ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

અફીણ – પીયૂષ જોટાનિયા

“રઘલા, આજે તો સમજુડીને ખાલી નહીં જવા દઉં.” ગાડા માર્ગે સંતાયેલા બહાદુરે અફીણ કાઢ્યું.

“હા બાપુ, એ છેલછબીલી તમને કાયમ છેતરીને નીકળી જાય છે.” રઘલાએ મરચું મૂક્યું.

“ચૂપ રે, ગોલકીના. આજે તો એના દેહના તાપણે, મારો દેહ નો શેકું, તો હું બહાદૂર્યો નહિ.” મૂછોને વળ ચડાવીને કેડામાં નજર લંબાવી.

“ભલે ભા, તો પછી તો ટાઢી રાતમાં કરો તાપણાં.”

રઘલો અફીણની ગાંગડી ખાંડવા લાગ્યો. બન્નેના મનમાં અફીણનો કેફ ચડતો હતો.

“બાપુ, જેમ અફીણ ધોળાઈ ગ્યો છે, એમ રૂપ ઘોળજો. પણ બાપુ, તમારા ડાયરાનું રખોપું કરતા આ રઘલાને ભૂલતા નહીં હો.”
બહાદુરે નશો ભરેલી લાલ આંખો કરડી કરી.

“રઘલા, તું રે’વા દે. કૂતરાએ તો ચોકીદારી જ કરવાની હોય, ને કટકું-બટકું જે મળે એ ખાઈ લેવાનું હોય.”

રઘલાનું કાળજું ચીરાઈ ગયું. તોછડા સ્વરે વળતો ઘા કરી લેત, પણ સમજુડીનો વિચાર કરીને, અફીણ કરતા પણ વધુ કડવો ઘૂંટડો ગળી ગયો.

“જો રઘલા જો, સામેથી સમજુડી આવતી લાગે છે. લાવ, લાવ, જલ્દી અફીણનો પ્યાલો લાવ. આજે તો કંઈ કમી નથી રાખવી.”સમજુડીનું રૂપ રઘલાના મનમાં ઘોળાવા લાગ્યું. કાયમ એઠું ખાવાની ટેવવાળા રઘલાને પહેલો કોળિયો ચાખવાનો અભરખો જાગ્યો અને અફીણનું આખું પડીકું ઠાલવીને બે પ્યાલા ભર્યા.

પીયૂષ જોટાનિયાની માઇક્રોફિક્શનનું વિશ્લેષણ – ડો. નિલય પંડ્યા

વર્ણન અને વાર્તાનો પ્રવાહ સામાન્ય જ છે એમાં કંઈ નવીનતા નથી. છતાં આ વાર્તાનું કન્ટેન્ટ અને વિષયનું નાવીન્ય એને અમુક ઊંચાઈઓ સુધી લઈ જાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *