આનંદિતા ઊભી થઈ. એણે નમીને અજયના માથા પર હળવું ચુંબન કર્યું. અજયે એનું કાંડું પકડી લીધું. “અભી ના જાઓ છોડકર કે જી અભી ભરા નહીં.” એ ગણગણ્યો.

“જવું પડશે. દિવ્યેશના આવવાનો સમય થઈ ગયો છે મિ.શાહ. હજુ રસોઈ પણ બાકી..” બોલતાં બોલતાં એણે દુપટ્ટો ખભે નાખ્યો અને દરવાજા તરફ વળી.

“તારું મન નથી મિસિસ આનંદિતા અજય શાહ બનવાનું?’ અજય ઊઠીને નજીક આવ્યો.

“છે જ મિ. શાહ, પણ દિવ્યેશને હું છોડી શકું..” એણે વાક્ય અધૂરું મૂકી દીધું.

“એના વિશે આટલું શું વિચારવાનું?” અજયના અવાજમાંની ચીડ આનંદિતાએ અનુભવી. એક નિસાસો સરી પડ્યો.

“નીકળું?” સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતાં એણે પૂછ્યું.

“એને વળી તું કયા દિવસથી ચાહતી થઈ? શા માટે પોતાની આખી જિંદગી બરબાદ કરવા બેઠી છો?”
“મિ. શાહ, હું વિધવા થઈ પછી તેને ચાહતી થઈ એવું નથી. વર્ષોથી ચાહું છું. એ ઘરમાં પરણીને આવી તે દિવસથી જ.”

“પણ એ ક્યાં તારો..”

“એ મારો સાવકો દીકરો ખરો પણ હું એની સગી મા છું.” કહેતાં આનંદિતાએ ઉંબરા બહાર પગ મૂક્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *