ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ઉમ્મીદની શાહી… – મીતલ પટેલ

(નટરાજ પેન… લખો ઉમ્મીદની શાહીથી…)

ઇન્ટરવ્યૂ આપવા માટે આવેલા ઉમેદવારના ફોર્મમાં નાન્યતર જાતિ સામે ખરાનું નિશાન જોઈને સાહિલ પોતાની પેનને તાકી રહ્યો. પોતે જ્યારે ફૉર્મ ભરતો ત્યારે ફૉર્મમાં ફક્ત સ્ત્રી, અને પુરુષની જ કોલમ હોવાને કારણે અસમંજસમાં પડીને ફોર્મ બાજુ પર મૂકી દેતો.

એક દિવસ સ્વાતિએ ખૂબ જ પ્રેમ અને વિશ્વાસથી એનામાં હિંમત અને આત્મસન્માન રોપતા આ પેન આપીને કહ્યું હતું; આ ઉમ્મીદની શાહીથી ઈશ્વર નિર્મિત સત્ય લખ. અને પોતે આંખોમાં ચમક સાથે ફૉર્મમાં નાન્યતર જાતિ લખીને હસીને પેન ઊંચી કરીને બોલ્યો હતો, ‘ઉમ્મીદની શાહી…’

ઇન્ટરવ્યુ માટે પસંદગી પામેલા ઉમેદવારને એવી જ એક પેન ઉપહારમાં આપતા એ બોલ્યો, ઉમ્મીદની શાહીથી નવો ઇતિહાસ લખવાની ચળવળમાં સ્વાગત છે. એટલામાં જ સ્વાતીનો ફોન આવ્યો, મીનુના આઇકાર્ડ પર સેક્સની સામે અધર્સ પર હાથ ફેરવતા એ બોલી; “આજે બે વાગ્યે મીનુની શાળામાં પેરેન્ટ્સ મિટિંગ માટે જવાનું છે. તો સમયસર આવી જજો.

એણે પેન ગજવામાં મૂકતા કહ્યું; “કલાકમાં પહોંચું છું ઘેર, જમીને સાથે જ નીકળશું.”

Leave a comment

Your email address will not be published.

One thought on “ઉમ્મીદની શાહી… – મીતલ પટેલ”