સાધના – મીતલ પટેલ

એની નાગણશી લીસી ત્વચા પર પ્રેમથી મારો હાથ ફરી રહ્યો અને એનું રોમરોમ ઝંકૃત થઈ ઊઠ્યું. સાથે મારું પણ!

એના કોમળ ગુલાબી અધરોનો રસ મને આજે પણ પહેલી વાર જેટલો જ મીઠો લાગ્યો. અખંડ તૃપ્તિનો સંતોષ એની નશીલી આંખોમાં નિહાળી હું થોડો વધુ તૃપ્ત થયો. હંમેશાની જેમ…

“શું તું અને તારો પ્રેમ ફક્ત મારા જ થઈને ના રહી શકે?” મારા આજીજીભર્યા શબ્દો સામે એનું ઘંટડીના રણકાર સમું હાસ્ય આવ્યું… મારું વિંધાયેલું હૃદય ફરી વિંધાઈ ગયું.

“આ કામ મારી સાધના છે. અતૃપ્ત શરીરોને તૃપ્ત કરવાથી વિશેષ પુણ્યનું કામ શું હોય શકે?” એની આંખોમાંથી ડોકાતી નિર્વાણની ઝલક મારા સ્વાર્થીપણાને દઝાડી ગઈ. મારા હોઠ પર એક નટખટ ચુંબન સાથે એણે મને વિદાય કર્યો.

દરવાજો ખોલતાં જ સામે મારા ખાસ મિત્રને જોઈ એે અતિશય પ્રેમથી એને આવકારીને અંદર લઈ ગઈ.

તિરસ્કારભરી મારી નજરોએ એનું શરીર ચુંથવા જઈ રહેલા મિત્રની આંખોમાં સમાન ભાવ નિહાળ્યા. જે મારા હૃદય અને આત્માને ચૂંથી ગયા. એના પણ…. અને દરવાન ભીખાના કાયમના એ રહસ્યમય હાસ્યનો ભેદ આજે ઉકેલાઈ ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *