..?”

સાવ બાજુમાં રહેવા છતાં આજે પહેલીવાર અમે આટલી વાતો કરી હશે. અલબત્ત મોટા અવાજે, પણ એમણે કહેલા છેલ્લા શબ્દોમાં આટલા શારીરિક દર્દમાં પણ ક્યાંક ખુશી છલકાતી હતી,“તારી આંટી યાદ કરે છે, જલ્દી આંખ મીંચાય બસ..”

આહ.. તેમનું તો ત્યાં પણ કોઈ રાહ જુએ છે અને મારું..? કહેવાય છે છેલ્લી ઘડીઓમાં હંમેશ પ્રિય વ્યક્તિનો ચહેરો દેખાય.. એટલે જ મને તેનો ચહેરો..?

પણ એ તો ઠુકરાવીને ગયો હતો ને? પોતાનું પેશન શોધવા.. મળ્યું હશે? હજુ એવો જ લાગતો હશે? ઉફ્ફ.. છેલ્લી ઘડીઓમાં પણ આવા વિચારો આવે છે? મારો પગ.. મારા પગ.. કેમ કશું અનુભવાતું નથી? ઓહ.. બસ.. આજ છેલ્લી ઘડી.. અની.. અની.. અને આંખ મીંચાતી રહી..

આ અવાજ? આ ધ્રુજારી? ફરી એકવાર? ના, આ તો કોઈ મશીન. ઓહ ભગવાન કેટલી પરીક્ષા કરવાનો છે? ઓહ, આ અજવાળું? સ્લેબ્સ હટે છે?

“ડૂ ઈટ ફાસ્ટ, અહીંથી જ મદદ માટેની બૂમ આવેલી, આઈ એમ સ્યોર..”

આ અવાજ તો.. મારો અની..?

“સર, મેડમનો ફોન છે..”

“ટેલ હર યાર આઈ એમ બીઝી, વિલ કોલ હર લેટર.”

પગમાં સ્પર્શ અનુભવાયો, આંખો ફરી મીંચાતી રહી..

Leave a comment

Your email address will not be published.