ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

સર્જન દિવાળી વિશેષ (૨૦૧૮) સંપાદકીય – જીજ્ઞેશ અધ્યારૂ

‘સર્જન’

આ એક નામ છેલ્લા અઢી વર્ષમાં જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે. સર્જનની છેલ્લી બે દિવાળીઓ વિચારું છું અને એ ઉત્સાહ વિચારું છું જે દરેક દિવાળીએ વધતો જ જાય છે. ૨૦૧૬ની સર્જનની પહેલી દિવાળીએ વિચારેલું એક ચોક્કસ પોઝમાં યુવતિ દીવો લઈને ઉભી હોય – અને ગૃપની મહિલા મિત્રોએ એટલા બધા ઉત્સાહથી પોતાના ફોટા મોકલ્યા હતા કે કયો ફોટો મુખપૃષ્ઠ પર લેવો એ અંગે મૂંઝવણ થઈ ગયેલી. અને તોય આખરે બે મુખપૃષ્ઠ બનાવ્યા હતા.

આ વર્ષે બધાને પોતપોતાની માઈક્રોફિક્શન / લઘુકથા / અછાંદસ / સર્જન વિશેના તેમના વિચાર લખી મોકલવા જણાવેલું. અનેક મિત્રોનો ઉત્સાહસભર પ્રતિભાવ મળ્યો અને એટલે જ કુલ ૩૪ પોસ્ટ સાથેની આ દિવાળી વિશેષ પ્રસ્તુતિને આ લખું છું ત્યાં સુધી ગત વર્ષના અંકથી ચારગણી વધુ ક્લિક્સ મળી ચૂકી છે. નિલયભાઈથી શરૂ થયેલી આ દિવાળી વિશેષ સફર સંપાદકીય સાથે અને વિક્રમ સંવત ૨૦૭૪ના અંતિમ સૂર્યાસ્ત સાથે પૂર્ણ થાય છે. નવા વર્ષની શરૂઆત સાથે સર્જન માટે અનેક ક્ષિતિજો ખૂલશે એવો વિશ્વાસ છે. સર્જન શરૂ કર્યું ત્યારે ઈચ્છા હતી બધા સહભાવકો સાથે સહસર્જક બનવાની, એ પછી લખતા શીખવાનું શરૂ કર્યું, સુધરતા રહ્યાં છીએ, અને એ જ પ્રક્રિયા અંતર્ગત આ વર્ષ પણ અનેક નવી તક આપશે એ ચોક્કસ છે. સર્જનના મૂળમાં ઉત્સાહ અને આશા છે જેણે કાયમ ઉત્સાહ ભર્યે રાખ્યો છે, અને વિક્રમ સંવત ૨૦૭૫માં પણ એ વિશ્વાસ જ દિવાદાંડી બનીને રસ્તો ચીંધશે. આયોજનો અને વિચારો ઘણાં છે, સક્રિય સર્જકોની એક આખી ટોળી છે જે હવે પરિવાર જેવી છે, ઉત્સાહથી લથબથ અભિનેતાઓ – અભિનેત્રીઓ છે તો સ્ક્રિપ્ટ, ગીત, સ્ક્રીનપ્લે લખવા અનેક નવસર્જકો તત્પર છે. એટલે ગયા વર્ષે શરૂ કરેલ શોર્ટફિલ્મની સફર આ વર્ષે આગળ ધપવાની છે, પૂરા જોશથી, પૂરા હોશમાં..

માઈક્રોફિક્શનને એક ટુચકો, એક જોક ગણતા, એ રીતે લખતા અનેક લોકો વિશે શું કહેવું? મને નથી લાગતું કે મારે કે હાર્દિકભાઈએ કે નીલમદીદીએ કે સર્જનમાંથી કોઈએ પણ હવે સર્જન સિવાય માઈક્રોફિક્શન લખતા લોકો વિશે કંઈ પણ બોલવું જોઈએ.. સાહિત્યના કયા સ્વરૂપ વિશે આવું નથી? માઈક્રોફિક્શનને શબ્દોની ચાલાકી ગણતા કે ‘હું માઈક્રોફિક્શનને સાહિત્યનુ સ્વરૂપ ગણતો / ગણતી નથી’ કહેનારા મિત્રોને – વડીલોને પણ અમારે કંઈ કહેવું જોઈએ નહીં, કારણકે સાહિત્યના કયા સ્વરૂપ વિશે આવું બોલાયું નથી? દલીલો કોઈ હેતુ સારવાની નથી કારણકે બધા પોતપોતાના વિચારોની લાકડી લઈને જ આવે છે, અને એ લાકડીઓ વીંઝાય એટલે કોઈક તો ઘાયલ થાય જ.. ગાંધીજીની જેમ પોતાની લાકડીનો ઉપયોગ કરનારા મહાનુભાવો પણ છે, પણ આ એમની વાત નથી. પોતાના વિચારોની સ્પષ્ટતા અને મંતવ્યની સજ્જતા સાથે જે ચર્ચા કરવા આવે એનું એક વિદ્યાર્થી બનીને કાયમ સ્વાગત કર્યું છે અને કરીશું જ. પણ સાહિત્યનો અંતિમ હેતુ કોઈકના મનને શાતા આપવાનો હોય, કોઈકના જીવનમાં હકારાત્મકતાનો ઉજાસ ફેલાવવનઓ હોય, કોઈના મનને લોહીલુહાણ કરવાનો કદાપિ ન હોય.

સર્જનના અઢી વર્ષના આ જીવનમાં ગૃપના મિત્રો સાવ અજાણ્યા સમાન રસ ધરાવતા લોકોથી વધીને સાવ સહજ મિત્રો થઈ ગયા છે. પ્રતિભાએ ગઈકાલે મને કહ્યું કે મહિલા મિત્રો કોઈ સંકોચ વગર માત્ર એકવાર વિનંતિને માન આપીને પોતાના અને દિકરીઓના ફોટા મોકલે એ વિશ્વાસ આપણે જીતી શક્યા છીએ, એ જ સર્જનની સૌથી મોટી સિદ્ધિ છે. વિચારોની – આયોજનોની – મેળાવડાની અને માઈક્રોફિક્શન પ્રસિદ્ધ થવાની જગ્યાઓની કોઈ તંગી પડવાની નથી. પણ સાથે એ પણ કહેવું જરૂરી છે કે એક પરિવારમાં હોય એ બધી તકલીફો સર્જનમાં છે. અહીં પણ ઓછું આવવાના, નારાજ થવાના અને અસહકારનું આંદોલન કરવાના બનાવ બને છે. પણ મને લાગે છે કે એ ખૂબ માનવીય છે, એ કુદરતી છે. આદર્શ માણસો સાથે કોણ જીવી શકે? જે ખુશીમાં અને દુઃખમાં સમાનભાવ રાખી શકે એવો માણસ કદાચ પોતાના અંગત દ્રષ્ટિકોણથી સુખી હોઈ શકે પણ એની સાથે કોણ આનંદિત રહી શકે? એટલે સર્જનમાં લોકોને ક્યારેક સ્વાર્થી બનતા જોયા છે, અવસર હોય ત્યારે સાથે રહીને તકલીફમાં છોડી દેતા જોયા છે. મહેનતની જરૂર હોય ત્યારે દૂર જઈને સફળતામાં ભાગ પડાવવા આવતા લોકોને પણ જોયા છે. પણ આનંદ એ વાતનો છે કે એ નકારાત્મક ઉર્જા સર્જનની સામે ટકી નથી, જેમ મને મારી ભૂલનો અહેસાસ થાય છે એમ અનેક મિત્રોને પણ એ અફસોસ, એ ક્ષણિક નારાજગીનો અહેસાસ થયો જ છે, અને એ ખરબચડા રસ્તાઓ પર ચાલીને જ આ અઢી વર્ષની સફર થઈ છે. મને અંગત રીતે ક્યારેક નિરાશા અને હતાશા પણ થાય જ્યારે સોથી વધારે લોકોની અપેક્ષાઓ અને ઈચ્છાઓ રાહ જોઈને ઉભી હોય અને ઘણું કરવા છતાં એવા અમુક લોકો તો હોય જ જેમની અપેક્ષા આપણે સંતોષી ન શક્યા હોય. તો ક્યારેક એમ પણ થાય કે સર્જનમાંથી સાથે રહેલા મિત્રો, સર્જનની સાથે સફર કરતા મિત્રો રાજમાર્ગ મળે ત્યારે એકલા જ ચાલી નીકળે છે પોતાની સફર પર.. ત્યારે ક્ષણિક ઈચ્છા એવી થઈ આવે કે ગ્રુપ બંધ કરીને પોતાના માટે જ કામ કરવું જોઈએ કારણ કે એવા અવસર તો અંગત રીતે અનેક આવ્યા છે અને એમાં અંગત લાભ જતો કરીને ગ્રુપને આગળ કર્યું છે. પણ આવા બે ત્રણ વખતના આવેગનો ઉભરો શમાવવામાં સર્જનની બહેનો અને ભાઈઓ એક મજબૂત સહારો બનીને ઉભા રહ્યાં છે. હવે એ મનઃસ્થિતિ ફરી ન આવે એ પણ ઈશ્વરના શ્રીચરણોમાં અભ્યર્થના.

સર્જનના દિવાળી પછીના તરતના આયોજનમાં ગીરમાં ૩૦ નવેમ્બરથી ૨ ડિસેમ્બરનો મેળાવડો અત્યારે આકર્ષણનું કેન્દ્ર છે. ચાલીસથી વધારે મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને બીજા દસ હજી જોડાઈ રહ્યાં છે એ જોતા આ મેળાવડો મજેદાર રહેવાનો. બે દિવસમાં અધધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ છે, સર્જન આવા મેળાવડાઓથી જ જીવંત છે. લોકો એકબીજાને નજીકથી ઓળખે છે, નવા મિત્રો બને છે અને સાહિત્યસર્જનમાં બધા એકબીજાને કોઈપણ આભડછેટ વગર મદદ કરે છે એથી વધુ શું જોઈએ?

એકબીજાની સાથે સાહિત્યના દોરે બંધાયેલા આપણે બધાંય સર્જનને આંગણે એક અનોખી રંગોળી પૂરીએ છીએ. બોન્સાઈની સાખે પણ આપણે મૂળ વૃક્ષની પ્રકૃતિ સાચવી શકીએ છીએ, એ જ બતાવે છે કે પરબ્રહ્મની સાખે આપણે આપણી સર્જનાત્મકતા વિકસાવવા પ્રયત્નશીલ છીએ. સર્વેના અંતરમાં સર્જનનો, લેખનનો, વાંચનનો અને સાહિત્યપ્રીતનો આ પ્રકાશ આમ જ પથરાતો રહે, દિપોત્સવ આપના સર્વેના અંતરમનમાં, વિચારોમાં, આચરણમાં, સંબંધોમાં અને એમ સમગ્રતયા જીવનમાં હકારાત્મકતાનો પ્રકાશ પાથરે એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે જઈ રહેલા વર્ષનો આભાર માનું છું. એક આખું વર્ષ આપણે સૌ – લેખન મુખ્ય વ્યવસાય કે પ્રવૃત્તિ ન હોવા છતાં પૂરેપૂરા આત્મવિશ્વાસ અને એકબીજાના સહકારથી જેમ સર્જન કર્યું એમ જ આવનારું વર્ષ નવા અજાણ્યા માર્ગ ખોલી આપે એવી મા સરસ્વતીના શ્રીચરણોમાં પ્રાર્થના, અને એ માટે શક્તિ મળે એ માટે મા મહાલક્ષ્મીને વિનંતિ.

આપ સર્વેને અમારા પરિવાર તરફથી દિવાળીની હાર્દિક શુભકામનાઓ. આવતીકાલથી શરૂ થઈ રહેલું નવલું વર્ષ આપના જીવનનું સૌથી વધુ સુખપ્રદ, આરોગ્યપ્રદ, સંતોષકારક અને સર્જનાત્મક વર્ષ બની રહે એવી ઈશ્વરને નતમસ્તક પ્રાર્થના.

સર્વે સર્જન મિત્રોને દિવાળીની શુભકામનાઓ અને નવા વર્ષના રામ રામ..

જય સર્જન..

– જીજ્ઞેશ અધ્યારૂ

(Cover PIc – Hardi & Kwachit Adhyaru)

Leave a comment

Your email address will not be published.

8 thoughts on “સર્જન દિવાળી વિશેષ (૨૦૧૮) સંપાદકીય – જીજ્ઞેશ અધ્યારૂ”