ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

પતિને ખોવાનો અજ્ઞાત ડર.. પતિની ગૂંગળામણ

આક્રંદ – મીતલ પટેલ

“ગંગુ, હું આ કામ નથી કરવાનો, મારા માટે શક્ય નથી. હંમેશા એક ભૂતાવળ મારી આસપાસ મંડરાય છે, એમના કુટુંબીજનોનું આક્રંદ સુવા નથી દેતું.”

“સોનુના બાપુ, આ કામ છે તો આપણે બે ટંકના રોટલા ખાઈએ છે, બીજું કામ મળવું.. આ તો સરકારી નોકરી આખી જીંદગી પૈસા મળશે, સોનુને સારું ભણાવી શક્શું.”

“પણ હવે સહન નથી થતું, લાગે બહુ મોટું પાપ કરું છું.”

“બધા હોય છે ને.. જજ, ડૉક્ટર, ઇન્સ્પેક્ટર, તમે તો નિમિત માત્ર છો, તમારે શું કરવાનું છે? બસ કાળું કપડું અને એક હાથો..”

“એ હાથાનો ભાર તને ખબર નથી ગંગુ.. તું ક્યારેય નહીં સમજી શકે!”

“શું થયું સોનુના બાપુ, ફરી એજ ભયાનક સપનું.. પાંચ વર્ષોથી સમજાવું છું, આટલું ન વિચારો, કસાઈઓ કામ નથી કરતા? એ પણ તમારી જેમ.. રાત્રે ઊઠી – ઊઠીને ચીખે છે?”

“એવું નથી ગંગુ, યાદ છે મારો બાળપણનો મિત્ર સરજુ?”

“એજને જેની પત્ની અને પુત્રીના ખૂનના બદલામાં પોલીસે પકડ્યો હતો?”

“પરિવારને એ જાનથી પણ વધારે ચાહતો હતો, બે દિવસ પછી એને ફાંસી..”

પતિની વિસ્ફારિત આંખો જોઈ ગંગુ અંદરથી હચમચી ગઈ.. પતિને ખોવાનો અજ્ઞાત ડર.. પતિની ગૂંગળામણનો એણે પ્રથમ વખત અનુભવ કર્યો. એને બાળકની જેમ પ્રેમથી સૂવડાવ્યો પણ ગંગુની ઊંઘ ઊડી ગઈ..

બીજા દિવસે અધિકારીની શીતકોટડીમાં..

“સાહેબ, સોનુના બાપુ હવે આ કામ નહીં કરે. એમની જગ્યાએ હું ફાંસી આપી શકું? તમારો મોટો ઉપકાર થશે..”

Leave a comment

Your email address will not be published.